Sat Sep 05 2026

Logo

જીવન બચાવવાની આશા આકાશમાં જ વિખેરાઈ-7 જિંદગીઓ હોમાઈ ગઈઃ ઝારખંડ પ્લેન ક્રેશની વિગતો

2026-02-24 08:35:00
Author: Devayat Khatana
જીવન બચાવવાની આશા આકાશમાં જ વિખેરાઈ-7 જિંદગીઓ હોમાઈ ગઈઃ ઝારખંડ પ્લેન ક્રેશની વિગતો

રાંચી: ઝારખંડના ચતરા જિલ્લામાં ગત રાતે વિમાન દુર્ઘટના સર્જાઈ હતી. રાંચીના બિરસા મુંડા એરપોર્ટથી દિલ્હી જઈ રહેલું 'રેડ બર્ડ એવિએશન' કંપનીનું એક એર એમ્બ્યુલન્સ ખરાબ હવામાનને કારણે સિમરિયાના ગાઢ જંગલોમાં ક્રેશ થયું હતું. આ ભીષણ અકસ્માતમાં વિમાનમાં સવાર ગંભીર રીતે દાઝેલા દર્દી, તેમના પત્ની, ડોક્ટર અને બે પાઇલટ સહિત તમામ 7 લોકોના મોત નીપજ્યા છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે સાંજે આશરે 7:30 વાગ્યે વરસાદ વચ્ચે એર ટ્રાફિક કંટ્રોલ (ATC) સાથે સંપર્ક તૂટી જતાં વિમાન અનિયંત્રિત થઈને જંગલમાં ખાબક્યું હતું.

મળતી વિગતો અનુસાર, આ દુર્ઘટનામાં જીવ ગુમાવનારાઓમાં પાઇલટ વિવેક વિકાસ ભગત અને સબરાજદીપ સિંહ, દર્દી સંજય કુમાર, તેમના પત્ની અર્ચના દેવી, સંબંધી ધૂરુ કુમાર તેમજ ડોક્ટર વિકાસ કુમાર ગુપ્તા અને નર્સ સચિન કુમાર મિશ્રાનો સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છે કે, લાતેહારના રહેવાસી 41 વર્ષીય સંજય કુમાર 55% જેટલા દાઝી ગયા હોવાથી તેમને વધુ સારા ઇલાજ માટે એર લિફ્ટ કરીને દિલ્હી લઈ જવામાં આવી રહ્યા હતા. જે દર્દીને બચાવવા માટે પરિવાર આશા સાથે નીકળ્યો હતો, તે જ મુસાફરી તેમના માટે અંતિમ સાબિત થઈ હતી.
 

ઘટનાની જાણ થતા જ ચતરાના ડીસી  અને એસપી પોલીસ કાફલા અને પેરા મિલિટરી ફોર્સ સાથે ઘટનાસ્થળે પહોંચ્યા હતા. સ્થાનિક ગ્રામજનોની મદદથી બચાવ કામગીરી હાથ ધરી વિમાનના કાટમાળમાંથી એક મહિલા અને છ પુરુષોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા. હાલ સુરક્ષાના કારણોસર સમગ્ર ક્રેશ સાઇટને સીલ કરી દેવામાં આવી છે અને તમામ મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ચતરાની સદર હોસ્પિટલ ખાતે મોકલી આપવામાં આવ્યા છે.

તંત્ર દ્વારા આ અકસ્માત પાછળનું મુખ્ય કારણ ભીષણ તોફાન અને ખરાબ વિઝિબિલિટી ગણાવવામાં આવી રહ્યું છે. જોકે, અકસ્માતની સચોટ તપાસ માટે સિવિલ એવિએશન મિનિસ્ટ્રીની ટીમ ટૂંક સમયમાં ઘટનાસ્થળે પહોંચશે. આ ટીમ વિમાનનું 'બ્લેક બોક્સ' શોધીને ટેકનિકલ ખામી કે અન્ય કારણો અંગે વિસ્તૃત તપાસ કરશે. આ દુર્ઘટનાને પગલે મૃતકોના પરિવારોમાં ભારે આક્રંદ અને શોકનું મોજું ફરી વળ્યું છે.