Tue Oct 06 2026

Logo

જયેશ રાદડિયાએ ભાજપનું નાક વાઢ્યું, રૈયાણી-ઘોઘુભાને હરાવી પોતાના ઉમેદવારોને વટભેર જીતાડ્યા

2026-09-09 12:14:00
Author: Mayur Patel
જયેશ રાદડિયાએ ભાજપનું નાક વાઢ્યું, રૈયાણી-ઘોઘુભાને હરાવી પોતાના ઉમેદવારોને વટભેર જીતાડ્યા

રાજકોટઃ રાજકોટ લોધિકા સંઘની ચૂંટણીના આજે પરિણામ જાહેર થયા હતા. કુલ 15 બેઠક પૈકી 10 બેઠક બિનહરીફ થતા બાકીની 5 બેઠક પર ગઈકાલે ચૂંટણી યોજાઈ હતી. જેમાં ચાર બેઠક જયેશ રાદડિયા જૂથનો વિજય થયો હતો. રાજકોટ લોધિકા સંઘની ચૂંટણીમાં બે મોટા આગેવાનો હાર્યા હતા. કુવાડવા બેઠક પર અરવિંદ રૈયાણી  અને માધાપર બેઠક પર ઘોઘુભા જાડેજાની હાર થઈ હતી. બંને આગેવાનોને પોતાનો એક એક મત મળ્યો હતો. રૈયાણી-ઘોઘુભાને હરાવીને જયેશ રાદડિયાએ પોતાના ઉમેદવારોને વટભેર જીતાડીને ભાજપનું નાક વાઢ્યું હતું.

કઈ બેઠક પર કોણ જીત્યું

કુવાડવથી નીતિન ચોવટીયા, માધાપરથી વિજય સખિયા, ખોખડદડથી બાબુ નસિત, ત્રંબાથી નીતિન રૈયાણા અને હલેન્ડાથી મહેશ આસોદરિયાની જીત થઈ હતી. જેમાંથી ચાર ઉમેદવારો જયેશ રાદડિયા જૂથના હતા, જ્યારે ખોખડદડ બેઠક પરથી જીતનારા બાબુ નસિત રાદડિયા જૂથના વિરોધી હતા. વ્હીપનો અનાદર થતા બળવાખોર ઉમેદવાર વિજય સખિયા, નીતિન ચોવટીયાની જીત થઈ હતી. આ બન્ને ઉમેદવારોની તરફેણમાં તમામ મતદારોએ મતદાન કર્યું હોવાથી પાર્ટીએ મેન્ડેટ આપનાર ઉમેદવાર અરવિંદ રૈયાણી અને પૃથ્વીસિંહ ઉર્ફે ઘોઘુભા જાડેજાની હાર થઈ હતી. ભાજપ સામે ભાજપના જ ઉમેદવાર ચૂંટણી લડતા હોવાથી વ્હીપ આપવામાં આવ્યો હોવા છતાં તેનો અનાદર થતાં તેની અસર ચૂંટણી પરિણામ પર જોવા મળી હતી.

આ બેઠકો થઈ હતી બિનહરીફ

સણોસરથી અશ્વિન લીંબાલીયા, તરઘડીયાથી લક્ષ્મણ પરસાણા, બેટલાંથી પરસોત્તમ પડાયા, રફાળાથી કરશન ડાંગર, સરધારથી નીતિન ઢાંકેચા, લોધિકાથી સંજય અમરેલીયા, ચીભડાંથી મનસુખ સરધારા, ખીરસરાથી નરેન્દ્રસિંહ જાડેજા, માખાવડથી  છગન પટોરિયા અને પાયડીથી રઘુવીરસિંહજી જાડેજા બિનહરીફ જાહેર થયા હતા.

