Curfew (C)ના માહોલમાં ક્રિકેટરો આતંકવાદના ઓછાયામાં પણ Cricket (C)ની ભરપૂર તાલીમ લેતા રહીને Champion (C) બન્યા
અજય મોતીવાલા
મુંબઈ: મન હોય તો માળવે જવાય...હૃદયમાં હામ હોય તો હાર્યા પછી પણ જીતનો જલસો માણી શકાય. જમ્મુ-કાશ્મીરના ક્રિકેટરોએ હુબલીમાં રણજી ટ્રોફી (Ranji Trophy)માં જે કમાલ કરી દેખાડી છે એ ક્યારેય કોઈ દેશની સ્થાનિક ટીમે નહી કરી બતાવી હોય. ભારતના આ સ્વર્ગ સમાન અને જગવિખ્યાત રાજ્યની ટીમે રણજી ટ્રોફીના ઇતિહાસમાં પહેલી જ વખત રણજી ટ્રોફીનું ચૅમ્પિયનપદ મેળવીને વર્તમાન પેઢીને પોતાની તાકાતનો પરચો બતાવ્યો છે અને આવનારી પેઢી માટે પ્રેરણારૂપ બની છે.
દાયકાઓથી Curfew (C)નો સામનો કરનાર જમ્મુ-કાશ્મીરના ક્રિકેટરોએ આતંકવાદના ઓછાયામાં પણ Cricket (C)ની ભરપૂર તાલીમ લેતા રહીને અને પ્રૅક્ટિસ કરીને પોતાને અવ્વલ કક્ષાની ટીમ બનાવી અને છેવટે તેઓ Champion (C) બનીને રહ્યા.
2014માં નરેન્દ્ર મોદી સરકાર દેશમાં સત્તારૂઢ થઈ ત્યારથી કાશ્મીરનો આતંકવાદ એના રડારમાં હતો જ. મોદી સરકારના માર્ગદર્શનથી અને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહની દેખરેખમાં કાશ્મીરમાં આતંકવાદીઓનો સફાયો શરૂ થઈ ગયો હતો અને 2019માં સરકારના અભિયાનની ચરમસીમા આવી ગઈ જ્યારે એણે ગજબની હિંમત બતાવીને કલમ 370ને કાઢી નાખવાનું અભૂતપૂર્વ પગલું ભર્યું હતું.
બસ, એ સાથે જ કાશ્મીરમાં ક્રિકેટનો કસબ ફૂલોની જેમ ખીલવા લાગ્યો. `સિલસિલા' ફિલ્મના મશહૂર ગીત `દેખા એક ખ્વાબ તો યે સિલસિલે હુએ...દૂર તક નિગાહોં મેં હૈ ગુલ ખીલે હુએ.'ની માફક કાશ્મીરમાં ક્રિકેટરો (જે કળીના રૂપમાં હતા તેઓ) ફૂલની જેમ ખીલવા લાગ્યા અને 67 વર્ષમાં પહેલી વખત ચૅમ્પિયન બનવા જેટલા સક્ષમ થયા.
ખેલાડીઓએ કેન્દ્ર સરકાર તરફથી ભેટ મળેલા આ સુંદર માહોલમાં ભારતીય ક્રિકેટના સર્વોત્તમ ટાઇટલ (રણજી ટ્રોફી) પર કબજો કરવાનો સંકલ્પ કર્યો હતો. રાજ્યમાં સૈનિકો અને પોલીસો આતંકવાદીઓ સામે લડી રહ્યા હતા ત્યારે ક્રિકેટરોએ ભૂતકાળ ભૂલીને તેમ જ તમામ પ્રકારની નકારાત્મકતાને નજરઅંદાજ કરીને માત્ર ચૅમ્પિયન (Champion) ક્રિકેટ ટીમ ડેવલપ કરવા પર જ ફૉકસ રાખ્યું હતું. ભારતના ભૂતપૂર્વ બૅટ્સમૅન અજય શર્મા જમ્મુ-કાશ્મીર (J & K)ની ટીમના કોચ છે. તેમણે અને કૅપ્ટન પારસ ડોગરાએ ટીમના એકેએક ખેલાડીને મૅચ-વિનર જેવો બનાવ્યો અને જબરદસ્ત ટીમવર્કથી આ રાજ્યની ટીમે 2026ના રણજી ટાઇટલ પર પોતાનું નામ લખાવી દીધું.
