અમદાવાદઃ શહેરમાં વિજ્ઞાન, ગણિત અને ગમ્મત સાથે વિદ્યાર્થીઓ માટે ખાસ સાયકનો ફેસ્ટનું આયોજન કરવામાં આવ્યું છે. સ્થાનિકથી આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ ભાગ લેશે. દુબઈ-કતારના વિદ્યાર્થીઓ પણ સાયકનો ફેસ્ટ ૨૦૨૬માં ભાગ લેશે. ઇન્ટરેકિટવ પ્રોજેક્ટ્સ દ્વારા વિદ્યાર્થીઓ પોતાની પ્રતિભા રજૂ કરશે. રવિવાર, તા. 12 એપ્રિલ 2026ના રોજ ગુલમહોર ગ્રીન્સ ગોલ્ફ એન્ડ કન્ટ્રી ક્લબમાં આનું આયોજન કરવામાં આવ્યું છે.
શિક્ષણવિદ ડૉ. મેધા ભટ્ટ દ્વારા સ્થાપિત SciKnowTech એજ્યુકેશન ફાઉન્ડેશન તેનું લોકપ્રિય વિજ્ઞાન અને ગણિત કાર્નિવલ SciKnowFest 2026 જેમાં ધોરણ 2 થી 10 સુધીના વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરાયેલા 300 થી વધુ ઇન્ટરેકિટવ પ્રોજેક્ટ્સ અને કાર્યકારી મોડેલ્સ રજૂ કરવામાં આવશે.આ માત્ર પ્રદર્શન નથી, પરંતુ એક જીવંત શૈક્ષણિક અનુભવ છે—જ્યાં વિદ્યાર્થીઓ પ્રયોગો અને મોડેલ્સ દ્વારા વર્ગખંડના જ્ઞાનને વાસ્તવિક જીવન સાથે જોડે છે. આ પ્રકાર નુ અનુભવલક્ષી શિક્ષણ જે આવિષ્કાર તરફ દોરી જાય છે.
આ વિચારધારાને કેન્દ્રમાં રાખીને આ કાર્યક્રમ વિશ્વેષણાત્મક વિચારશક્તિ અને વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ વિકસાવવાનો પ્રયત્ન કરે છે. અમદાવાદ, મુંબઈ, ગાંધીનગર, સુરત અને વાપી સહિતના શહેરોના વિદ્યાર્થીઓ સાથે બાહરીન, દુબઈ અને કતારથી આંતરરાષ્ટ્રીય ભાગીદારી આ ઉત્સવને વૈવિધ્યસભર બનાવશે. NGO, ટ્રસ્ટ અને સરકારી શાળાઓના બાળકોની ભાગીદારી દ્વારા સમાવેશક અને સમાન શિક્ષણ પ્રત્યેની પ્રતિબદ્ધતા પણ વ્યક્ત થશે.
૩,૦૦૦ થી વધુ મુલાકાતીઓની અપેક્ષા સાથે, કાર્નિવલમાં પોષણ, ભૌતિક ગુણધર્મો, મેગ્નેટિઝમ, “મિનિટ ટુ વિન ઇટ” જેવી પ્રવૃત્તિઓ તેમજ વિવિધ ઇન્ટરેકિટવ રમતો દ્વારા શિક્ષણને રસપ્રદ બનાવવામાં આવશે. દા વિન્ચી બ્રિજ, કેલિડોસ્કોપ્સ, રોલર કોસ્ટર પાછળનું વિજ્ઞાન, ફોરેન્સિક વિજ્ઞાન અને લેગો આધારિત સર્જનાત્મક માળખાં જેવા પ્રદર્શનોએ મુલાકાતીઓને વિશેષ આકર્ષણ પૂરું પાડશે. આ પ્લેટફોર્મ વિદ્યાર્થીઓને પોતાના વિચારો આત્મવિશ્વાસપૂર્વક રજૂ કરવાની તક આપશે.