* સમગ્ર ભારતની આશરે દર 30 મિનિટે ઇમેજ લેવાની ક્ષમતા.
* પસંદ કરેલા વિસ્તારોની આશરે દર પાંચ મિનિટે ઇમેજ લેવાની ક્ષમતા.
મિશન અંતરિક્ષ - ભરત મહેતા
ISRO એ રિમોટ સેન્સીંગ ઉપગ્રહને લોન્ચ કરીને વધુ એક સિદ્ધિ હાંસિલ કરી છે -એ છે `EOS-05' (Earth Observation Satellite- 05), જેના લોન્ચ સાથે પૃથ્વી નિરીક્ષણના નવા યુગનો આરંભ. આ દ્વારા અનંત આકાશમાં ભારતની ઐતિહાસિક છલાંગ લગાવી છે. બ્રહ્માંડનાં રહસ્યો ઉકેલવા અને માનવ કલ્યાણ અર્થે વિજ્ઞાનને નવી ઊંચાઈએ પહોંચાડવામાં ભારતીય અંતરિક્ષ સંશોધન સંગઠન (ISRO) હંમેશાં અગેસર રહ્યું છે. તાજેતરમાં 4 સપ્ટેમ્બરના રોજ શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરથી ઇસરોનાં શક્તિશાળી રોકેટ GSLV દ્વારા અત્યાધુનિક અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઇટ EOS-05 (GISAT-1A) નું સફળ પ્રક્ષેપણ થઈ ગયું. ભૌતિક વિજ્ઞાનમાં પ્રક્ષેપણ એટલે laucha -કોઈ પણ પદાર્થને આકાશમાં ફેંકવા /છોડવાની ક્રિયા. આ પ્રક્ષેપણ માત્ર એક નવા ઉપગ્રહનું ભ્રમણકક્ષામાં સ્થાપન નથી, પરંતુ ભારતની વૈજ્ઞાનિક ક્ષમતાનું એવું શિખર છે જે પૃથ્વી નિરીક્ષણના સમગ્ર દ્રષ્ટિકોણ બદલી નાખશે. વિજ્ઞાન જ્યારે માત્ર પ્રયોગશાળા પૂરતું સીમિત ન રહેતાં સમગ્ર સૃષ્ટિના રક્ષણનું માધ્યમ બને છે ત્યારે આવી ઐતિહાસિક સિદ્ધિઓ આકાર લેતી હોય છે.
અર્થ ઓબ્ઝર્વેશન શું છે?
સામાન્ય વાચકના મનમાં સહજ પ્રશ્ન જાગે કે આ `અર્થ ઓબ્ઝર્વેશન' એટલે વળી શું? એક વાક્યમાં સમજાવીએ તો એ છે અવકાશમાંથી ધરતીના ધબકારા ઝીલવાની કળા... પ્રકૃતિની વિશાળતા અને તેના સૂક્ષ્મ પરિવર્તનોને ધરતી પર ઊભા રહીને સંપૂર્ણપણે પામી શકાતા નથી. જેવી રીતે કોઈ કલાકાર આખા કેનવાસનું સૌંદર્ય નિહાળવા થોડો દૂર જઈને ઊભો રહે છે, બરાબર તેવી જ રીતે પૃથ્વીથી હજારો કિલોમીટર ઊંચે રહીને સમગ્ર વસુંધરા, તેના ઘૂઘવતા મહાસાગરો, વાતાવરણનાં તોફાનો અને વનરાજીનું અવિરત નિરીક્ષણ કરવાની પદ્ધતિ એટલે `અર્થ ઓબ્ઝર્વેશન' અથવા `રિમોટ સેન્સિંગ'. ઉપગ્રહમાં ગોઠવાયેલા અતિસંવેદનશીલ કેમેરા અને સેન્સર્સ સૂર્યપ્રકાશના પરાવર્તન કે કૃત્રિમ રડાર તરંગોના માધ્યમથી ધરતીના પ્રત્યેક ખૂણાની સ્થિતિનું જીવંત ચિત્રણ કરે છે, જે માનવજાત માટે સુરક્ષા અને સમૃદ્ધિની નવી બારીઓ ખોલે છે.
