Wed Jun 17 2026

Logo

કથા કોલાજઃ મેરી અમારા ઘરનો પુરુષ હતી... કમાઉ - ગુસ્સેલ ને કડક!

2026-06-04 09:00:00
Author: Kajal oza Vaidya
Article Image

કાજલ ઓઝા-વૈદ્ય

(ભાગ: 4)
નામ: અરુંધતિ રૉય
સમય: 2026
સ્થળ: દિલ્હી
ઉંમર:  64 વર્ષ

ભારતીય સ્ત્રીની જિંદગી મોટાભાગે ‘ગુડગર્લ’ સાબિત થવામાં પૂરી થઈ જાય છે. મેરી રૉય પાસેથી હું એક વાત શીખી હતી, જીવનમાં કંઈ પણ સાબિત કરવાનો પ્રયત્ન કરવો નહીં, કારણ કે ગમે તેટલો પ્રયત્ન કરવા છતાં પણ કંઈ સાબિત થઈ શકતું નથી... ન બુદ્ધિશક્તિ, ન આવડત કે ન પ્રામાણિકતા! સાચું પૂછો તો મારી માને ક્યારેય કોઈ પ્રૉપર્ટી પચાવી પાડવામાં રસ જ નહોતો, પરંતુ અંકલ આઇઝેકે સવારના પહોરમાં આવીને જે રીતે બૂમાબૂમ કરી, તમાશો કર્યો એનાથી મારી માનું મગજ ફરી ગયું હોવું જોઈએ. 

આ એવો સમય હતો જ્યારે અમે માંડ માંડ સેટલ થયાં હતાં... એ કૉટેજમાં માત્ર અમે નહોતાં રહેતાં, એક ઈંગ્લિશ લેડી મિસિસ પેટમોર પણ ત્યાં રહેતી હતી. એના વિભાગને મૂળ કોટેજથી લાકડાના પાર્ટિશન દ્વારા જુદો પાડવામાં આવ્યો હતો. એ પફી-બુફોંની હેરસ્ટાઇલ કરતી. ફ્રૉક પહેરતી અને સ્ટાઇલમાં રહેતી. એ ભાડું આપતી હતી કે નહીં એની મને ખબર નથી, પરંતુ લોકો વાતો કરતા હતા કે એ બાળક હતી ત્યારથી અહીં આવી હતી, પછી કદી ગઈ જ નહીં. 

આ કૉટેજ મારા ગ્રાન્ડફાધરે (નાનાએ) કોઈ એક સમયે ખરીદ્યું હશે. અહીં એમના સૂટ, ટાઈ, હેટ અને રંગીન શર્ટ્સના પટારા ભરેલા હતા. અમે એ પટારા ખોલતાં. એમાંથી કપડાં કાઢીને જાતભાતની રમતો રમતાં. એ વખતે અમને આ વસ્ત્રોની કિંમત કે મહત્ત્વ ન સમજાય એ સ્વાભાવિક હતું, પરંતુ અમે જ્યારે સમજણા થયાં ત્યારે મારા નાના વિશે અનેક અફવાઓ સાંભળી. જેમાં એમના શોખ, ઘમંડ અને હિંસક સ્વભાવની વાતો પણ હતી. કહેવાય છે કે મારી નાનીમાએ એકવાર ગુસ્સામાં મારા નાનાને પિત્તળનો વાઘ માથામાં મારી દીધેલો, કારણ કે એ એમના હિંસક અને રોમેન્ટિક સ્વભાવથી થાકી ગયાં હતાં.

આ કૉટેજ એક રીતે અમને ફળ્યું હતું, કારણ કે અમે અહીંયા આવ્યા કે તરત મારી માને બ્રિક નામની શાળામાં શિક્ષિકા તરીકે નોકરી મળી ગઈ. એનો આસામનો અનુભવ પણ એને કામ લાગ્યો. આ ઉટીની બ્રિટિશ મિશનરી શાળા હતી. જેમાં મોટાભાગે બ્રિટિશ મિશનરી શિક્ષકો હતી. એક નિયમિત પગાર આવવાનો શરૂ થયો. એનાથી અમારી આર્થિક હાલતમાં ઘણો સુધારો આવ્યો. અમે નિરાંતનો શ્વાસ લઈએ એ પહેલાં તો એમિનમ હાઉસમાં વસતા મારી માના મોટાભાઈ જી. 

આઇઝેક જ્હૉનને જાણ થઈ ગઈ કે અમે ‘એમના’ ઘરમાં રહેવા લાગ્યા છીએ. આઇઝેક જમીનદાર માનસિકતા ધરાવતા પૈતૃક સમાજનું પ્રતિનિધિત્વ કરતા એક એવા વ્યક્તિ હતા જેમને માટે પરિવારની ઇજ્જતથી વધારે મહત્ત્વનું કશું નહોતું! એમની બહેને છૂટાછેડા લઈને એમના પરિવારનું અપમાન કર્યું હતું, એટલું જ નહીં, એ બાળકો સાથે સ્વતંત્ર, એકલી રહેતી હતી. લોકોની વાતો સાંભળીને એ ઉશ્કેરાયેલા હતા. એમાં વળી, મારી માએ પૈતૃક સંપત્તિ પર સીધો દાવો કરીને એમને ચૅલેન્જ કર્યા. અંકલ આઇઝેક મગજ ગુમાવીને ગુસ્સામાં ધનધનાવતા સીધા ઉટી આવી પહોંચ્યા.