ભાજપનું નાક વાઢનારા જયેશ રાદડિયા કોણ છે

ભાજપનું નાક વાઢનારા જયેશ રાદડિયા  ભારતીય જનતા પાર્ટીના જેતપુર વિધાનસભા બેઠક પરના ધારાસભ્ય છે. જયેશ રાદડિયાની સૌથી મોટી ઓળખ તેમના પિતા એટલે કે વિઠ્ઠલભાઈ રાદડિયા છે. વિઠ્ઠલભાઈ રાદડિયા સૌરાષ્ટ્રમાં છોટે સરદાર તરીકે જાણીતા હતા.  20મી ડિસેમ્બર, 1981માં જામકંડોરણામાં જન્મેલા જયેશ રાદડિયાએ સિવિલમાં એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો છે. જ્યારે 2007માં ગુજરાત વિધાનસભાની ચૂંટણી આવી ત્યારે તેમના પિતા વિઠ્ઠલભાઈ કૉંગ્રેસમાં હતા. તેમણે જયેશ રાદડિયાને રાજકોટ પૂર્વમાંથી કૉંગ્રેસની ટિકિટ અપાવડાવી. જોકે જયેશ રાદડિયાની ગોવિંદભાઈ પટેલ સામે હાર થઈ હતી. 24 વર્ષની તેમની રાજકીય કારકિર્દીમાં માત્ર આ જ ચૂંટણી હતી જે તેઓ હાર્યા હતા. 2009માં તેમણે બેઠક બદલી અને ધોરાજીથી કૉંગ્રેસના ધારાસભ્ય બન્યા. 2012માં તેઓ જેતપુરથી ફરી ધારાસભ્ય બન્યા. તેમણે ભાજપનાં દિગ્ગજ નેતા જશુબહેન કોરાટને હરાવ્યાં હતાં. ત્યાર બાદ તેઓ કૉંગ્રેસમાંથી રાજીનામું આપી ભાજપમાં આવી ગયા અને 2013માં જેતપુરમાં થયેલી પેટાચૂંટણીમાં તેઓ ભાજપના ધારાસભ્ય બન્યા. એટલું જ નહીં તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની ગુજરાત સરકારમાં રાજ્ય કક્ષાના ઉડ્ડયન મંત્રી પણ બન્યા હતા. 2014માં આનંદીબહેન પટેલની સરકારમાં પણ તેમનું મંત્રીપદ ચાલુ રહ્યું હતું.
 
2016માં વિજય રૂપાણી સરકારમાં તેમને પ્રમોશન મળ્યું અને તેઓ કૅબિનેટ મંત્રી બન્યા. તેમને નાગરિક પુરવઠા વિભાગ સોંપવામાં આવ્યો હતો. 

2017માં પાટીદાર આંદોલન વચ્ચે પણ તેઓ ધારાસભ્યપદે ચૂંટાઈ આવ્યા હતા. 2022ની વિધાનસભા ચૂંટણીમાં પણ તેમનો ભવ્ય વિજય થયો હતો. 

 તેઓ ભૂતકાળમાં ગુજરાત સરકારમાં અન્ન અને નાગરિક પુરવઠા, ગ્રાહક બાબતો, કુટીર ઉદ્યોગ, તેમજ પ્રિન્ટિંગ અને સ્ટેશનરી વિભાગના કેબિનેટ મંત્રી રહી ચૂક્યા છે. તેઓ રાજકોટ જિલ્લા સહકારી બેંકના ચેરમેન તરીકે પણ જવાબદારી સંભાળે છે. સહકારી ક્ષેત્રમાં તેમનું મજબૂત વર્ચસ્વ માનવામાં આવે છે.

રાજકોટ લોધિકા સંઘની ચૂંટણી હારનારા ઘોઘુભા કોણ છે
 
પૃથ્વીસિંહ જાડેજા ઉર્ફે ઘોઘુભા જાડેજા રાજકોટ જિલ્લાના એક જાણીતા સહકારી અને રાજકીય આગેવાન છે. તેઓ તાજેતરમાં યોજાયેલી એશિયાના પ્રતિષ્ઠિત સહકારી સંઘોમાંના એક એવા રાજકોટ-લોધિકા ખરીદ વેચાણ સંઘની ચૂંટણીને કારણે ચર્ચામાં આવ્યા છે. આ ચૂંટણીમાં તેઓ માધાપર બેઠક પરથી ઉમેદવાર તરીકે ચૂંટણી મેદાનમાં ઉતર્યા હતા, જોકે સહકારી આગેવાન વિજય સખિયા સામે તેમની હાર થઈ હતી.  સહકારી ક્ષેત્રના રાજકારણમાં તેઓ પૃથ્વીસિંહ જાડેજા તરીકે સત્તાવાર નામ ધરાવે છે, પરંતુ સ્થાનિક સ્તરે તેઓ ઘોઘુભા તરીકે વધુ લોકપ્રિય છે.

કુવાડવા બેઠક પરથી હારનારા ભાજપના ધુરંધર અરવિંદ રૈયાણી  કોણ છે 

અરવિંદ રૈયાણી રાજકોટ ભાજપના પાટીદાર અગ્રણી નેતા અને ગુજરાતના ભૂતપૂર્વ રાજ્યમંત્રી છે. તેઓ 2017 થી 2022 દરમિયાન રાજકોટ પૂર્વ બેઠક પરથી ગુજરાત વિધાનસભાના ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. 2021માં અરવિંદ રૈયાણી વાહનવ્યવહાર, નાગરિક ઉડ્ડયન, પ્રવાસન અને યાત્રાધામ વિકાસ વિભાગના રાજ્યમંત્રી રહ્યા હતા. તેઓ રાજકોટ મહાનગરપાલિકામાં કોર્પોરેટર, શાસકપક્ષના નેતા અને વિવિધ સમિતિના ચેરમેન તરીકે પણ સેવા આપી ચુક્યા છે.