Mon Aug 24 2026

Logo

ગુજરાતમાં લાખો મહિલાઓના જીવનમાં આશાનું કિરણ બની આ હેલ્પલાઇન

2026-03-07 14:34:00
Author: Mayur Patel
Article Image

ગાંધીનગરઃ ૮ માર્ચના રોજ મહિલા દિવસની ઉજવણી થશે. ગુજરાતની નારીશક્તિના સુરક્ષા કવચ '૧૮૧ અભયમ' સેવાના ૧૨ વર્ષ પૂર્ણ થશે. ૧૨ વર્ષમાં કુલ ૧૮.૧૦ લાખથી વધુ મહિલાઓને જરૂરી સલાહ અને માર્ગદર્શન આપી સશક્ત કરાઈ છે. તેમજ અત્યંત જોખમી પરિસ્થિતિમાં મુકાયેલી ૧,૦૯,૮૮૬ મહિલાઓનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કરી તેમને સુરક્ષિત આશ્રયસ્થાને પહોંચાડાઈ છે. ૧૮૧ મોબાઈલ એપના ‘પેનિક બટન’ અને ‘ફોન શેકિંગ’ જેવા ફીચર્સ મુશ્કેલીના સમયે ફોન કર્યા વગર પણ મહિલાઓને હેલ્પલાઈન સેન્ટર સુધી પહોંચાડે છે.

૮ માર્ચ ૨૦૧૫ના રોજ થયો હતો પ્રારંભ

મહિલાઓ વિરુદ્ધ થતી ઘરેલુ હિંસા હોય કે જાહેર સ્થળે થતી છેડતી, ગુજરાત સરકારે ટેકનોલોજી અને સંવેદનાનો સમન્વય સાધીને ૮ માર્ચ ૨૦૧૫ના રોજ ‘૧૮૧ અભયમનો રાજ્યવ્યાપી પ્રારંભ કર્યો હતો. આજે આ હેલ્પલાઈન માત્ર એક નંબર નથી, પણ લાખો મહિલાઓ માટે મજબૂત સુરક્ષા કવચ બની છે. છેલ્લા ૧૨ વર્ષમાં કુલ ૧૮,૧૦,૯૧૩ થી વધુ મહિલાઓને જરૂરી સલાહ અને માર્ગદર્શન પૂરું પાડીને તેમને સશક્ત કરવામાં આવી છે. આ સેવા માત્ર ફોન પૂરતી સીમિત ન રહેતા, ૩,૬૦,૯૬૪ જેટલા કિસ્સાઓમાં અભયમની ટીમે  ઘટના સ્થળ પર જઈને મહિલાઓને તાત્કાલિક મદદ પહોંચાડી છે.

આ ઉપરાંત ૧૮૧ ટીમની કુશળતાને કારણે ૨,૨૯,૬૬૦ કિસ્સાઓમાં કાઉન્સિલિંગ દ્વારા વિવાદોનો સ્થળ પર જ સુખદ નિકાલ લાવવામાં આવ્યો છે. સૌથી પ્રશંસનીય બાબત એ છે કે, અત્યંત જોખમી પરિસ્થિતિમાં મુકાયેલી ૧,૦૯,૮૮૬ મહિલાઓનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કરી તેમને સુરક્ષિત આશ્રયસ્થાન સુધી પહોંચાડવામાં આવી છે. 

અભયમ રેસ્ક્યુ વાન માત્ર વાહન નથી

ગુજરાત સરકારના ગૃહ વિભાગ અને મહિલા-બાળ વિકાસ વિભાગના અદભૂત સંકલનથી આજે રાજ્યની મહિલાઓ માટે ટેકનોલોજીથી સજ્જ એક અભેદ્ય સુરક્ષા માળખું તૈયાર થયું છે. ૨૪x૭ કાર્યરત આ સેવામાં મહિલા પોલીસ કોન્સ્ટેબલ અને તાલીમબદ્ધ કાઉન્સિલર્સની ટીમ દિવસ-રાત ફરજ નીભાવે છે. રાજ્યમાં દોડતી ૫૯ અત્યાધુનિક અભયમ રેસ્ક્યુ વાન માત્ર વાહન નથી, પણ જીપીએસ ટ્રેકિંગથી સજ્જ એક મોબાઈલ સુરક્ષા કેન્દ્ર છે, જે દેશભરમાં એક નવતર પહેલ ગણાય છે. 

'૧૮૧ મોબાઈલ એપ' માં છે આ ખાસ ફીચર્સ

ડિજિટલ યુગમાં મહિલાઓની સુરક્ષાને વધુ સ્માર્ટ બનાવતા '૧૮૧ મોબાઈલ એપ' માં આપવામાં આવેલા ‘પેનિક બટન’ અને ‘ફોન શેકિંગ’ જેવા ફીચર્સ મહિલાઓને મુશ્કેલીના સમયે ફોન કર્યા વગર પણ પોતાનું ચોક્કસ લોકેશન હેલ્પલાઈન સેન્ટર સુધી પહોંચાડે છે. આમ, પરંપરાગત મદદ અને આધુનિક ટેકનોલોજીના સંગમથી ગુજરાતની નારી આજે આત્મવિશ્વાસ સાથે પોતાને વધુ સુરક્ષિત અનુભવે છે.

આ હેલ્પલાઈન માત્ર હિંસા જ નહીં, પણ સાયબર ગુનાઓ, લગ્ન જીવનના વિખવાદો, કાનૂની જોગવાઈઓ અને સરકારી યોજનાઓની માહિતી પણ પૂરી પાડે છે. મહત્વની વાત એ છે કે, મદદ માંગનાર મહિલાની ઓળખ સંપૂર્ણપણે ગુપ્ત રાખવામાં આવે છે. ગુજરાતમાં રહેતી અન્ય રાજ્યની મહિલાઓ પણ આ સેવાનો નિ:શુલ્ક લાભ લઈ શકે છે.

નારી સુરક્ષા એ જ અમારી પ્રાથમિકતાના લક્ષ્યાંક સાથે ગુજરાત સરકાર કામ કરી રહી છે. આજે ૧૮૧ અભયમ હેલ્પલાઈન દ્વારા રાજ્યની દીકરીઓ અને મહિલાઓ ખરા અર્થમાં ‘અભય’ બનીને પ્રગતિના પંથે આગળ વધી રહી છે.