મુંબઈ: નાગરિકોને શું કહેવું જોઈએ કે શું ન કહેવું જોઈએ તે અંગે ઉપદેશ આપવાનું કે શીખવવાનું અદાલતનું કામ નથી એમ સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયમૂર્તિ અભય ઓકાએ બંધારણીય અદાલતોને ફક્ત અસંમતિને શાંત કરવા માટે શરૂ કરાયેલા ફોજદારી કેસોને રદ કરવા વિનંતી કરતા અવલોકન કર્યું.
શનિવારે મુંબઈમાં પ્રથમ એડવોકેટ હારૂન સોલકર મેમોરિયલ લેક્ચર સિરીઝમાં બોલતા જસ્ટિસ ઓકાએ જણાવ્યું હતું કે અદાલતોએ નાગરિકોના મૂળભૂત અધિકારોનું રક્ષણ કરવા માટે પ્રયત્નશીલ રહેવું જોઈએ. ન્યાયમૂર્તિઓ અરજદારો દ્વારા વ્યક્ત કરાયેલા મંતવ્યો સાથે સંમત હોય કે ન હોય એને ધ્યાનમાં ન લેવું જોઈએ. દરેક વ્યક્તિને શાંતિપૂર્ણ રીતે વિરોધ કરવાનો અધિકાર છે અને બંધારણ દ્વારા એ માન્ય છે.
Justice Abhay Shreeniwas Oka
આઇરિશ લેખક સર થોમસ મૂરને ટાંકીને, ન્યાયાધીશ ઓકએ કહ્યું કે પ્રવર્તમાન શાસકોને ગમે એવું જ નાગરિકો રજૂ કરે એવી અપેક્ષા ન રાખવાની હોય. જો લોકશાહી ટકી રહેવી હોય, તો આપણે ભારતના બંધારણના અનુચ્છેદ 19(1)(a) અને 21 (મૂળભૂત અધિકારો સાથે વ્યવહાર) હેઠળ બાંયધરી આપવામાં આવેલી આપણી સ્વતંત્રતાઓનું રક્ષણ કરવું જોઈએ, ભલે આપણે આ મૂળભૂત અધિકારોનું રક્ષણ કરવા માટે મોટી કિંમત ચૂકવવી પડે.
નાગરિકોને અભિવ્યક્તિની સ્વતંત્રતાના મૂળભૂત અધિકારના ઉલ્લંઘન અંગે દાખલ કરાયેલા ફોજદારી કેસોને રદ કરવા માટે અદાલતોમાં જવાની ફરજ પડે છે. જ્યારે આવા કેસ સુનાવણી માટે આવે છે, ત્યારે તેમને રદ કરવાની કોર્ટની ફરજ છે એ વાત પર જસ્ટિસ ઓકાએ ભાર મૂક્યો હતો. ન્યાયમૂર્તિ ઓકા ઓગસ્ટ 2021થી મે 2025 સુધી સુપ્રીમ કોર્ટમાં કાર્યરત હતા.