Thu Jun 11 2026

Logo

કાજલ મહેરિયાના નામે કોર્ટમાં કોણે ડિવોર્સ માટે કરી દીધી અરજી? જાણીને ચોંકી જશો

2026-06-11 09:21:00
Author: Mayur Patel
Article Image

Images: thekajalmaheriya instagram


અમદાવાદઃ જાણીતી સિંગર કાજલ મહેરિયા ફરી એક વખત વિવાદમાં આવી છે. બેવફા સોંગ ક્વીન કાજલ મહેરિયાએ અલ્પેશ ઠાકોર સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. તેના ભાઈએ કરેલી સોશિયલ મીડિયા પોસ્ટ બાદ મુદ્દો ચર્ચાનો વિષય બન્યો હતો. આ દરમિયાન મહેસાણાની ફેમિલી કોર્ટમાં કાજલ મહેરિયાના નામે કોઈ અજાણ્યા વ્યક્તિએ છૂટાછેડાની અરજી થઈ હતી.

કાજલ મહેરિયા અને તેના પતિ અલ્પેશ ઠાકોરને જ્યારે નોટિસ મળી ત્યારે નકલી છૂટાછેડાનો પર્દાફાશ થયો હતો. મહેસાણા ફેમિલી કોર્ટમાં થયેલી અરજીમાં લખવામાં આવ્યું છે કે, 1 મે 2024ના રોજ મહેસાણામાં હિન્દુ વિધિ પ્રમાણે અમારા લગ્ન થયા હતા.  અમારી વચ્ચે મનમેળ નથી, ભવિષ્યમાં લગ્નજીવન સુખેથી જાય એમ લાગતું નથી. અમારા બંનેના સગા સંબંધીઓ લગ્નજીવન ટકાવી રાખવા તમામ પ્રકારના પ્રયાસો કર્યા પણ નિષ્ફળ ગયા છે. આ ઉપરાંત કાજલ મહેરિયા 12 મહિના કરતાં વધુ સમયથી પોતાના પિયરમાં રહેતી હોવાનું પણ અરજીમાં જણાવાયું છે.

ગાયિકા કાજલ મહેરિયા વતી મહેસાણા ફેમિલી કોર્ટમાં થયેલી છૂટાછેડાની અરજી કોણે કરી છે, તે અંગે ખુદ કાજલના સત્તાવાર વકીલ પણ અજાણ હોવાનો દાવો કોર્ટ સમક્ષ કરાયો હતો.કોર્ટ રેકોર્ડ પર અમદાવાદના વકીલ જે.સી. મોદીનું નામ હતું. તેમણે દાવો કર્યો કે તેઓ કાજલને ઓળખતા નથી, અરજી પર તેમની સહી નથી, પરંતુ કાગળ પરનો સનદ નંબર તેમનો જ છે. તેમણે આ કામ મહેસાણાના વકીલ રાજેશ સોની સંભાળતા હોવાનું જણાવ્યું હતું. જો કે, કોર્ટમાં હાજર થયેલા રાજેશ સોનીએ પણ સ્પષ્ટ કર્યું કે તેઓ કાજલને ઓળખતા નથી અને આ અરજીમાં તેમનો કોઈ રોલ નથી.
 

કાજલના વકીલે આ શંકાસ્પદ મામલે કોર્ટ રજિસ્ટ્રાર સમક્ષ થયેલી પ્રક્રિયાની તપાસ કરવા માંગ કરી હતી, જે કોર્ટે ગ્રાહ્ય રાખી નથી. આ દરમિયાન મહેસાણા કોર્ટના રજિસ્ટ્રાર પણ બે દિવસથી રજા પર ઉતરી જતાં સમગ્ર મામલો વધુ રહસ્યમય બન્યો હતો.

