તેહારનઃ અમેરિકાએ સીઝફાયરનું એલાન કરી દેતા યુદ્ધ પૂર્ણ થયું હોય એવું માનવામાં આવતું હતું પણ આ યુદ્ધમાં કથની અને કરણીમાં ફેર હોવાનું સાબિત થયું છે. સીઝફાયરનું એલાન કર્યા બાદ ઈરાનના લાવન દ્વીપ પર મોટો હુમલો થયો હતો. લાવન દ્વીપ પર ઈરાનની ક્રૂડ ઓઈલની રિફાઈનરી આવેલી છે. બુધવારની સવારે આ વિસ્તારમાં હુમલો થયો હતો. સીઝફાયરની ગણતરીના કલાકોમાં આ હુમલો કરવામાં આવ્યો હતો.
ઈરાન માટે મહત્ત્વનો દ્વીપ
ઈરાનના મીડિયા રીપોર્ટ અનુસાર હુમલો થતા જ ફાયર વિભાગની ટીમ આગ ઠારવા માટે દોડી ગઈ હતી. આ હુમલામાં કોઈને જાનહાનિ થઈ હોય એવા રિપોર્ટ મળ્યા નથી. ઈરાનના અધિકારીઓએ જણાવ્યા અનુસાર રિફાઈનરી પર હુમલો કરનારા કોણ? ઈઝરાયલ કે અમેરિકા? આ હજુ સ્પષ્ટ થયું નથી. લાવન દ્વીપ પર્શિયન ગલ્ફમાં એક મહત્ત્વનો દ્વીપ છે.78 વર્ગ કિમીમાં ફેલાયેલો છે, આ સિવાય લાવનથી જ ઈરાન મોટી માત્રામાં ક્રૂડ ઓઈલની નિકાસ કરે છે. અહીં કાચા તેલનું એક ટર્મિનલ પણ છે. મોટી માત્રામાં અહીં રિફાઈનિંગ કામ કરવામાં આવે છે. આ સિવાય લાવન ઈરાનનો જાણીતો ગેસ એરિયા છે. આ વિસ્તાર સ્ટ્રેટ ઓફ હોર્મુઝથી આશરે 450થી 500 કિમી પશ્ચિમમાં સ્થિત છે.
અમેરિકાના એલાન બાદ હુમલો
છેલ્લા ચાલીસ દિવસથી ચાલી રહેલા યુદ્ધને લઈને અમેરિકાએ સીઝફાયરનું એલાન કર્યું હતું. ઈરાન અને અમેરિકા આગામી બે દિવસ સુધી કોઈ પ્રકારનો હુમલો નહીં કરે એવી શરત હતી. શાંતિ સમજૂતીની વાત કરાઈ હતી. હંગેરીની યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓને સંબોધન કરતા ટ્રમ્પે કહ્યું હતું કે ઈરાન સાથે એક ડીલ નક્કી થઈ છે. આ ખૂબ નાજુક સમજૂતી છે. આ અઠવાડિયે પાકિસ્તાનમાં શાંતિ વાર્તા પહેલા ઈરાનને ધમકી આપવામાં આવી છે. ટ્રમ્પે કહ્યું હતું કે, ઈરાન સ્ટ્રેટ ઓફ હોર્મુઝ ક્રીક ખોલવા સહમત થયો છે. હોર્મુઝ ખોલો અને દુનિયાની અર્થવ્યવસ્થાને બંધક બનાવવાના પ્રયાસ બંધ કરો.બીજી તરફ ઈરાને કુવૈતમાં પણ ડ્રોનથી હુમલો કર્યો હતો. કુવૈતના ઊર્જા કેન્દ્રને ટાર્ગેટ કરીને હુમલો કરાયો હતો.

વહેલી સવારે ભયાનક માહોલ
કુવૈતે વહેલી સવારે 28 જેટલા ડ્રોનને તોડી પાડ્યા હતા. એવો કુવૈતના અધિકારીએ દાવો કર્યો છે. સીઝફાયર થયું હોવા છતાં ઈરાન પર હુમલો થયો જેની કોઈએ જવાબદારી સ્વીકારી નથી. બીજી તરફ ઈરાને કુવૈત પર હુમલો કર્યો છે. કુવૈતના રક્ષા મંત્રાલયના પ્રવક્તા કર્નલ સાઉદ અબ્દુલઅજીજ અલ ઓતૈબીએ જણાવ્યું હતું કે, દુશ્મનો તરફથી કરવામાં આવેલો આ મોટો હુમલો છે. વહેલી સવારે આવો ખૌફનાક માહોલ જોવા મળ્યો છે.આ ડ્રોન દેશના દક્ષિણ દિશામાં રહેલા વિસ્તાર તરફ આગળ વધ્યા હતા. આ એ જ વિસ્તાર છે જ્યાં તેલ ટર્મિનલ, ઊર્જા કેન્દ્ર, વીજળી ઘર અને પાણીના સ્ટોરેજ આવેલા છે. આ વિસ્તારને નુકસાન થતા કુવૈત ઘણી બધી રીતે પડી ભાંગે એમ છે.