Fri May 01 2026

Logo

નેપાળમાં સરકાર બદલાતા જ પૂર્વ પીએમ કેપી શર્મા ઓલીની ધરપકડ

Kathmandu   2026-03-28 08:44:00
Author: MayurKumar Patel
Article Image

કાઠમંડુઃ નેપાળમાં નવી સરકાર બનતાં જ રાજકીય હલચલ તેજ થઈ છે. વડા પ્રધાન બાલેનના નેતૃત્વમાં બનેલી સરકારે શપથ લીધાના 24 કલાકની અંદર જ મોટો નિર્ણય લેતાં પૂર્વ વડા પ્રધાન કેપી શર્મા ઓલી અને પૂર્વ ગૃહપ્રધાન રમેશ લેખકની ધરપકડ કરી છે. સત્તા પરિવર્તન બાદ આ ધરપકડથી નેપાળની રાજનીતિમાં હલચલ તેજ થઈ છે.

કાઠમંડુ વૈલી પોલીસ અનુસાર, બંનેની સવારે ધરપકડ કરવામાં આવી છે અને આગળની કાનૂની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. સરકારે સ્પષ્ટ કર્યું છે કે, આ કાર્યવાહી કોઈ બદલાની ભાવનાથી નહીં પરંતુ કાનૂન અંતર્ગત કરવામાં આવી રહી છે. જ્યારે ઓલીએ આ ધરપકડને રાજકીય બદલાની ભાવનાની કાર્યવાહી ગણાવી છે અને કાનૂનની લડાઈની વાત કરી છે.

ગત વર્ષે વિરોધ પ્રદર્શન બાદ ભડકી હતી હિંસા

નેપાળમાં ગત વર્ષે મોટા પાયે ભ્રષ્ટાચાર વિરોધી પ્રદર્શન થયા હતા. તેને જેન ઝી વિરોધ પ્રદર્શન ગણાવાયું હતું. આ દેખાવો બાદ અચાનક હિંસા ભડકી હતી અને બે દિવસની અંદર 70થી વધારે લોકોના મૃત્યુ થયા હતા. હિંસા બાદ ઓલી સરકાર પર ગંભીર સવાલ ઉઠ્યા હતા અને સરકાર પણ ગઈ હતી. આ ઘટનાએ દેશની રાજનીતિને સંપૂર્ણ રીતે બદલી નાંખી હતી.

ઉચ્ચ સ્તરીય તપાસ સમિતિએ તેના રિપોર્ટમાં કહ્યું કે, તે સમયે સર્વોચ્ચ પદ પર બેઠેલા લોકોએ સ્થિતિને સંભાળવામાં બેદરકારી દાખવી હતી. આલોી અને રમેશ લેખક સહિત અનેક અધિકારીઓને જવાબદાર ગણાવાયા હતા અને તેમની સામે મોટા કાર્યવાહી કરવાની ભલામણ કરી હતી. રિપોર્ટમાં મહત્તમ 10 વર્ષની સજાની ભલામણ કરવામાં આવી હતી, જે બાદ નવી સરકારે તેને લાગુ કરવાનો નિર્ણય કર્યો હતો.

રિપોર્ટમાં નેપાળ પોલીસના તત્કાલીન મહાનિરીક્ષક ચંદ્ર કુબેર ખાપુંગનું નામ પણ સામેલ છે. આ સ્થિતિમાં આગામી દિવસોમાં અનેક ધરપકડ થઈ શકે છે. આ મામલો હવે નેપાળની રાજનીતિ અને કાયદા વ્યવસ્થા માટે મોટી પરીક્ષા બની ગયો છે.

નવી સરકારનું શું છે વલણ

નેપાળની નવી સરકારના ગૃહ પ્રધાન સુદન ગુરુંગે કહ્યું કે, વાયદા તો વાયદા હોય છે અને કાયદાથી ઉપર કોઈ નથી. તેણે કહ્યું કે, આ પગલું ન્યાયની દિશામાં પ્રથમ પગલું છે અને દેશને નવી દિશા આપવાની કોશિશ છે. સરકારનું કહેવું છે કે, તેઓ દોષિતોને કોઈપણ હાલતમાં છોડશે નહીં અને કાયદો તેનું કામ કરશે.