ગૌરવ મશરૂવાળા
હું એક પ્રોફેશનલને ઓળખું છું. એ અને એમની પત્ની કાયમ પાર્ટી આપવાના મૂડમાં જ હોય છે. વર્ષમાં કમસે કમ છથી આઠ વખત તેમના તરફથી મને પાર્ટીનું આમંત્રણ મળે છે. ક્યારેક કોઈ ઇવેન્ટ હોય, ક્યારેક કોઈ સિદ્ધિની ખુશાલી લોકો સાથે શેર કરવાની હોય. લાંબા વેકેશન પર જતાં પહેલાં તેઓ પાર્ટી ગોઠવશે, પ્રવાસેથી પાછાં ફર્યા બાદ નવેસરથી પાર્ટી આપશે. બન્નેનાં જન્મદિવસ, લગ્નની એનિવર્સરી અને મોટા તહેવારોની પાર્ટી તો ખરી જ.
ગયા વર્ષે મને એક આમંત્રણપત્રિકા મળી હતી, જેમાં લખ્યું હતું કે હૉસ્પિટલમાં એડમિટ થયેલા મિત્રના સસરા સાજા થઈને ઘરે પાછા ફર્યા છે તેની ખુશાલીમાં પાર્ટી યોજી છે. મેં પૂછ્યું કે સસરાને શું બીમારી હતી, તો જવાબ મળ્યો કે એમની કિડનીમાં પથરી થઈ ગયેલી જે સર્જરીથી દૂર કરાવી છે. મારો પછીનો સવાલ હતો, ‘શું ઉંમર છે એમની?’મારા મનમાં વિચાર એ આવેલો કે કિડનીમાં થી પથરી દૂર કરવી એ કંઈ જીવનમરણનો જંગ નથી, તેથી જો સસરાજી અતિવૃદ્ધ ન હોય તો પાર્ટી આપવાની જરૂર શું છે?’ એમણે જવાબ આપ્યો, ‘અમારે તો બસ એમ જ પાર્ટી આપવી હતી.’
અમે કૉલેજમાં ભણતા હતા ત્યારે નવી રિલીઝ થઈ રહેલી ફિલ્મને પહેલા જ દિવસે જોઈ લેવાનો જબરો ક્રેઝ હતો. જુવાનિયાઓએ એક ગ્રૂપ બનાવ્યું હતું જેનું નામ ‘ફર્સ્ટ ડે ફર્સ્ટ શો ક્લબ’. બે-ત્રણ ફિલ્મો એક જ દિવસે રિલીઝ થઈ હોય તો બધી ફિલ્મો પહેલા જ શુક્રવારે બૅક-ટુ-બૅક જોઈ કાઢતાં. પરિક્ષાના દિવસોમાંય આ પરંપરા તૂટતી નહીં.
મારા એક કઝિનનાં સાસુ-સસરા નિત્યપ્રવાસી છે. સરસ ગોઠવાયેલું એમનું જીવન છે. બધાં સંતાનો સારી રીતે સેટલ થઈ ચૂક્યાં છે. પૈસાની કોઈ સમસ્યા નથી અને સમય પુષ્કળ છે. શરીર પણ પ્રવાસ ખેડી શકે એવું તંદુરસ્ત છે. તમે એમને જ્યારે જુઓ ત્યારે કાયમ આગલા પ્રવાસનું આયોજન કરતાં હોય. અરે, હજુ તો એક પ્રવાસ ચાલુ હોય ત્યાં પછીના પ્રવાસ માટે હોટલ રિઝર્વેશન કરાવવા નું શરૂ કરી દે. કેટલીય વાર એવું બન્યું છે કે તેઓ વિદેશનો પ્રવાસ પૂરો કરી ભારત આવે, માંડ એકાદ-બે દિવસનો બ્રેક લે ને પાછાં કોઈ નવા સ્થળના પ્રવાસે ઊપડી જાય.
લેટેસ્ટ ફેશનનાં કપડાં, એક્સેસરીઝ, હેન્ડબૅગ, મોબાઈલ ફોન અને બીજાં ગેજેટ્સ વગેરે માર્કેટમાં મૂકાતાની સાથે જ ખરીદવા માટે દોટ મૂકનારા શોખીનોને આપણે જોયા છે. એ જ પ્રમાણે, કહેવાતા ‘રેસ્ટોરાં કનોસોર’ એટલે કે સ્વાદ પારખવામાં એક્સપર્ટ લોકો પણ હોય છે. શહેરમાં નવી રેસ્ટોરાં ખૂલે એટલે આ લોકો ત્યાં પહોંચી ગયા જ સમજો.
