આજકાલની ભાગદોડથી ભરપૂર લાઈફસ્ટાઈલને કારણે દરેક વ્યક્તિ માટે વર્કઆઉટ કરવું કે પછી જિમમાં જવાનો સમય જ નથી રહેતો. ઓફિસ વર્ક, સ્ટડી, ફેમિલી અને બીજી રિસ્પોન્સિબિલિટી વચ્ચે ફિટ રહેવાની ઈચ્છા હોવા છતાં ઘણા લોકો વર્કઆઉટ માટે સમય કાઢી શકતા નથી. જો તમે પણ આ સમસ્યાનો સામનો કરી રહ્યા હોવ તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્ત્વના છે, કારણ કે હાલમાં જ સામે આવેલા એક રિચર્સમાં એક ચોંકાવનારો ખુલાસો થયો છે. આ ખુલાસા વિશે જાણીને તમે પણ ખુશીથી ઉછળી પડશો...
હોંગકોંગ યુનિવર્સિટીની એલકેએસ ફેકલ્ટી ઓફ મેડિસિનના સ્કૂલ ઓફ પબ્લિક હેલ્થના રિસર્ચર્સ દ્વારા હાથ ધરવામાં આવેલા રિસર્ચમાં ચોંકાવનારા તારણો સામે આવ્યા હતા. આ રિસર્ચનો મુખ્ય હેતુ એ જાણવાનો હતો કે શું અઠવાડિયામાં માત્ર એક જ વાર કરવામાં આવતી ખાસ ઈન્ટરવલ ટ્રેનિંગ અઠવાડિયામાં ત્રણ વાર કરવામાં આવતી ટ્રેનિંગ જેટલી જ અસરકારક સાબિત થઈ શકે છે કે નહીં.
ઓબેસિટી વર્લ્ડવાઈડ ખૂબ જ ઝડપથી વધતી ગંભીર સ્વાસ્થ્ય સમસ્યા છે અને શરીરમાં જરૂરિયાત કરતા વધુ ચરબી જમા થવાથી હાર્ટ પ્રોબ્લેમ, મેટાબોલિક બીમારીઓ અને સમય વહેલા મૃત્યુનું જોખમ વધી જાય છે, એમાં પણ ખાસ કરીને પેટની આસપાસ જમા થતી ચરબી વધુ જોખમી ગણાય છે.

ઈન્ટરવલ ટ્રેનિંગ એ વર્કઆઉટ કરવાની એક એવી એડવાન્સ ટેક્નિક છે જેમાં થોડા સમય માટે ખૂબ જ ઝડપી હાઈ-ઈન્ટેન્સિટી એક્ટિવિટી કરવામાં આવે છે અને ત્યાર બાદ બોડીને રિકવરી આપવા માટે સ્લો સ્પિડમાં વર્કઆઉટ કરવામાં આવે છે. અગાઉ કરાયેલા અનેક રિસર્ચમાં આ પદ્ધતિ વજન અને પેટની ચરબી ઘટાડવા માટે બેસ્ટ સાબિત થઈ ચૂકી છે, પરંતુ સામાન્ય રીતે નિષ્ણાતો તેને અઠવાડિયામાં ત્રણ વાર કરવાની સલાહ આપતા હતા જે વ્યસ્ત લોકો માટે મુશ્કેલ હતું.
બિઝી રહેતાં લોકોની આ સમસ્યાનો ઉકેલ લાવવા માટે રિસર્ચર્સે સપ્ટેમ્બર, 2021થી સપ્ટેમ્બર 2024 દરમિયાન પેટની વધારાની ચરબી ધરાવતા 315 ઓવરવેઇટ લોકો પર લાંબો અભ્યાસ કરવામાં આવ્યો હતો. આ રિસર્ચ દરમિયાન લોકોને ત્રણ અલગ-અલગ ગ્રૂપમાં વહેંચવામાં આવ્યા હતા, જેમાં પહેલું ગ્રુપ અઠવાડિયામાં માત્ર એક જ દિવસ 75 મિનિટની ઈન્ટરવલ ટ્રેનિંગ કરતું હતું, જ્યારે બીજું ગ્રુપ આ 75 મિનિટના વર્કઆઉટને અઠવાડિયાના ત્રણ અલગ-અલગ દિવસોમાં વહેંચીને કરતું હતું અને ત્રીજા ગ્રુપને માત્ર એજ્યુકેશન સેશન આપવામાં આવ્યા હતા.
16 અઠવાડિયા પછી જ્યારે બંને ગ્રૂપના લોકોના બોડી ફેટ અને કમરના પ્રી-પોસ્ટ માપનું મૂલ્યાંકન કરવામાં આવ્યું ત્યારે જે પરિણામો સામે આવ્યા એ ખરેખર અદ્ભુત હતા. અઠવાડિયામાં માત્ર એક જ દિવસ કસરત કરનારા અને ત્રણ દિવસ કસરત કરનારા બંને ગ્રૂપના લોકોની ચરબી, ફેટ ટકાવારી અને કમરના આકારમાં એકસરખો ઘટાડો નોંધાયો હતો અને સાથે જ બંનેની કાર્ડિયો રેસ્પિરેટરી ફિટનેસ એટલે કે હૃદય અને ફેફસાની ક્ષમતામાં પણ સમાન સુધારો જોવા મળ્યો હતો, જે સાબિત કરે છે કે સમયના અભાવે અઠવાડિયામાં માત્ર એક દિવસ પ્રોપર વર્કઆઉટ કરીને પણ સંપૂર્ણ ફિટ રહી શકાય છે.