36,000 કિલોમીટર દૂરથી `જીઓસિંક્રોનસ' ઉપગ્રહની ક્રાંતિ
અત્યાર સુધી ભારતના મોટા ભાગના રિમોટ સેન્સિંગ ઉપગ્રહો પૃથ્વીની નીચલી ભ્રમણકક્ષા એટલે કે `લો અર્થ ઓર્બિટ' (LEO) માં કાર્યરત હતા. આ ઉપગ્રહો દિવસમાં નિયત સમયે જ ભારત પરથી પસાર થતા અને ચોક્કસ અંતરાલ પછી જ ફરીથી તે વિસ્તારનું ચિત્ર ઝડપી શકતા, પરંતુ EOS-05 એ ભારતનો પ્રથમ એવો ઇમેજિંગ સેટેલાઇટ છે જેને ભૂ-સમન્વિત ભ્રમણકક્ષા (Geosynchronous Orbit)માં આશરે 36,000 કિલોમીટરની અત્યંત ઊંચાઈએ સ્થાપિત કરવામાં આવ્યો છે. પૃથ્વીના પોતાની ધરી પરના પરિભ્રમણની ગતિ સાથે જ તાલ મિલાવીને ગતિ કરતો હોવાથી આ ઉપગ્રહ હંમેશાં ભારતીય ઉપખંડની બરાબર સામે એક જ સ્થાને અડગ રહેશે. આ અદ્ભુત ભૌગોલિક સ્થિતિને કારણે તે દર અડધા કલાકે સમગ્ર ભારતીય ભૂમિભાગની તાજી તસવીરો મોકલશે અને કોઈ સંકટ સમયે નિયત વિસ્તારનું દર પાંચ મિનિટે હાઇ-રિઝોલ્યુશન ચિત્ર પૂં પાડવાની અસાધારણ ક્ષમતા ધરાવે છે. આમ આપણા માટે એ પલકારાવિહોણી આંખ બની રહેશે.
આ ટેકનોલોજીની અનેક અનોખી તકનિકી વિશેષતા
EOS-05 એ ઇસરોના ઈજનેરોની વર્ષોની સાધના અને સ્વદેશી વિજ્ઞાનનો જીવંત પુરાવો છે. આ ઉપગ્રહમાં અત્યાધુનિક વિશાળ ઓપ્ટિકલ ટેલિસ્કોપ સાથે મલ્ટિસ્પેક્ટ્રલ અને હાઇપરસપેક્ટ્રલ સેન્સર્સ જોડવામાં આવ્યા છે, જે દૃશ્યમાન પ્રકાશથી લઈને ઇન્ફ્રારેડ તરંગો સુધીની વિશાળ શ્રેણીમાં સૂક્ષ્મતાથી માહિતી એકત્ર કરે છે. આ ગાઢ વાદળો, ધુમ્મસ કે રાત્રિના અંધકાર વચ્ચે પણ ભૂમિ પર થતી ભૌગોલિક ગતિવિધિઓનું સચોટ વિશ્લેષણ કરવામાં સક્ષમ છે. આ ઉપરાંત તેમાં સ્થાપિત હાઈ-સ્પીડ ડેટા ટ્રાન્સમિશન સિસ્ટમ અવકાશમાંથી મેળવેલી વિશાળ માહિતી ક્ષણાર્ધમાં ગ્રાઉન્ડ સ્ટેશન સુધી પહોંચાડે છે, જેથી વૈજ્ઞાનિકો અને નીતિ-નિર્માતાઓ ક્ષણભરનો પણ વિલંબ કર્યા વિના નિર્ણાયક પગલાં ભરી શકે.
