Sun Sep 27 2026

Logo

જૂનાગઢમાં  એસસી-એસટી વિદ્યાર્થીઓની સ્કોલરશિપના 11 લાખ રૂપિયા ઓળવી જનાર સંચાલક સામે ફરિયાદ

2026-08-06 17:53:54
Author: Devayat Khatana
જૂનાગઢમાં  એસસી-એસટી વિદ્યાર્થીઓની સ્કોલરશિપના 11 લાખ રૂપિયા ઓળવી જનાર સંચાલક સામે ફરિયાદ

(અમારા પ્રતિનિધિ તરફથી)

અમદાવાદ:
આર્થિક કારણોસર પછાત સમુદાયના વિદ્યાર્થીઓનું શિક્ષણ ન અટકે તે માટે સરકાર દ્વારા શિષ્યવૃતિ આપવામાં આવતી હોય છે, પણ અમુક તત્વો આ સહાયનો પણ દુરુપયોગ કરીને કૌભાંડ આચરતા હોય છે. જૂનાગઢમાં 'ગુજરાત એજ્યુકેશન' નામની સંસ્થાના ઓઠા હેઠળ ચાલતા મોટા અનુસૂચિત જાતિ-અનુસૂચિત જનજાતિ (એસસી-એસટી) સ્કોલરશીપ કૌભાંડનો પર્દાફાશ થયો હતો. પેરોલ ફર્લો સ્ક્વોડે આ મામલે બી ડિવિઝન પોલીસ મથકમાં દર્શન મેસવાણીયા (રહે. ઝાંઝરડા ચોકડી નજીક, જુનાગઢ) અને અન્ય સંડોવાયેલા શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે ભારતીય ન્યાય સંહિતા અને આઈટી એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.  

પોલીસ ફરિયાદ અનુસાર, આરોપી દર્શન મેસવાણીયા અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને એક્સટર્નલ કોર્સમાં 100 ટકા સ્કોલરશીપથી એડમિશન અપાવવાની અને પરીક્ષામાં પાસ કરાવવાની ગેરંટી આપતો હતો. તે વિદ્યાર્થીઓ પાસેથી અસલ ડોક્યુમેન્ટ અને ફિંગરપ્રિન્ટ મેળવીને તેમની જાણ બહાર ફિનો પેમેન્ટ બેંકમાં ખાતા ખોલાવતો હતો. સ્કોલરશીપની રકમ સીધી આ ખાતાઓમાં જમા થતી, પરંતુ પાસબુક, એટીએમ અને વિદ્યાર્થીઓના નામે લીધેલા સીમકાર્ડ આરોપી પોતાની પાસે જ રાખતો હતો.  

અત્યાર સુધીની તપાસમાં 40 જેટલા વિદ્યાર્થીઓના ખાતામાં સરકાર તરફથી કુલ રૂ. 24,44,790 ની સ્કોલરશીપ જમા થઈ હોવાનું ખુલ્યું હતું, જેમાંથી આરોપીએ રૂ. 11,03,500 ઉપાડી લઈને ઉચાપત કરી હતી. કેટલાક કિસ્સાઓમાં તો વિદ્યાર્થીએ પરીક્ષા ન આપી હોય કે ક્લાસમાં હાજરી ન આપી હોય તો પણ ખોટા પુરાવા ઊભા કરીને સ્કોલરશીપ મેળવી લેવામાં આવતી હતી. ઉપરાંત, કેટલાક વિદ્યાર્થીઓ પાસેથી એડમિશન માટે રોકડા કે ગૂગલપે દ્વારા રૂપિયા પડાવીને તેમને એડમિશન ન અપાવી છેતરપિંડી પણ આચરવામાં આવી હોવાનું જાણવા મળ્યું હતું.