એક દિવસ સવારે અમે ઊઠ્યા (હું અને લલિત) ત્યારે સવારે બૂમાબૂમ ચાલતી હતી. આંખો ચોળતા, ડરતા અમે બહાર નીકળ્યા ત્યારે જોયું કે અંકલ આઇઝેક અને મારી મા વચ્ચે જબરજસ્ત ઝઘડો ચાલતો હતો. મિસિસ પેટમોર મલયાલમમાં ચાલી રહેલા આ ઝઘડાને અત્યંત રસ સાથે બેવકૂફની જેમ જોઈ રહી હતી. મેં લલિતનો હાથ પકડીને પૂછ્યું, શું આપણે અહીંથી પણ જવું પડશે? લલિત કંઈ ઝાઝું સમજ્યો નહોતો તેમ છતાં એણે કહ્યું, ના. મા સંભાળી લેશે.

આજે વિચારું છું તો સમજાય છે કે મારી મા અમને ખૂબ ચાહતી હતી. અમારે માટે પ્રોટેક્ટિવ હતી. અમારી ચિંતા કરતી હતી, પરંતુ સાથે જ એનો બધો ગુસ્સો અમારા પર ઊતરતો. ખાસ કરીને લલિત, જે એને માટે પેટ્રિઆર્કિ (પૈતૃક સમાજ)નું પ્રતીક હતો, એ મારી માનો સૌથી વધારે માર ખાતો. મારા ઉપર ગુસ્સે થતી ત્યારે મારી મા મારા ચાળા પાડતી. અમને માર્યા પછી એ પોતે જ રડવા લાગતી. એને અસ્થમાનો એટેક આવતો, પણ એ અમને વહાલ ન કરતી! એમાં કદાચ એની એવી માનસિકતા હશે કે એકવાર વહાલ કરશે તો અમે પછી એના આ ક્રોધ કે મારથી ડરવાનું છોડી દઈશું. મેરી અમારા ઘરનો પુરુષ હતી. કમાઉ, ગુસ્સેલ અને કડક!

તો, અંકલ આઇઝેક આવી પહોંચ્યા ત્યારે મેરીએ એમનો જબરજસ્ત મુકાબલો કર્યો. અંકલ આઇઝેક વિદ્વાન હતા. ભારતના જુજ સ્કોલરમાં એમનું નામ ગણાતું. ગ્રીક અને રોમન માયથોલૉજી ઉપર એમણે થિસિસ કરી હતી. એ ક્યારેક ગ્રીક ભાષામાં બોલતા તો ક્યારેક એમનું અંગ્રેજી આપણને સમજાય એની ઉપરનું બની જતું. મદ્રાસની કૉલેજમાં બે વર્ષ ભણાવ્યા પછી એ કેરાલા પાછા ફર્યા હતા. મારા નાનાની જમીનો અને પૈતૃક સંપત્તિની સંભાળ રાખવા એમણે નોકરી છોડી દીધી. 

હવે કેરાલામાં-કોટ્ટીયમ, અમારા ગામમાં રહીને એ અથાણાં અને ગૃહઉદ્યોગનો ધંધો કરતા હતા. ગામની સ્ત્રીઓને કામ આપવાની સાથે સાથે એમનાં બૅન્કમાં ખાતાં ખોલાવવાં, એમનાં બાળકોને ઍડ્મિશન અપાવવા વગેરે સમાજ સેવાનું કામ પણ કરતા. અંકલ આઇઝેક બીજી સ્ત્રીઓને મદદ કરવા તૈયાર હતા, કારણ કે એ સ્ત્રીઓ ઝૂકીને, એમનું આધિપત્ય સ્વીકારીને મદદ માગવા તૈયાર હતી. જ્યારે સગી બહેન એમને ગમતી નહોતી કારણ કે એ સ્વતંત્ર મિજાજની હતી અને પરિવારના પુરુષનું આધિપત્ય સ્વીકારવા તૈયાર નહોતી.

અંકલ આઇઝેક સાથે પૂરેપૂરો ઝઘડો કર્યા પછી અમે એ કૉટેજમાંથી નહીં જઈએ એવું પ્રસ્થાપિત થઈ ગયું. આઇઝેક જેટલા ગુસ્સામાં આવ્યા હતા એટલા જ ગુસ્સામાં મારી મા પર બરાડા પાડતા પાછા ચાલી ગયા. મારો ભાઈ અને હું આ આખોય તમાશો જોતા રહ્યા!

