Thu Jul 23 2026

Logo

પહેલા પાર્થને સાંસદ બનાવ્યો, હવે જય પવારને મોટી જવાબદારી: સુનેત્રા પવારે પક્ષ પર નિયંત્રણ મેળવ્યું

2026-04-02 21:22:11
Author: Vipul Vaidya
Article Image

સુનેત્રા પવારે એનસીપીમાં મોટા ફેરફારો કર્યા છે અને જય પવારને રાષ્ટ્રીય કારોબારીમાં સ્થાન આપ્યું છે. નેતૃત્વ પરિવર્તન અને પાર્ટીમાં નવી જવાબદારીઓએ રાજકીય ચર્ચાઓને વેગ આપ્યો છે.

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ
: જય અજીત પવારને એનસીપીમાં મોટી જવાબદારી સોંપવામાં આવી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે અજિત પવારના નિધન પછી પાર્ટીમાં સર્જાયેલી ખાલી જગ્યા ભરવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. પાર્થ પવાર તાજેતરમાં રાજ્યસભાના સાંસદ તરીકે ચૂંટાયા હતા, ત્યારબાદ તેમના નાના ભાઈ જય પવાર પણ રાજકારણમાં સક્રિય થયા છે. પાર્થ પવારને એનસીપીની રાષ્ટ્રીય કારોબારીમાં સામેલ કરવામાં આવ્યા છે. સુનેત્રા પવાર દ્વારા ચૂંટણી પંચને મોકલવામાં આવેલા પત્રમાં જય પવારનું નામ ઉલ્લેખિત છે. આ પત્ર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો છે.

રાષ્ટ્રીય કારોબારીમાં જય પવાર 
26 ફેબ્રુઆરીના રોજ, સુનેત્રા પવારને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ તરીકે ચૂંટવામાં આવ્યા હતા. ત્યારબાદ 10 માર્ચે, તેમણે ચૂંટણી પંચને એક પત્ર મોકલ્યો હતો. સુનેત્રા પવારે પાર્ટીની બેઠકના નિર્ણયો અને પદાધિકારીઓની યાદી ચૂંટણી પંચને મોકલી હતી. સુનેત્રા પવારે ફક્ત 14 પદાધિકારીઓના નામનો ઉલ્લેખ કર્યો છે. જય પવારનું નામ પણ તેમાં છે. આ પહેલી વાર છે કે જય પવારને પાર્ટીમાં કોઈ પદ પર નિયુક્ત કરવામાં આવ્યા છે.

14 લોકોમાં કોના કોના નામ છે?
સુનેત્રા પવારનું નામ રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે ઉલ્લેખિત છે. શિવાજીરાવ ગર્જેનો ખજાનચી તરીકે ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જ્યારે પ્રફુલ પટેલ, સુનીલ તટકરે, છગન ભુજબળ, માણિકરાવ કોકાટે, દિલીપ વળસે-પાટિલ, ચેતન તુપે, શેખર નિકમ, સુબોધ મોહિતે, સરોજ આહિરે, સના મલિક, જય પવાર અને ધીરજ શર્માનો ઉલ્લેખ સંગઠનાત્મક અને ચૂંટણી માળખા તરીકે કરવામાં આવ્યો છે. સુનિલ તટકરેનો ઉલ્લેખ પ્રદેશ પ્રમુખ તરીકે નથી કરવામાં આઆવ્યો અને પ્રફુલ પટેલનો પણ રાષ્ટ્રીય કાર્યકારી પ્રમુખ તરીકે ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. આના પછી એનસીપીમાં બે જૂથો પડી ગયા છે અને સુનેત્રા પવાર પટેલ-તટકરેને કદ પ્રમાણે વેતરી રહ્યા છે એવા સવાલો ઉઠી રહ્યા છે. 

પાર્થ કેન્દ્રમાં, જય પાર્ટી સંગઠનમાં
અજિત પવારના અકાળ અવસાન પછી, સુનેત્રા પવારે પાર્ટીની જવાબદારી સંભાળી. તેઓએ રાષ્ટ્રીય અધ્યક્ષ પદની જવાબદારી સંભાળવા ઉપરાંત રાજ્યના પ્રથમ મહિલા નાયબ મુખ્ય પ્રધાન બન્યા. પાર્થ પવારને રાજ્યસભાના સાંસદ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા, તે પછી હવે જય પવારને પાર્ટીમાં મોટી જવાબદારી સોંપવામાં આવી છે. પાર્થ પવાર સાંસદ બનશે અને રાજ્યસભામાં પાર્ટીનું પ્રતિનિધિત્વ કરશે, જ્યારે જય પવાર પાર્ટીના સંગઠનમાં કામ કરશે.