ધરતીપુત્રો માટે આશીર્વાદ સ્માર્ટ કૃષિનું નવું પ્રભાત
ભારત જેવા કૃષિપ્રધાન દેશ માટે જ્યાં ખેડૂતનો પરસેવો અર્થતંત્રનું સિંચન કરે છે ત્યાં EOS-05 એક અદૃશ્ય દેવદૂત બનીને રહેશે. પાકની વાવણીથી લઈને લણણી સુધીના પ્રત્યેક તબક્કે આ ઉપગ્રહ જમીનમાં રહેલા ભેજનું પ્રમાણ, પોષક તત્ત્વોની સ્થિતિ અને પાક પર આવનારા રોગચાળા અંગે ખેડૂતોને અગાઉથી ચેતવણી આપશે. આ ઉપરાંત ભૂગર્ભજળ સ્તરની વધ-ઘટનું સતત મૂલ્યાંકન કરીને તે સિંચાઈ વ્યવસ્થાપનને વધુ સક્ષમ બનાવશે, જેનાથી દેશના છેવાડાના ખેડૂતને પાક બગાડથી બચાવી આર્થિક રીતે સધ્ધર કરી શકાશે.
કુદરતી આપત્તિઓમાં અડીખમ રક્ષક કવચ
પ્રકૃતિ જ્યારે રૌદ્ર સ્વરૂપ ધારણ કરે છે ત્યારે માનવજીવન અત્યંત લાચાર બની જતું હોય છે. ચક્રવાત, અણધાર્યું પૂર, મેઘતાંડવ, જંગલની દાવાનળ કે ભૂસ્ખલન જેવી આપત્તિઓ વખતે થોડી મિનિટોનો સમય પણ હજારો માનવ જિંદગી બચાવી શકે છે. EOS-05 અવકાશમાંથી વાદળોની રચના, સાગરનાં તોફાન અને ચક્રવાતની ગતિવિધિઓનું રીઅલ-ટાઇમ ટે્રકિગ કરશે. પૂરના સમયે કયા રસ્તાઓ ધોવાયા છે અને કયાં ગામો સંપર્કવિહોણા બન્યા છે તેની ક્ષણે-ક્ષણની માહિતી આપીને આ ઉપગ્રહ આપત્તિ વ્યવસ્થાપન ટીમો માટે સંકટમોચક રક્ષક કવચ બની રહેશે.
પર્યાવરણની સુરક્ષા સાથે સરહદનો પ્રહરી
વૈશ્વિક તાપમાન અને આબોહવા પરિવર્તનના આ ગંભીર યુગમાં હિમાલયના ગ્લેશિયર્સનું પીગળવું, નદીઓના
પ્રવાહમાં બદલાવ અને જંગલોના નિકંદન પર ચાંપતી નજર રાખવાનું કામ આ ઉપગ્રહ કરશે.
દરિયાકાંઠાના મેન્ગ્રોવ્સ અને દરિયાઈ પરિસ્થિતિનું રક્ષણ કરવામાં પણ તેની ભૂમિકા મહત્ત્વની રહેશે. સાથોસાથ, દેશની હજારો કિલોમીટર લાંબી સંવેદનશીલ સરહદો અને વિશાળ સમુદ્રી સીમાઓ પર સતત નજર રાખીને તે રાષ્ટ્રીય સુરક્ષા અને વ્યુહાત્મક આયોજનમાં અવિરત જાગતા સરહદી પ્રહરીની ફરજ અદા કરશે.
વિજ્ઞાન થકી લોકકલ્યાણનો અમર સંકલ્પ
EOS-05 માત્ર ધાતુ અને સોલાર પેનલોથી બનેલો યંત્ર-પિંડ નથી, પરંતુ સવા સો કરોડ દેશવાસીઓની આકાંક્ષાઓ, સુરક્ષા અને આત્મનિર્ભરતાનું અવકાશી પ્રતિબિંબ છે. 4 સપ્ટેમ્બરના પ્રક્ષેપણ સાથે ભારતે સાબિત કરી દીધું છે કે સ્વદેશી જ્ઞાન અને સંકલ્પબળ થકી કોઈ પણ વૈશ્વિક પડકારને પાર કરી શકાય છે. અવકાશના અનંત પટ પર સ્થાપિત થયેલી આ દિવ્ય આંખ આવનારા લાંબા સમય સુધી ભારતની ધરા, તેના ખેતરો અને સરહદોનું રક્ષણ કરતી એક જાગૃત જ્યોત બનીને ચમકતી રહેશે. ઇસરોની આ અપ્રતિમ સિદ્ધિ ભારતની વૈજ્ઞાનિક વિકાસયાત્રામાં સદાકાળ સુવર્ણ અક્ષરે અંકિત રહેશે.