થોડા વખતમાં મારા ભાઈને સ્કૂલમાં દાખલ કરવામાં આવ્યો. એ ગોરાઓની સ્કૂલ હતી. ત્યાં મારા ભાઈ સાથે રંગભેદ કરવામાં આવતો. મિસ મિટન નામની એક શિક્ષક મારા ભાઈને કારણ વગર મારતી. નર્સરીમાં ભણતો છોકરો તોફાન ન કરે તો કોણ કરે? આવો સાદો સવાલ ત્યાંની ક્રિશ્ર્ચિયન નનને સમજાતો નહીં હોય એટલે મારો ભાઈ રોજ રડતો અને ડરેલો ઘરે આવતો... મારી માએ એને સ્કૂલમાંથી ઉઠાડી લીધો... હવે અમે બંને પાછા ઘરે જ હતા. ઉટીના રસ્તાઓ ઉપર રખડતા અને આંગણામાં બૉલ રમતા અમારા દિવસો વીતવા લાગ્યા.

ફરી વરસાદની સિઝન આવી અને મારી માનો અસ્થમા ખૂબ ખરાબ રીતે હુમલો કરવા લાગ્યો. છ વર્ષનો છોકરો અને ચાર વર્ષની છોકરી, શાકભાજી, ગ્રોસરી, બ્રેડ લેવા જવા લાગ્યા. ઉટી નાનકડું શહેર હતું એટલે પોલીસવાળા, દુકાનદારો સહિત બધા અમને ઓળખતા. સૌ અમારી દયા ખાતા, પણ એમાંય કુરુસમ્માલ નામની એક સ્ત્રી જે ઉનના સ્વેટર ગૂંંથવાની દુકાનમાં નોકરી કરતી હતી એને અમારા પર બહુ વ્હાલ આવતું...

એક દિવસ એ અમારી સાથે અમારા ઘરે આવી... એણે જોયું કે મારી મા પથારીમાંથી ઊઠી શકતી નથી. ઘરની હાલત ભયાનક હતી. ચારે તરફ વાસણો, કપડાં વિખરાયેલા હતાં. ભોજનનાં ઠેકાણાં નહોતાં. બિલાડી ઘરમાં આંટા મારતી હતી. એણે આ બધું જોઈને અમારી સાથે રહેવા આવવાનું નક્કી કરી લીધું. કોણ જાણે એના મનમાં શું હશે, પરંતુ અમારી પાસે એવા પૈસા નહીં હોય એ તો એને જોઈને જ સમજાઈ ગયું હશે. તેમ છતાં એણે અમારી કાળજી લેવાનું નક્કી કર્યું, એ એનો ઉપકાર હતો! હવે ઘર એકદમ ચોખ્ખું અને ચકાચક રહેતું. અમને ગરમ ભોજન મળવા લાગ્યું. 

મારી મા દિવસમાં બે વાર નાસ લેતી. કોરાં કપડાંનો શેક કરતી. એ પણ સાજી થવા લાગી... લલિતને અને મને પહેલી વાર ખબર પડી કે ભેટવું, વહાલ મેળવવું એ કેટલી અદ્ભુત ચીજ છે. અમારા માથામાંથી જુ કાઢીને હવે એ અમને ચોખ્ખા નવડાવતી. સમય સમયાંતરે તડકામાં બેસાડીને અમારા શરીર પર માલિશ કરતી. અમે બંને જણા-ભાઈ બહેન હવે ચોખ્ખાં અને સુંદર દેખાવા લાગ્યાં. અમારી ઊંઘ પૂરી થતી, સમયસર ભોજન મળતું અને મેરી પણ અમારી ચિંતા કર્યા વગર નિરાંતે પોતાની નોકરીમાં પાછી જોડાઈ ગઈ. 

કુરુસમ્માલનો અર્થ થાય છે ‘મધર ઑફ ક્રૉસ. કુરુસમ્માલનો પતિ યેસુરથમ અવારનવાર અમારે ત્યાં આવતો. એ કુન્નુરમાં ચાના બગીચામાં કામ કરતો હતો. કુરુસમ્માલ ત્યાં રહી શકે એમ નહોતી, કારણ કે એ ત્રણ મજૂરોની સાથે રૂમ શૅર કરતો હતો. બંને જણા જુદા રહેતા હતા, પરંતુ કુરુસમ્માલ પાસે હવે પરિવાર હતો. અમે એનાં સંતાનોથી વિશેષ હતાં... યેસુરથમ પણ જ્યારે આવે ત્યારે અમારે માટે ચૉકલેટ કે રમકડાં લઈ આવતો.

અંકલ આઇઝેકના ધમકીભર્યા પત્રો ચાલુ જ હતા. એક દિવસ કુરુસમ્માલે મારી માને સમજાવી... શું સમજાવ્યું એ તો હું સમજી નહોતી, પણ મેં મેરીને પહેલીવાર રડતી જોઈ. બીજે દિવસે સવારે એણે પોતાનું અભિમાન છોડીને કેરાલા જવાનો નિર્ણય કર્યો. મારી નાનીના ઘેર પાછા જવાનો આ નિર્ણય કેટલો સાચો અને કેટલો ખોટો હતો એનો નિર્ણય હું આજ સુધી કરી શકી નથી.
(સાભાર: મધર મેરી કમ્સ ટુ મી: અરુંધતિ રૉય)   
(ક્રમશ:)