પ્રેમ લગ્નના વિવાદ અંગે કાજલ મહેરિયાએ વીડિયો પોસ્ટ કરીને કહી હતી આ વાત

એપ્રિલ, 2026માં પ્રેમ લગ્નના વિવાદ અંગે કાજલ મહેરિયાએ વીડિયો પોસ્ટ કર્યો હતો. કાજલ મહેરિયાએ વીડિયો જાહેર કરીને કહ્યું, જય હિંદ. જય ભીમ, જય વિહત મા. હુ લોકગાયિકા કાજલ મહેરિયા ઘણા સમયથી મારા પારિવારિક કારણોસર ચર્ચાનો મુદ્દો છું. મારા ઘરની વાત ઘરમાં જ રહે તે માટે તમારી સમક્ષ ક્યારેય રજૂઆત નહોતી કરી. પરંતુ આજે હદનો છેડો પાર થઈ ગયો હોય તેવું મને લાગે છે. આજે વીડિયોના માધ્યમથી જણાવું છું કે, ગત તા. 10-10-2025ના રોજ મારી મરજીથી ભારતીય સંવિધાન પ્રમાણે પુખ્ત વયે અલ્પેશ જોડો લગ્ન કર્યા હતા. ના કોઈ ધાકધમકી કે ના કોઈ દબાણથી કર્યા છે. અલ્પેશ અને મારું રિલેશન છેલ્લા દોઢ વર્ષથી હતું. આ વાતની જાણ મેં મારા પરિવારને કરેલી, પરંતુ તેમનો રાજીપો ન હોવાથી મેં મારું ભવિષ્ય, મારી જિંદગીનો મહત્ત્વપૂર્ણ નિર્ણય મારી જાતે લીધો છે. આ બાબતે મારો પહેલો ગણો કે છેલ્લો ગણો જવાબ આ જ રહેશે. અમે બંને રાજીખુશીથી રહીએ છીએ. હું આ મામલે કોઈ સમાજને, વડીલોને ગેરમાર્ગે દોરવા નથી માંગતી. 

હું સનાતની છું અને સનાતની જ રહીશઃ કાજલ મહેરિયા

આ ઉપરાંત વીડિયોમાં કાજલ મહેરિયાએ કહ્યું, હું સનાતન ધર્મમાં માનું છું અને સનાતન ધર્મ પ્રેમી જનતા પાસે સાથ અને સહકાર માંગુ છું. અને એક ખાસ વાત હું ધર્મ પરિવર્તન કરવા નહોતી માંગતી એટલે અત્યાર સુધી હું ચૂપ હતી. આ નિર્ણય પર અડગ રહીશ તેનું કારણ હું સનાતની છું. મારા પરિવાર દ્વારા મારી અને અલ્પેશ પર જે આક્ષેપો નાંખવામાં આવ્યા છે, અલગ અલગ ધમકીઓ, મારી નાખવાની તેમજ મારા સાસરી શેરથામાં જઈને જે કંઈ કર્યું તે માટે વીડિયો દ્વારા જણાવું છું. આ પછી મારે આવી કોઈ ફાલતું વાતોનો જવાબ આપવો પડે તે હું જરૂરી નથી માનતી. આજ સુધી મેં મારા પરિવારનું અને લોકોનું જ વિચાર્યું છે પણ હવે હું મારું વિચારીશ. આ ઉપરાંત કોઈપણ ખરાબ કોમેન્ટ કે હેરાનગતિ પહોંચાડશે તો ભારતીય ન્યાયતંત્રની મદદથી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

કોણ છે કાજલ મહેરિયા

કાજલ મહેરિયા ગુજરાતની  લોકપ્રિય ગાયિકા છે. ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં તેમનો એક વિશાળ ચાહક વર્ગ છે, જે તેમની ગાયકીને ખૂબ જ પસંદ કરે છે. વિસનગરના ગોઠવા ગામની વતની કાજલ મહેરિયાનો જન્મ વિસનગર તાલુકાના ગોઠવા ગામમાં 21 નવેમ્બર 1992ના જન્મ થયો હતો. તેમના પિતાનું નામ નગીનભાઈ મહેરિયા છે. સંગીત ક્ષેત્રે તેમણે ખૂબ જ ટૂંકા ગાળામાં પોતાની આગવી ઓળખ ઊભી કરી છે અને ગુજરાતી સંગીત જગતમાં ટોચનું સ્થાન પ્રાપ્ત કર્યું છે. કાજલ મહેરિયા તેમના સુરીલા અવાજ અને વિવિધ પ્રકારના ગીતો માટે જાણીતા છે. નવરાત્રી અને સાંસ્કૃતિક કાર્યક્રમોમાં તેમના ગરબાની ભારે ધૂમ જોવા મળે છે. આ ઉપરાત સેડ સોંગ અને દર્દભર્યા ગીતો માટે પણ જાણીતી છે, જેથી તેને બેવફા સોંગ ક્વીન પણ કેટલાક લોકો કહે છે. તેમના ગીતો સોશિયલ મીડિયા અને યુટ્યુબ પર રિલીઝ થતાની સાથે જ વાયરલ થઈ જાય છે અને મિલિયનોમાં વ્યૂઝ મેળવે છે.