Thu Apr 30 2026

Logo

કચ્છી ચોવકઃ ...એ વાતને છાની રહેવા નથી દેતી!

2026-03-25 09:07:28
Author: કિશોર વ્યાસ
Article Image

કિશોર વ્યાસ

કોઈ વાત કેટલી વાર છાની રહી શકે? ન રહે. એમ કહેવાય છે કે ‘સ્ત્રીઓ પાસે તો વાત છાની રહી જ ન શકે!’ એમાં એ કહેવત કચ્છીમાં બની ગઈ ‘ત્રે પતે ભાછા બાર.’ આ ગયા અંકમાં વાચકો માટે મૂકેલો મુખવાસ છે. વાત પત્તાની રમતની છે, સીધો અર્થ એવો થાય કે, ત્રીજું પત્તું ખુલ (રોનની રમત) ત્યારે ‘ભાછા’ એટલે ‘બાદશાહ’ બહાર થઈ જાય. બહુ ગૂઢ છે આ કહેવત. ઠીક છે સામે ‘એકો’ આવે તો ‘ભાછા’ એટલે બાદશાહ  જેવા બાદશાહે કુરનિસ કરવી પડે! પણ કચ્છીમાં એ શા માટે બની હશે? ‘રોન’ની રમત ઘડીની હોય છે, બરાબર? ક્ષણોમાં ‘ભાછા’ અને ‘એકા’ની ખબર પડી જતી હોય છે. બસ તેવો જ ગર્ભિત અર્થ આ કહેવતમાં છે: ‘થોડી વારમાં છુપાયેલી વાત પણ બહાર આવી જશે!’

ઘણીવાર માણસની પાત્રતાની વાત આવતી હોય છે... કચ્છીમાં સરસ કહેવત ઘડાઈ છે:
‘ડેવ તેડી અઠાઈ, ને ગુડ તેડી મીઠાઈ’
મિત્રો, આમ જોવા જઈએ તો સીધોસાદો અર્થ એ થાય કે, ‘જેવા દેવ તેવી અઠાઈ, અને જેવો ગોળ (ગુણવત્તા) તેવી મીઠાઈ.’ અહીં ‘અઠાઈ’ જૈનોનો શબ્દ છે. પણ સાર્વત્રિક અર્થમાં લઈએ તો, હિંદુ ધર્મમાં દરેક દેવનાં ભાવતાં વ્યંજન (મીઠાઈ) અલગ અલગ હોય છે. જેમ કે, ગણપતિબાપાને ‘લાડુ’, કૃષ્ણને માખણ- મિશરી વગેરે વગેરે... પણ આ કહેવત માત્ર ‘પાત્રતા’ ‘યોગ્યતા’ માટે બની છે. અભિપ્રેત અર્થ એ છે કે, ‘જેવી જેની પાત્રતા, તેવાં મળે પરિણામ.’

કોઈને તમે કામ સોંપો, ખાસ કરીને કોઈ ઉત્સાહી નોકરને, પણ થાય શું, ખબર છે? એને કામ કરવાની એટલી તાલાવેલી (ઉતાવળ) હોય કે, એ જે કામ કરવા જાય તેમાં સફળતા ન મળે. એના માટે કચ્છીમાં એક પ્રસ્થાપિત ચોવક છે:

‘તકડો તેરો ફેરા પાછો વરે.’
દિશા, ઉદ્દેશ, હેતુ, પરિણામ આ બધી બાબતની કાળજી કર્યા વગર કામપૂર્ણ કરવા દોટ મૂકે, અને પછી, દિશા-સૂચન ભૂલી જાય. એ કામ પૂરું કરતાં આ ‘ચોવક’ પ્રમાણે, એ, તેર વખત પાછો ફરે...! કામ શું હતું એ પૂછવા આવે!

એમાં પાછા એવા અનુભવી પણ હોય જેને ઉપરોક્ત કહેવત લાગુ ન પડે. આપણે ઘણી વખત ‘તારા કરતાં મેં ઘણી દિવાળી જોઈ છે’ તેવી કહેવતનો ગુજરાતીમાં પ્રયોગ કરીએ છીએ. બસ એવી જ એક મસ્ત ‘ચોવક’ કચ્છીમાં છે.

‘તેરૉ તરાઈયેંજા પાણી પીંધલ’ મતલબ કે, દુનિયાના ફરનાર અને જાણકાર. ઘણા માણસો બહુ ક્રોધી હોય છે. કોઈવાર કોઈ પર બહુ ગુસ્સો આવે ત્યારે કચ્છી ચોવક તેને આ રીતે વ્યક્ત કરે છે:

‘જોડા વિજા સત, લૅખીયાં હિકડો’
ગુસ્સો તો એવો છે કે, સાત જોડાં ફટકારું પણ થાય એમ કે હજી એક જ જોડો માર્યો છે. આ વધુ પડતા ક્રોધને વ્યક્ત કરતી ચોવક છે.
એ એક માનસિકતા છે, કે, હતી, પણ લોકો બે પાંદડે થવા ભૂખ્યા રહેતા કે એક ટંક ખાતા. કચ્છી કહેવત એવી શિખામણ આપે છે કે:

‘ટક ટારે સે ટકા ન થીયેં’.
તમે એક ટક જમવાનું માંડી વાળો અને પૈસાદાર થવાનું સ્વપ્ન જુઓ તો એ ખોટું છે. અહીં પાછો ‘ટ’નો વર્ણાનુપ્રાસ પણ માણવા મળે છે. ન થવાય એ રીતે પૈસાદાર.
પૈસાદાર થવા માટે જે મહેનત કરવી પડે છે તેમાં તો ઘણી તકલીફ પડે છે. ‘ચોવક’ એમ કહે છે કે:

‘છઠી જો ધાવણ જાધ આયો.’ આમ જોવા જઈએ તો બાળકના જન્મ પછી ‘છઠી’ના સંસ્કાર હોય છે. વિધાતા લેખ લખવા પધારે ને એવું બધું, પણ છઠીનું ધાવણ કોને યાદ આવે? એ યાદ આવવું જેટલું મુશ્કેલ છે, તેટલું જ શ્રીમંત થવું મુશ્કેલ છે!
ચાલો, આજે અહીં જ અટકવું પડશે. પણ તમને મમળાવવા માટે મૂકી દઉ એક મસ્ત ચોવક:
‘ચોરજ્યૂં સો શતૂં, ધણીજી હિકડી રાત.’