Sat Apr 11 2026

Logo

જળગાંવ કૌભાંડમાં નેતા લોગ ને સજા થાય એ અસાધારણ કેમ?

2026-03-18 08:56:00
Author: Mumbaisamachar Team
Article Image

 

પ્રફુલ શાહ

આખરે જળગાંવ ગૃહનિર્માણ કૌભાંડમાં ડિસ્ટ્રિક્ટ કોર્ટે રૂા. 110 કરોડના આ મામલામાં બે રાજકારણી સુરેશ જૈન અને ગુલાબરાવ દેવકરને દોષિત જાહેર કર્યા હતા. તપાસને પગલે સુરેશ જૈન સાથે એન.સી.પી.ના નેતા અને રાજ્યના પ્રધાન ગુલાબરાવ દેવકરની પોલીસે ધરપકડ કરી હતી. આ ધરપકડ અગાઉ આગોતરા જામીન માટે મથામણ થઈ. જેલ બંધ થયા બાદ જામીન માટે કાનૂની માથાકૂટ  ણ કરાઈ હતી.

આ કેસમાં ખાનદેશ બિલ્ડર્સના માલિકો રાજેન્દ્ર મયુર અને જગન્નાથ વાણીને સાત-સાત વર્ષની જેલની સજા અને રૂા. 40 કરોડના દંડ ફટકારાયા હતા. આ કેસની સૌથી મોટી સજા હતી. ત્યાર બાદ ગુલાબરાવ દેવકર અને શિવસેનાના વિધાનસભ્ય ચંદ્રકાંત સોનાવણે અને પ્રદીપ રાયસોનીને પાંચ-પાંચ વર્ષની સજા થઈ હતી. રાયસોનીને દશ લાખનો દંડ પણ કરાયો હતો. જળગાંવ મ્યુનિસિપલ કોર્પોરેશનના 30 સભ્યોને પાંચ વર્ષની કેદની સજા થઈ હતી. કેવો અદ્ભુત ભાઈચારો અને ધ્યેય-નિષ્ઠા! સાક્ષી બની ગયેલા આરોપી વિજય કોલ્હેને કોર્ટે સજા વગર છોડી મૂકયો હતો. એક આરોપી ચુકાદાના સમય સુધી પકડાયો નહોતો.

પોલીસ તપાસ ટીમનું નેતૃત્વ કરનારા આઈ.પી.એસ. ઈશુ સિંધુએ આ ચુકાદાને આકરી તપાસ કરવા સાથે વ્યવસ્થિત દસ્તાવેજ બનાવનારી પોલીસ ટીમની સફળતા ગણાવી હતી.

કૌભાંડ, પર્દાફાશ, ધરપકડ અને ચુકાદા બાદ નાછૂટકે અમુક પગલાં ભરાતા હોય છે. એ સમયે સંપૂર્ણપણે શરદ પવારની ગણાતી નેશનલ કૉંગ્રેસ પાર્ટી (એન.સી.પી.)એ ગુલાબરાવ દેવકરની પક્ષમાંથી હકાલપટ્ટી કરી નાખી. દેવકરની જામીન અરજી વડી અદાલતે ફગાવી દીધી. એટલું જ નહિ, દેવકરે રાજ્યના શહેરી વાહનેવ્યવહાર ખાતાના પ્રધાનપદેથી ય રાજીનામું આપી દીધું. છૂટકો જ નહોતો.

પરંતુ રાજકારણીઓની હિમ્મત જોવા જેવી હોં. જેલમાં હોવા છતાં દેવકર અને જૈન બન્ને 2014ની વિધાનસભાની ચૂંટણી લડયા હતા, પણ બન્ને હારી ગયા હતા. 2019ની સામાન્ય ચૂંટણીમાંય દેવકરે ઝંપલાવ્યું હતું પણ પ્રજાએ નકારી દીધા હતા.

બીજી તરફ સુરેશ જૈને સજા વચ્ચે જ તબીબી કારણોસર રાહતની માગણી કરી હતી અને હાઈ કોર્ટે ત્રણ અઠવાડિયાની વચગાળાની જામીન આપી પણ હતી.

જળગાંવ હાઉસિંગ કૌભાંડને ભારતમાં એક દુર્લભ કૌભાંડ ગણી શકાય. આપણા દેશમાં કૌભાંડો બારેમાસ ખીલી ઊઠતા બિલાડીના ટોપ જેવા છે, પરંતુ કેટલામાં તટસ્થ તપાસ થાય છે? કેટલાં મોટા માથાને સજા થાય  છે. આ દેશના માળખાકીય વિકાસને ગળી જતા વ્યાપક ભ્રષ્ટાચારનું એક નાનકડું પ્રતીક માત્ર છે. બંધાતા કે નવા પુલના તૂટી પડવા, દર વર્ષે ચંદ્રની સપાટી જેવા થઈ જતા રસ્તા, કડડભૂસ થઈ જતા મકાનો શું છે? રાજકારણીઓ, અમલદારો અને કોન્ટ્રાક્ટર્સની મિલિભગત અને પ્રજાના પૈસાની ઉઘાડી લૂંટ. એમની તિજોરી ભરાય અને લોકશાહીના સર્વેસર્વા સમાન લોકોના જીવ જાય! આનાથી કોઈના પેટનું પાણી હલતું નથી. વિકાસના નામે તોતિંગ કામ જાહેર કરો અને મલાઈ ચાટતા જાઓ.

હવે તો આમાં કોઈને લેશમાત્ર શેહશરમ પણ આવતી નથી. એમાંય જળગાંવના મામલામાં તો એ સમયના ભૂતપૂર્વ અને સત્તાધીશ પ્રધાન પર આરોપ લાગ્યા, તપાસ થઈ શકી અને અદાલતમાં કસુરવાર પુરવાર થયા. આપણા માટે આ પ્રક્રિયા બહુ મોટી બાબત ન હોવી જોઈએ, પરંતુ કૌભાંડબાજોની દુનિયામાં ભાગ્યે જ કોઈ રાજકીય નેતા કે મોટામાથા દંડાય છે. આથી સુરેશ જૈન, ગુલાબરાવ દેવકર, લાલુપ્રસાદ યાદવ કે શીબુ સોરેન જેવાને સજા થાય ત્યારે આપણને આશ્ર્ચર્ય થાય. હજી ન્યાય શકય હોવાનો સધિયારો મળે.

પરંતુ આવા કૌભાંડમાં મોટામાથાને સજા થયાની ટકાવારી કેટલી? આ સવાલના જવાબમાંથી આપણી વર્તમાન સડેલી વ્યવસ્થાની ગંધ આવ્યા વગર રહેતી નથી. 
(સંપૂર્ણ)