2020માં અને 2025ની રણજી ટ્રોફીમાં આ રાજ્યની ટીમ માંડ ક્વૉર્ટર ફાઇનલ સુધી પહોંચી હતી, પણ 2026માં સપાટો બોલાવીને પારસ ડોગરાની સમજબૂઝવાળી કૅપ્ટન્સીમાં આ ટીમે સીધું ટાઇટલ જ કબજે કરી લીધું. 2025ની 18મી ઑક્ટોબરે જમ્મુ-કાશ્મીરની ટીમ શ્રીનગરમાં સીઝનની પ્રથમ મૅચમાં મુંબઈ સામે હારી હતી. જોકે આ ટીમ હારી ખરી, પણ હિંમત નહોતી હારી. એલીટ કૅટેગરીના ગ્રૂપ-ડીમાં આ ટીમ મુંબઈ પછી બીજા નંબરે રહી એમ છતાં નૉકઆઉટમાં એક પછી એક ધમાકા કરીને ભલભલી શક્તિશાળી ટીમોને પાછળ રાખીને છેવટે ચૅમ્પિયન બની ગઈ.

29 વર્ષનો રાઇટ-આર્મ પેસ બોલર ઑકિબ નબી રણજી ટ્રોફીની આ સીઝનમાં સૌથી વધુ 60 વિકેટ લઈને તમામ રાજ્યના બોલર્સમાં સર્વોપરિ રહ્યો. ખુદ ફાઇનલની હરીફ ટીમના કૅપ્ટન દેવદત્ત પડિક્કલે કહ્યું કે `નબીએ આખી સીઝનમાં ઉત્કૃષ્ટ બોલિંગ કરી અને ફાઇનલમાં અમારા બૅટ્સમેનો પાસે તેની બોલિંગ સામે કોઈ જવાબ નહોતો. કૅપ્ટન તરીકે મેં આનાથી આઘાતજનક હાર અગાઉ ક્યારેય નહોતી અનુભવી.'

જમ્મુ-કાશ્મીરના સુકાની પારસ ડોગરાનો પણ જબરો ડંકો વાગ્યો. રણજી ટ્રોફીમાં તે 10,000 રન પૂરા કરનાર વસીમ જાફર પછીનો બીજો ખેલાડી બન્યો અને આ ટીમના ટોપ-ઑર્ડરના ત્રણ બૅટ્સમેને તો કમાલ જ કરી નાખી. પહેલા દાવમાં ઓપનર યાવર હાસને 88 રન કર્યા તો બીજા દાવમાં બીજા ઓપનર કામરાન ઇકબાલે અણનમ 160 રન કરીને કર્ણાટક માટે વિજયનો દરવાજો સાવ બંધ જ કરી દીધો. ખાસ તો બોલિંગ માટે મશહૂર આ રાજ્યની ટીમ પાસે સ્ટાર બૅટ્સમેનોની કોઈ તંગી નથી. શુભમ પુંડીરે પ્રથમ દાવમાં 121 રન કરીને જીતનો મજબૂત પાયો નાખી આપ્યો હતો, જ્યારે મિડલ-ઑર્ડર બૅટ્સમૅન સાહિલ લૉત્રાએ પ્રથમ દાવમાં 72 રન અને બીજા દાવમાં અણનમ 101 રન કરીને જમ્મુ-કાશ્મીરની જીત નિશ્ચિત કરી નાખી.
કાશ્મીર ભારતના શિખરે છે અને આ રાજ્યએ રણજી ટ્રોફીમાં શિખર સર કરીને આખી દુનિયાને મૅસેજ આપી દીધો છે કે `આતંકવાદ કી ઐસી તૈસી. ચૅમ્પિયન આવી રીતે બનાય. ક્રિકેટની રમતમાં શૂન્યમાંથી સર્જન આ રીતે થાય અને ઝીરોમાંથી હીરો આ રીતે બનાય.'