Tue Aug 25 2026

Logo

માતા સાથે અનૈતિક સંબંધ હોવાની શંકા પરથી સગીર પુત્રએ મિત્રની કરી હત્યા

2026-04-12 18:39:37
Author: Yogesh D. Patel
માતા સાથે અનૈતિક સંબંધ હોવાની શંકા પરથી સગીર પુત્રએ મિત્રની કરી હત્યા

જાલના: માતા સાથે અનૈતિક સંબંધ હોવાની શંકા પરથી 17 વર્ષના પુત્રએ તેના પચીસ વર્ષના મિત્રની હત્યા કરી હોવાની ઘટના જાલના જિલ્લામાં બની હતી, જેને પગલે પોલીસે સગીર પુત્રને તાબામાં લીધો હતો.

તાજેતરમાં 12મા ધોરણની પરીક્ષા આપનારા સગીરે શિરસવાડી ગામમાં શુક્રવારે તેના મિત્ર નિખિલ વાઘમારે પર હુમલો કરી તેનું ગળું ચીરી નાખ્યું હતું.પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર સગીરને શંકા હતી કે તેની માતાને નિખિલ વાઘમારે મોબાઇલ પર મેસેજ મોકલે છે અને તેમની વચ્ચે અનૈતિક સંબંધ છે.

દરમિયાન સગીર અને વાઘમારે શુક્રવારે રાતે પાર્ટી કરવા માટે ગયા હતા. વાઘમારે સૂઇ ગયા બાદ સગીરે તેનું ગળું ચીરી નાખ્યું હતું, જેમાં તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.બનાવની જાણ થતાં સ્થાનિક પોલીસ સ્ટેશનના અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને વાઘમારેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલ્યા બાદ આ પ્રકરણે હત્યાનો ગુનો દાખલ કરીને સગીરની શોધ ચલાવી હતી. 

પોલીસે બાદમાં છટકું ગોઠવીને સગીરને તાબામાં લીધો હતો, જે ભાગી છૂટવાના પ્રયાસમાં હતો, એમ પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું.જાલના પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર સંતોષ સાબળેએ જણાવ્યું હતું કે અમે આ પ્રકરણે ભારતીય ન્યાય સંહિતાની સંબંધિત કલમ હેઠળ ગુનો દાખલ કર્યો હતો અને સગીરને તાબામાં લીધો હતો. તેની અમે પૂછપરછ કરી રહ્યા છીએ. (પીટીઆઇ)