Fri Apr 17 2026

Logo

સૂર્યકુમારની કરીઅર જોખમમાં: પહેલા જ બૉલમાં આઉટ, હાર્દિક ક્યાંક ટીમમાંથી કાઢી ન મૂકે

2026-04-17 11:47:00
Author: Ajay Motiwala
Article Image

મુંબઈ: ભારતની ટી-20 ટીમનો વર્લ્ડ ચેમ્પિયન કેપ્ટન સૂર્યકુમાર યાદવ બૅટિંગમાં લગભગ એક વર્ષથી ફ્લૉપ છે, આઈપીએલમાં પણ તેની નિષ્ફ્ળતા ચાલુ રહી છે અને ગુરુવારે તો હદ જ થઈ ગઈ જેમાં તેણે રાયન રિકલ્ટનની વિકેટ બાદ ક્રીઝમાં આવ્યા પછી હજી તો માંડ સ્ટાન્સ લીધું ત્યાં તો અર્શદીપ સિંહના બૉલમાં તે કૅચઆઉટ થઈ ગયો હતો. સૂર્યકુમારના આ ગોલ્ડન ડકથી સૌ કોઈ ચોંકી ગયા હતા અને હવે તો એવી ચર્ચા છે કે કેપ્ટન હાર્દિક પંડ્યા (Hardik Pandya) આવનારી અમુક મૅચોમાં 35 વર્ષના સૂર્યકુમારને બદલે બીજા કોઈ યુવાન ખેલાડીને રમવાનો મોકો આપશે તો નવાઈ નહીં લાગે.

યુઝવેન્દ્ર ચહલ આઈપીએલમાં પાંચમી વખત સૂર્યકુમારની વિકેટ તો ન લઈ શક્યો, પરંતુ તેનો કૅચ ઝીલીને તેને પૅવિલિયન તરફ જરૂર પાછો મોકલ્યો.

આ વખતની આઈપીએલમાં સૂર્યકુમારનો દેખાવ આ મુજબનો છે: કોલકાતા સામે 16 રન, દિલ્હી સામે 51 રન, રાજસ્થાન સામે 6 રન, બેંગ્લૂરુ સામે 33 રન અને પંજાબ સામે 0.
 

સૂર્યકુમાર (Suryakumar) ભલે ટી-20નો વિશ્વવિજેતા કેપ્ટન છે, પરંતુ આ પ્રોફેશનલ ક્રિકેટ છે અને એમાં ખેલાડીના પ્રભાવ કે કદ નહીં, પણ પર્ફોર્મન્સ મહત્વના હોય છે. હાર્દિક પંડ્યા કઠોર નિર્ણય લેવા માટે જાણીતો છે અને તેને ટીમ મૅનેજમેન્ટ તથા ફ્રેન્ચાઇઝીનો પૂરો સપોર્ટ છે. રોહિત શર્મા ઇમ્પેક્ટ પ્લેયરની સિસ્ટમની વિરુદ્ધમાં રહ્યો છે, પરંતુ તેને પણ આ વખતે ઇમ્પેક્ટ પ્લેયર બનાવીને હાર્દિકે બતાવી દીધું છે કે કેપ્ટનનો નિર્ણય તો માનવો જ પડે.

હવે જો સૂર્યકુમાર બૅટિંગ નહીં સુધારે તો એના સ્થાને કોઈ યુવાન ખેલાડીને ટીમમાં સામેલ કરતા હાર્દિક નહીં અચકાય.

એવું પણ કહેવાય છે કે બૅટિંગના ખરાબ ફોર્મને કારણે સૂર્યકુમારે આઈપીએલ પછી ભારતની ટી-20 ટીમની કેપ્ટન્સી કદાચ ગુમાવવી પડશે અને સમય આવશે તો સિલેક્ટરો કદાચ તેને ટીમમાંથી પણ ડ્રોપ કરતા પણ નહીં અચકાય.