પગાર વધારાની માંગ સાથે સ્ટીલ પ્લાન્ટમાં ભારે તોડફોડ
સુરતઃ સુરતના હજીરા સ્થિત આર્સેલર મિત્તલ નિપ્પોન સ્ટીલ પ્લાન્ટમાં ભારે હોબાળો સર્જાયો હતો. કંપનીમાં કામ કરતા 5000 જેટલા કર્મચારીઓ તોફાને ચડ્યાં અને ભારે તોડફોડ માચાવી હતી. સૂત્રોના જણાવ્યાં પ્રમાણે એલ એન્ડ ટીના કોન્ટ્રાક્ટ કર્મચારીઓએ પગાર વધારો અને વર્ષો જુની માંગણીઓને લઈને ભારે હોબાળો મચાવ્યો હતો. કંપની દ્વારા કર્મચારીઓને શાંત કરવા માટે પ્રયત્ન કરવામાં આવ્યો પરંતુ સ્થિતિ કાબૂમાં ના રહેતા પોલીસને જાણ કરવી પડી હતી.
સ્થિતિ કાબૂમાં લેવા 40 ટીયરગેસના શેલ છોડાયા
પોલીસે આ કર્મચારીઓને શાંત કરવા માટે પહેલા લાઠીચાર્જ કર્યો હતો, તેમ છતાં પણ સ્થિતિ કાબૂમાં ના આવતા 40 જેટલા ટીયરગેસના શેલ છોડ્યાં ત્યારે મામલો શાંત થયો હતો. સૂત્રોના જણાવ્યાં પ્રમાણે એલએન્ડટીના 5000 જેટલા કોન્ટ્રાક્ટના કર્મચારીઓએ પનીમાં રહેલા વાહનોને તોડી આગ લગાવી હતી. આ સાથે કંપનીની ઓફિસોમાં પણ તોડફોડ કરી હતી. જેના કારણે કંપનીને ભારે નુકસાન થયું હોવાનો અંદાજ છે, જો કે, નુકસાનનો સત્તાવાર આંકડો કંપની દ્વારા જાહેર કરવામનાં આવ્યો નથી.
માંગણીઓ મામલે કંપનીએ શું કહ્યું?
કર્મચારીઓની આ માંગણીઓ મામલે કંપનીનું કહેવું છે કે, ગુજરાત સરકાર દ્વારા લેબર કોડનું નોટિફિકેશન લાગુ કરવામાં આવશે ત્યારે તેના તમામ નિયમો તાત્કાલિક અસરથી લાગુ કરી દેવામાં આવશે. પગાર વધારાની લાંબા સમયથી પડતર માંગણીઓ અને કામના કલાકોમાં કરવામાં આવેલો વધારો આ આક્રોશ પાછળનું મુખ્ય કારણ હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. આ કર્મચારીઓએ ત્રણ ફાયર ફાઇટર ગાડીઓમાં તોડફોડ કરીને ચાર જેટલા બાઈકને આગ લગાવી હતી, આ સાથે કંપનીના અત્યાધુનિક મશીનોને તોડી નાખવામાં આવ્યાં હતાં. હિંસક વિરોધ પ્રદર્શનમાં પોલીસ કર્મચારીને પણ ઈજા પહોંચી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
40થી વધુ શ્રમિકોની અટકાયત પણ કરાઈ
આ 5000 હજારથી વધુ કર્મચારીઓને કાબૂમાં લેવા માટે પહેલા તો પોલીસે લાઠીચાર્જ કર્યો અને 40થી વધુ ટીયર ગેસના સેલ છોડ્યાં હતાં. આ સાથે પોલીસ દ્વારા 40થી વધુ શ્રમિકોની અટકાયત પણ કરવામાં આવી હોવાનું પણ સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. અત્યારે પણ સ્થિતિ વધારે વિકટ ના બને તે માટે પોલીસ દ્વારા ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.