Thu Jun 18 2026

Logo

જૂનાગઢના ધારાસભ્ય સાથે 7 લાખની છેતરપિંડી થતા પોલીસ દોડતી થઈ, જાણો શું છે સમગ્ર મામલો

2026-02-26 20:58:51
Author: Vimal Prajapati
Article Image

(અમારા પ્રતિનિધિ તરફથી)

જૂનાગઢઃ જૂનાગઢના ધારાસભ્ય સંજય કોરડીયા સાથે 7 લાખની છેતરપિંડી થઈ હોવાનું પ્રકાશમાં આવ્યું છે. આ સમગ્ર મામલે ફરિયાદ નોંધાતા  જૂનાગઢના 'બી' ડિવિઝન પોલીસ દોડતી થઈ છે. સૂત્રોના જણાવ્યાં પ્રમાણે ધારાસભ્ય સંજય કોરડીયાએ પોતાના પરિવાર સાથે વિદેશ પ્રવાસનું આયોજન કર્યું હતું. આ દરમિયાન બુકિંગમાં છેતરપિંડી થઈ હોવાનું જાણવા મળ્યું છે. વિદેશ પ્રવાસ રદ્દ થયો હોવા છતાં પણ ટ્રાવેલ કંપની દ્વારા રૂપિયા પરત આપવામાં આવ્યા નથી. જેથી ધારસભ્ય સંજય કોરડીયાના પીએ દ્વારા 7.15 લાખની છેતરપિંડી મામલે ફરિયાદ નોંધાવી છે.

7,15,800 ની છેતરપિંડી અંગે ફરિયાદ દાખલ થઈ

ફરિયાદ પ્રમાણે વાત કરવામાં આવે તો, ધારાસભ્ય સંજ્ય કોરડીયાએ પોતાના પરિવાર સાથે જૂન 2025માં વિદેશ ફરવા જવાનો પ્લાન બનાવ્યો હતો. આ પ્રવાસ માટે અમદાવાદની એક જાણીતી ટ્રાવેલ કંપની દ્વારા બુકિંગ કરાવ્યું હતું. જેના માટે સંજ્ય કોરડીયાએ 7,15,800 ની રકમ એડવાન્સમાં જ ચૂકવી દીધી હતી. આ રૂપિયા હોટલ સ્ટે અને ફ્લાઈટ ટિકિટ અંતર્ગત એડવાન્સ આપવામાં આવ્યાં હતાં. વિદેશ જવા માટે ધારાસભ્યનો પરિવાર એરપોર્ટ પર પહોંચી ગયો હતો, પરંતુ ત્યા યુદ્ધની સ્થિતિના કારણે ફ્લાઈટ રદ્દ કરી દેવામાં આવી હતી.

પ્રવાસ રદ્દ થયો છતાં ટ્રાવેલ કંપની રૂપિયા પાછા ના આપ્યા

સ્વાભાવિક છે કે, પ્રવાસ રદ્દ થયો હોવાના કારણે એડવાન્સમાં આપેલા રૂપિયાના માંગણી કરવમાં આવી હતીં, પરંતુ ટ્રાવેલ કંપની દ્વારા રૂપિયા પાછા આપવામાં આવ્યાં નથી. જેથી  જૂનાગઢના 'બી' ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ હતી. ધારાસભ્ય સાથે છેતરપિંડી થઈ હોવાના કારણે જૂનાગઢ પોલીસ દોડતી થઈ ગઈ હતી. આ કેસમાં જૂનાગઢ પોલીસે ટ્રાવેલ કંપનીના ભાગીદારો અને કર્મચારીઓ વિરુદ્ધ છેતરપિંડી અને વિશ્વાસઘાતનો ગુનો દાખલ કર્યો હતો.