અમદાવાદ: અમદાવાદના ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં આરોપી તથ્ય પટેલને સુપ્રીમ કોર્ટે નિયમિત જામીન મંજૂર કર્યા છે. તથ્યના વકીલે આ મામલે પુષ્ટિ કરતાં જણાવ્યું કે, લગભગ પોણા ત્રણ વર્ષ બાદ તથ્ય પટેલ જેલમાંથી નિયમિત જામીન પર બહાર આવશે. અગાઉ સુપ્રીમ કોર્ટે ફેબ્રુઆરી મહિનામાં ટ્રાયલ કોર્ટને મે મહિનાની અંદર 25 સાક્ષીઓની તપાસ પૂર્ણ કરવા સૂચના આપી હતી. મહત્વનું છે કે, 18 નવેમ્બર 2025ના રોજ તથ્ય પટેલ સામે ચાર્જ ફ્રેમ કરવામાં આવ્યા હતા.
જુલાઈ 2023માં અમદાવાદના ચકચારી ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં 9 નિર્દોષ લોકોના જીવ લેનાર આરોપી તથ્ય પટેલને સુપ્રીમ કોર્ટે મોટી રાહત આપતા નિયમિત જામીન મંજૂર કર્યા છે. તથ્યના વકીલે આ જામીન મળ્યાની સત્તાવાર પુષ્ટિ કરી છે. આ નિર્ણય સાથે, અકસ્માત સર્જ્યા બાદ લગભગ પોણા ત્રણ વર્ષનો જેલવાસ ભોગવ્યા પછી હવે તથ્ય પટેલ જેલમાંથી નિયમિત જામીન પર બહાર આવશે.
નિયમિત જામીન કેસમાં એક મોટો વળાંક
આ કેસની ટ્રાયલ કોર્ટમાં હાલમાં નિયમિતપણે કાનૂની કાર્યવાહી અને સુનાવણી ચાલી રહી છે. ઉલ્લેખનીય છે કે, અગાઉ ફેબ્રુઆરી મહિનામાં સુપ્રીમ કોર્ટે આ કેસની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ટ્રાયલ કોર્ટને મે મહિના સુધીમાં 25 જેટલા સાક્ષીઓ તપાસી લેવા માટે કડક સૂચના આપી હતી. ટ્રાયલ કોર્ટમાં ચાલી રહેલી આ પ્રક્રિયા વચ્ચે સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવેલા આ જામીન કેસમાં એક મોટો વળાંક છે.
શું થયું હતું 19 જુલાઇની રાત્રે?
19મી જુલાઈ, 2023ની રાત્રે આરોપી તથ્ય પટેલે જગુઆર કાર દ્વારા ઇસ્કોન બ્રિજ પર ભયંકર અકસ્માત સર્જ્યો હતો. આ અકસ્માતમાં 9 લોકોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા. જ્યારે અન્ય 13 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. તથ્ય પટેલ તેમજ તેના પિતા પ્રજ્ઞેશ પટેલ સામે IPC 279, 337, 338, 304, 308 અને મોટર વ્હિકલ એક્ટ સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.