ઉપર ગણાવી તે પ્રવૃત્તિઓમાં ક્ષણજીવી આનંદની શક્યતા જરૂર છે. ઘરે પાર્ટી ગોઠવી હોય એટલે પહેલાં તો યજમાન એની તૈયારીઓમાં વ્યસ્ત થઈ જાય. પછી પાર્ટીમાં મહેમાનો આવે, હળવા-મળવાનું થાય. હસી-મજાક અને પ્રસન્નતાનો માહોલ જામે, લોકો યજમાનને પ્રશંસાના બે-ચાર શબ્દો કહે; પણ જેવી પાર્ટી ખતમ થાય કે ઊભરો શમી જાય. આથી તરત યજમાન નવી પાર્ટીનું આયોજન શરૂ કરી દે કે જેથી આનંદ-પ્રશંસાની લાગણી નવેસરથી અનુભવી શકાય.
ફર્સ્ટ ડે ફર્સ્ટ શોમાં ફિલ્મ જોવા ધસી જતા કે નવી રેસ્ટોરાં ખૂલતાંની સાથે ત્યાંની ડિશ ટ્રાય કરવા ઉતાવળા થતા કે લેટેસ્ટ ફેશનનાં કપડાં-ગેજેટ્સ ખરીદવાનો ક્રેઝ ધરાવતા લોકોની માનસિકતા આવી જ હોય છે. પેલા કહેવાતા સ્વાદ એક્સપર્ટ પોતાને ત્યાં આવે એટલે રેસ્ટોરાંનો માલિક એની ખાસ આગતાસ્વાગતા કરશે. શેફ અંદરથી આવીને એને મળી જાય અને કદાચ એના ટેસ્ટ પ્રમાણે સ્પેશ્યલ ડિશ પણ તૈયાર કરે. પછી સગાંવહાલાં અને મિત્રો એમને ફોન કરીને રેસ્ટોરાંમાં જવા જેવું છે કે કેમ તે વિશે અભિપ્રાય માગે. ઊંધું ઘાલીને પ્રવાસ કરનારાઓને પણ આ પ્રકારનું અટેન્શન મળતું હોય છે.
અલબત્ત, જો આ બધી પ્રવૃત્તિઓ જે-તે વ્યક્તિને આર્થિક રીતે પરવડતી હોય, તે કરવા માટે શરીર સાથ આપતું હોય અને એનાથી બીજા કોઈને નુકસાન ન પહોંચતું હોય તો બહારના લોકોને એમાં કશું ખોટું લાગતું નથી. હું પોતે પણ આવું જ માનું છું. અલબત્ત, આ બધી એક્ટિવિટી કરવાથી આંતરિક આનંદનો અનુભવ થાય છે કે કેમ તે તો એ વ્યક્તિ જ કહી શકે. અમુક કિસ્સામાં નજીકથી જોતાં લાગે કે આ લોકો જરાક વધારેપડતું કરી રહ્યા છે.
હું કદાચ તેમનો ન્યાય તોળવા બેઠો હોંઉં તેવું લાગશે, પણ અહીં મુદ્દો તમને એ વાતે સચેત કરવાનો છે કે ક્યાંક તમેય આ પ્રકારની જાળમાં ફસાઈ રહ્યા નથી ને? કિડની સ્ટોનની સર્જરીની સફળતા બદલ પાર્ટી આપવાથી, પરીક્ષાના દિવસોમાંય થિયેટરમાં ફિલ્મો જોવાનું બંધ ન કરવાથી કે બે પ્રવાસોની વચ્ચે પૂરા બે દિવસનોય વિરામ ન લેવાથી પરમ સુખની અનુભૂતિ ન પણ થાય.
વાસ્તવમાં, આ બધી બાહ્ય પ્રવૃત્તિઓ માત્ર થોડા સમય માટે આનંદ આપે છે. એનાથી લોકોનું ધ્યાન પણ ખેંચાય છે. ઇન ફેક્ટ, અમુક લોકો આ પ્રવૃત્તિઓ કરવાનું જો બંધ કરે તો બેચેની અનુભવવા લાગે છે કેમ કે બીજાઓના અટેન્શનની તેમને આદત પડી ગઈ હોય છે.
એ યાદ રાખવું જરૂરી છે કે આપણે ઉપભોગ કરવાની અવસ્થામાં હોઈએ છીએ ત્યારે અંતહિન આંતરિક સુખનું મહત્ત્વ ભુલાઈ જવાય છે. જ્યારે શરીર કે ધન-દોલત આ બધી પ્રવૃત્તિઓ કરવા માટે સાથ આપવાનું બંધ કરે ત્યારે જ આપણે ખુદની ભીતર આનંદ શોધવાનું શરૂ કરીએ છીએ. તો આવી સ્થિતિ આવે ત્યાં સુધી રાહ શા માટે જોવાની? આંતરિક સુખ કાયમી છે, એ હંમેશ માટે ટકી રહે છે અને શ્રેષ્ઠ બાબત તો એ છે કે તેને પ્રાપ્ત કરવા માટે પૈસા ખર્ચવાની જરૂર હોતી નથી.
યોગિક વેલ્થ
જે ક્ષણથી બ્રાન્ડ માણસની ઓળખ બની જાય છે ત્યારથી અંતની શરૂઆત થઈ ગઈ સમજવી. તે પછી એને લોકો એણે વાપરેલી બ્રાન્ડ્સથી યાદ રાખશે, એના અસલી વ્યક્તિત્વથી નહીં.