Sun Sep 13 2026

Logo

ખુશીઓ માતમમાં ફેરવાઈ: જળગાંવમાં ત્રિપલ અકસ્માત, ગુજરાતના પાંચ લોકોના મૃત્યુ, કારમાં ફસાયેલા બાળકનો આબાદ બચાવ

2026-06-09 15:29:22
Author: Darshana Visaria
ખુશીઓ માતમમાં ફેરવાઈ: જળગાંવમાં ત્રિપલ અકસ્માત, ગુજરાતના પાંચ લોકોના મૃત્યુ, કારમાં ફસાયેલા બાળકનો આબાદ બચાવ

ChatGTP Ai Generated Image


જળગાંવઃ અહીં જિલ્લાના અમલનેર તાલુકામાં આજે વહેલી સવારે એક કાળજું કંપાવનારો ત્રિપલ રોડ અકસ્માત સર્જાયો હતો. એસટી બસ, કાર અને મોટરસાઇકલ વચ્ચે થયેલી આ ભયાનક ટક્કરમાં છ લોકોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા છે, જ્યારે અન્ય કેટલાક મુસાફરો ગંભીર રીતે ઘાયલ થયા છે. અકસ્માત એટલો ભયાનક હતો કે વાહનોનો કચ્ચરઘાણ વળી ગયો હતો અને આસપાસના વિસ્તારમાં અફડાતફડી મચી ગઈ હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર, આ દુર્ઘટના આજે સવારે આશરે સાત વાગ્યાની આસપાસ અમલનેર-ધુળે માર્ગ પર આવેલા મંગરૂળ ગામ નજીક, હોટલ વૃંદાવનની નજીક ઘટી હતી. અમલનેરથી ધુળે તરફ જઈ રહેલી એક મોટરસાઈકલ અને એસટી બસને સામેથી પૂરપાટ ઝડપે આવી રહેલી ગુજરાત પાસિંગની એક કારે જોરદાર ટક્કર મારી દીધી હતી. 

ત્રણેય વાહનો વચ્ચેની ટક્કર એટલી પ્રચંડ હતી કે બાઇકનો કચ્ચરઘાણ વળી ગયો હતો અને બાઇક ચાલકનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત થયું હતું. આ સાથે જ કારમાં સવાર અન્ય પાંચ લોકોના ઘટનાસ્થળે જ પ્રાણપંખેરુ ઉડી ગયા હતા. 

અકસ્માતમાં જાન ગુમાવનારા છ લોકોમાંથી પાંચ લોકો ગુજરાત (વ્યારા)ના રહેવાસી હોવાનું સામે આવ્યું છે. મૃતકોની ઓળખ આદિત્ય ચંદ્રકાંત મહાજન, અનીતા સુરેશ મહાજન, નિર્મલા નંદલાલ મહાજન, નંદલાલ ગોપાલ મહાજન અને સુરેશ વિક્રમ મહાજન તરીકે કરવામાં આવી છે. આ તમામ મૃતકો ગુજરાતના વ્યારાના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. પ્રાથમિક અહેવાલો મુજબ, આ આખો પરિવાર અમલનેરમાં આયોજિત એક સગાઈમાં હાજરી આપવા માટે ખુશી-ખુશી જઈ રહ્યો હતો, પરંતુ ગંતવ્ય સ્થળે પહોંચે તે પહેલાં જ કાળ તેમને ભરખી ગયો હતો. 

અકસ્માતની જાણ થતાં જ ડાયલ 112ની ટીમ, પોલીસ ઇન્સ્પેક્ટર દત્તાત્રેય નિકમ, હેડ કોન્સ્ટેબલ કૈલાશ શિંદે, રવિ પાટીલ અને સ્થાનિક પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો. હાઇવે પરથી ઘાયલોને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સની મદદથી નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.

આ અકસ્માત દરમિયાન કારની અંદર એક નાનું બાળક ગંભીર રીતે ફસાઈ ગયું હતું. જોકે, સ્થાનિક ગ્રામજનો, પોલીસકર્મીઓ અને એસટી ડેપોના કર્મચારીઓએ ભારે જહેમત બાદ કટરની મદદથી કારના પતરાં કાપીને એ માસુમ બાળકને લોહીલુહાણ હાલતમાં સુરક્ષિત બહાર કાઢી લીધું હતું. આ સિવાય એસટી બસમાં સવાર દીપક દિલીપ પાટીલ નામના મુસાફરને પણ ઈજાઓ પહોંચી છે. 

હાલ પોલીસે તમામ મૃતકોના શબને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ મોકલી આપ્યા છે અને અકસ્માતના અસલી કારણોની તપાસ શરૂ કરી છે. એક જ પરિવારના પાંચ સભ્યોના મોતના સમાચારથી ગુજરાત અને મહારાષ્ટ્ર બંને રાજ્યોમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું છે.