Mon Sep 14 2026

Logo

ખાડી દેશના યુદ્ધની કચ્છના ઉદ્યોગને માઠી અસર: એલપીજીની અછતથી કંડલા સેઝમાં આ પ્લાન્ટ બંધ કરાયો

2026-03-21 12:32:00
Author: Mumbai samachar Team
ખાડી દેશના યુદ્ધની કચ્છના ઉદ્યોગને માઠી અસર: એલપીજીની અછતથી કંડલા સેઝમાં આ પ્લાન્ટ બંધ કરાયો

ભુજઃ પશ્ચિમ એશિયામાં ઈરાન ઇઝરાયેલ અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા ભયાનક યુદ્ધની પરિસ્થિતિની સીધી અને માઠી અસર હવે કચ્છના ઔદ્યોગિક એકમો પર પડવાની શરૂઆત થઈ ચુકી છે.  ગલ્ફ દેશોમાંથી આવતા લિક્વિફાઇડ પેટ્રોલિયમ ગેસના પુરવઠામાં મોટા પાયે વિક્ષેપ સર્જાતા, કંડલા સ્પેશિયલ ઇકોનોમિક ઝોનમાં કાર્યરત અગ્રણી કંપની IFGL રિફ્રેક્ટરીઝ લિમિટેડનો મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ હંગામી ધોરણે બંધ કરવાની ફરજ પડી છે.

IFGL રિફ્રેક્ટરીઝ લિમિટેડે સત્તાવાર જાહેરાત કરતા જણાવ્યું હતું કે, ગલ્ફ સંકટને કારણે આંતરરાષ્ટ્રીય સ્તરે એલપીજીનો સપ્લાય ખોરવાયો છે. કંપનીના ઉત્પાદન પ્રક્રિયામાં ગેસ અનિવાર્ય હોવાથી, પુરવઠાના અભાવે ગાંધીધામ સ્થિત કંડલા સેઝના પ્લોટ નં. ૬૩૮-૬૪૪ પર આવેલો પ્લાન્ટ અચોક્કસ મુદત માટે બંધ કરી દેવામાં આવ્યો છે.

બીજી તરફ, ભારત સરકારે દેશમાં ગેસની તીવ્ર અછત ન સર્જાય તે માટે સાવચેતીના પગલાં ભર્યા છે. ઓઇલ માર્કેટિંગ કંપનીઓને સ્પષ્ટ આદેશ આપવામાં આવ્યો છે કે ઉપલબ્ધ એલપીજીનો જથ્થો અત્યારે માત્ર ‘ઘરેલું ગ્રાહકોને જ ફાળવવામાં આવે. આ નિર્ણયને પગલે ઔદ્યોગિક અને કમર્શિયલ ગેસના સપ્લાય પર કાપ મુકાતા કંપની પાસે કામગીરી અટકાવવા સિવાય કોઈ વિકલ્પ બચ્યો નથી. કંપનીના મેનેજમેન્ટના જણાવ્યા અનુસાર, આ સ્થિતિ સંપૂર્ણપણે તેમના નિયંત્રણ બહાર છે. રિફ્રેક્ટરી ઇન્ડસ્ટ્રી માટે આ એક મોટો આર્થિક ફટકો માનવામાં આવી રહ્યો છે. જો યુદ્ધ લાંબુ ચાલશે અને ગેસના પુરવઠામાં સુધારો નહીં થાય, તો કચ્છના અન્ય ઉદ્યોગોમાં પણ 'ડોમિનો ઇફેક્ટ' જોવા મળી શકે છે, જેના કારણે ઉત્પાદન અને રોજગારી પર માઠી અસર થવાની ભીતિ સેવાઈ રહી છે.

(ઉત્સવ વૈદ્ય)