ગ્લાસગો (સ્કૉટલૅન્ડ): શનિવારે અહીં કૉમનવેલ્થ ગેમ્સમાં બૉવ્લ્સ નામની રમતની સતત ત્રીજી મૅચમાં ભારતની મહિલા ટીમને વિજય મેળવીને સનસનાટી મચાવી દીધી હતી. હવે આ ટીમની સેમિ ફાઇનલની એન્ટ્રી વધુ સરળ થઈ ગઈ છે. પેર્સ (જોડી)ની ઇવેન્ટમાં ભારતને રૂપા રાની તિર્કે અને પિન્કી સિંહે વિજય અપાવ્યો હતો અને નવાઈની વાત એ છે કે આ બે ઍથ્લીટ સહિતની આ રમતોત્સવની ચારેય ભારતીય ઍથ્લીટ અલગ-અલગ વ્યવસાયની છે.
ભારતની મહિલા ટીમમાં રૂપા રાની સિંહ અને પિન્કી સિંહ, નયનમોની સૈકિયા સહિત ચાર ખેલાડીનો સમાવેશ છે અને તેમનામાંથી એક ઍથ્લીટ પોલીસ કૉન્સ્ટેબલ, બીજી ટીચર, ત્રીજી જંગલની અધિકારી અને ચોથી ખેલકૂદની અધિકારી છે. આ ટીમમાં લવલી ચૌબે પણ સામેલ છે.

ભારતની મહિલા બૉવ્લ્સ (BOWLS) ટીમે પહેલી મૅચમાં માલ્ટાને ટાઇબે્રકરમાં અને બીજી મૅચમાં સાઉથ આફ્રિકાની ચડિયાતી ટીમને 2-0 (6-4, 7-5)થી હરાવી હતી અને ત્યાર બાદ શનિવારે ટૉન્ગાને ટાઇબ્રેકરમાં 2-0થી હરાવી દીધી હતી.
બૉવ્લ્સ નામની રમતમાં સ્પર્ધક પોતાના હાથમાં જે બૉલ હોય એને નિશ્ચિત અંતરે પડેલા જૅક તરીકે ઓળખાતા નાના બૉલની બને એટલો નજીક પહોંચાડવાનો પ્રયાસ કરે છે. આ રમતમાં ઘાસ કે સિન્થેટિક ટર્ફ પર સિંગલ્સની, ડબલ્સની કે ટ્રિપલ્સની તેમ જ ચાર ખેલાડીઓની ગેમ રમાય છે.