Mon Jul 27 2026

Logo

ઈન્સ્ટાગ્રામમાં આજથી મોટો ફેરફાર: એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્શન હટાવાયું, શું હવે તમારી પર્સનલ ચેટ્સ સુરક્ષિત છે? જાણી લો એક્સપર્ટ્સ પાસેથી...

2026-05-08 14:25:00
Author: Darshana Visaria
Article Image

હાલમાં જો તમે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર જોયું હશે તો તમને એવી અનેક રીલ્સ અને પોસ્ટ દેખાઈ હશે જેમાં જાણીતા કન્ટેન્ટ ક્રિયેટર્સની આઈડી સસ્પેન્ડ થઈ ગઈ હોય. જોકે, આ સિવાય પણ ઈન્સ્ટાગ્રામ યુઝર્સની પ્રાઈવસીને લઈને એક મહત્વના સમાચાર સામે આવ્યા છે. મેટાએ આજથી એટલે કે આઠમી મે, 2026થી ઈન્સ્ટાગ્રામ પર એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્શન ફીચરને ઓફિશિયલી બંધ કરી દીધું છે. ચાલો જાણીએ શું છે આખો મામલો...

સૌથી પહેલાં તો વાત કરીએ કે આખરે આ એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્શન હટાવવું એટલે શું એની તો અત્યાર સુધી ઈન્સ્ટાગ્રામ પર ઓપ્શનલ એન્ક્રિપ્શન ફીચર હતું, જેનો અર્થ એ હતો કે તમારા મેસેજ મોકલનાર અને મેળવનાર સિવાય ત્રીજું કોઈ (મેટા પોતે પણ નહીં) વાંચી શકતું નહોતું. પરંતુ હવે આ ફીચર દૂર કરાતા ઈન્સ્ટાગ્રામ પર હવે ચેટિંગ માટે માત્ર 'સ્ટાન્ડર્ડ એન્ક્રિપ્શન' જ રહેશે. 

ટેકનિકલ દૃષ્ટિએ જોવા જઈએ તો , હવે જરૂર પડ્યે ઈન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર કે મેટા જેમ કે જીમેલ કે અન્ય સર્વિસમાં હોય છે એ રીતે ઈન્સ્ટાગ્રામ પરના મેસેજ કન્ટેન્ટને એક્સેસ કરી શકશે. મેટા દ્વારા લેવામાં આ પગલાંને કારણે ઘણા યુઝર્સમાં ડર છે કે આનાથી એકાઉન્ટ હેક થવાનું જોખમ વધશે. 

નિષ્ણાતોના મતે આ નવા ફેરફારથી તમારા એકાઉન્ટ લોગઈન, પાસવર્ડ કે ટુ-ફેક્ટર ઓથેન્ટિકેશન (2FA)ની મજબૂતી પર કોઈ અસર નહીં પડે. તેથી એકાઉન્ટ હેક કરવું સરળ નહીં બને. જોકે, આને કારણે પ્રાઈવસી પર ચોક્કસ અસર પડશે. જો કોઈ હાઈ-લેવલ ડેટા લીક કે સરકારી તપાસની જરૂર પડે, તો મેસેજ વાંચી શકાય તેવું જોખમ વધી શકે છે.

મેટાએ આ નિર્ણય કેમ લીધો એની વાત કરીએ તો મેટાના જણાવ્યા અનુસાર ઈન્સ્ટાગ્રામ પર આ ફીચરનો ઉપયોગ કરનારા લોકોની સંખ્યા ખૂબ જ ઓછી હતી. ખૂબ ઓછા લોકો 'ઓપ્ટ-ઈન' કરીને એન્ક્રિપ્ટેડ ચેટ કરતા હતા, જેના કારણે કંપનીએ તેને હટાવવાનો નિર્ણય લીધો છે. જોકે, વોટ્સએપમાં આ ફીચર પહેલાની જેમ જ ચાલુ રહેશે.

હવે તમે શું કરી શકો તમારા જૂની કે મહત્ત્વની ચેટ્સને બચાવવા માટે તો જો તમારી પાસે કોઈ જૂની કે મહત્વની એન્ક્રિપ્ટેડ ચેટ્સ હોય, તો ઈન્સ્ટાગ્રામ તેને ડાઉનલોડ કરવાનો વિકલ્પ આપી રહ્યું છે. જો તમને હજુ પણ હાઈ-લેવલ પ્રાઈવસીની જરૂર હોય, તો પર્સનલ ચેટ માટે વોટ્સએપ કે સિગ્નલ (Signal) જેવી એપ્સનો ઉપયોગ કરવો હિતાવહ છે.