Thu Sep 10 2026

Logo

હોર્મુઝની ખાડીમાં યુદ્ધ વકર્યું: અમેરિકાના ઓઈલ ટેન્કર પર ઈરાનનો હુમલો, 1 ભારતીયનું મોત

Tehran   2026-03-12 12:44:00
Author: Tejas Rajpara
હોર્મુઝની ખાડીમાં યુદ્ધ વકર્યું: અમેરિકાના ઓઈલ ટેન્કર પર ઈરાનનો હુમલો, 1 ભારતીયનું મોત

તહેરાન: મધ્ય પૂર્વમાં ચાલી રહેલા યુએસ-ઈઝરાયલ અને ઈરાન વચ્ચેના સંઘર્ષની માઠી અસર હવે ભારતીય દરિયાઈ કામદારો પર પડી રહી છે. ઇરાકે બસરા નજીક અમેરિકી માલિકીના ઓઇલ ટેન્કર પર કરેલા હુમલામાં એક ભારતીય ક્રૂ મેમ્બરે પોતાનો જીવ ગુમાવ્યો છે. ઈરાને આ હુમલાની જવાબદારી સ્વીકારતા જણાવ્યું છે કે તેમણે અન્ડરવોટર ડ્રોન દ્વારા બે તેલ ટેન્કરોને નિશાન બનાવ્યા હતા. આ ઘટનાએ સમગ્ર વિશ્વમાં એનર્જી સપ્લાય અને ભારતીય નાગરિકોની સુરક્ષા અંગે ચિંતા વધારી દીધી છે.

સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર માર્શલ આઇલેન્ડના ધ્વજ હેઠળ સફર કરી રહેલા અમેરિકન કંપનીના ઓઇલ ટેન્કર 'સેફસી વિષ્ણુ' પર બસરા પાસે હુમલો થયો હતો. બગદાદમાં સ્થિત ભારતીય દૂતાવાસના જણાવ્યા અનુસાર, આ કરુણ ઘટનામાં એક ભારતીય સભ્યનું મૃત્યુ થયું છે, જ્યારે અન્ય 15 ભારતીય ક્રૂ સભ્યોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે. આ ઉપરાંત ગ્રીસની માલિકીના 'ઝેફિરોસ' ટેન્કરમાં પણ હુમલા બાદ આગ લાગી હતી. ભારતીય દૂતાવાસ હાલ ઇરાકી સત્તાવાળાઓ અને બચાવેલા ખલાસીઓના સતત સંપર્કમાં છે.

હોર્મુઝની સામુદ્રધુની એ વિશ્વનો સૌથી વ્યસ્ત ઓઇલ શિપિંગ રૂટ છે, જ્યાં હાલમાં 'અજ્ઞાત પ્રોજેક્ટાઈલ્સ' દ્વારા અનેક વ્યાપારી જહાજોને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. ઈરાને અગાઉથી જ ધમકી આપી હતી કે તે આ માર્ગ પરથી પસાર થતા જહાજોને 'આગ લગાડી દેશે'. જો આ માર્ગ બંધ થાય છે, તો ભારત, ચીન અને જાપાન જેવા દેશો માટે ક્રૂડ ઓઈલની આયાત મુશ્કેલ બની જશે અને વૈશ્વિક બજારમાં તેલના ભાવ આસમાને પહોંચી શકે છે.

અમેરિકા અને ઈઝરાયલનું ઈરાન વચ્ચે 12 દિવસ યુદ્ધ ચાલી રહ્યુ છે. જેના કારણે દરિયાઈ ટ્રાફિકમાં મોટો ઘટાડો થયો છે. હોર્મુઝની સામુદ્રધુની દ્વારા વિશ્વનો લગભગ 31% તેલ પુરવઠો પસાર થાય છે. જો આ સંઘર્ષ લાંબો ચાલશે તો માત્ર ઈંધણ જ નહીં, પરંતુ મોંઘવારીમાં પણ અસહ્ય વધારો થવાની ભીતિ છે. અમેરિકી વહીવટીતંત્રે દાવો કર્યો છે કે તેમણે ઈરાનના ખાણ નાખનારા 16 જહાજોને નષ્ટ કર્યા છે, છતાં તણાવ ઓછો થવાના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી.