Mon Oct 05 2026

Logo

ઈન્વેસ્ટમેન્ટ વર્લ્ડ : વૈશ્વિક જોખમી પરિબળોના સંજોગોમાં ઈન્વેસ્ટમેન્ટની તક મળે ત્યારે કેવા સ્માર્ટ બનશો?

2026-09-13 08:48:00
Author: Jayesh Chitaliya
ઈન્વેસ્ટમેન્ટ વર્લ્ડ : વૈશ્વિક જોખમી પરિબળોના સંજોગોમાં ઈન્વેસ્ટમેન્ટની તક મળે ત્યારે કેવા સ્માર્ટ બનશો?

 

 

 

 

એનએસઈના આઈપીઓનું કાઉન્ટડાઉન ચાલુ થયું છે. ત્યારે અનેકવિધ વૈશ્વિક સમસ્યાઓ વચ્ચે આપણા દેશનું અર્થતંત્ર મજબૂત હોવાનાં આંકડાની હાલ કોઈ પોઝિટિવ અસર જણાતી નથી ત્યારે શું કરવું? 

 

- જયેશ ચિતલિયા

 

વરસ 2026-27ના પ્રથમ કવાર્ટરમાં દેશે વિવિધ પડકારો વચ્ચે પણ 7.8 ટકાનો વૃદ્ધિ દર હાંસલ કર્યો છે, જે રોકાણ જગત માટે મોટો આશાવાદ જગાડ્યો છે. આ કવાર્ટરમાં સર્વિસ સેકટરે 10 ટકા જેવો ઊંચો ગ્રોથ પ્રાપ્ત કર્યો છે. આમ હવે ભારતનું સર્વિસ સેકટર ગ્રોથનું એન્જિન બની રહ્યું છે. ઉત્પાદન ક્ષેત્ર, બાંધકામ ક્ષેત્ર, હોટેલ્સ, ટ્રાન્સપોર્ટ, કોમ્યુનિકેશન અને બ્રોડકાસ્ટિંગ સંબંધી સર્વિસીસ સેગમેન્ટ, કૃષિ અને ફોરેસ્ટ્રી, ફિશીંગ ક્ષેત્ર, ફાઇનાન્સિયલ, રિઅલ એસ્ટેટ, પ્રોફેશનલ સર્વિસીસ, જાહેર વહીવટ, ડિફેન્સ અને અન્ય સર્વિસીસનો વિકાસદર બહેતર નોંધાયા છે. માત્ર માઈનિંગ સેકટર નબળું રહ્યું છે. આ વૃદ્ધિના આંકડાનું મહત્ત્વ વિશેષ નોંધપાત્ર એ માટે ગણાય કે આખું વિશ્વ વેસ્ટ એશિયાના તનાવનો સામનો કરી રહ્યું છે, ક્રૂડ-એનર્જીના ભાવો આડેધડ વધી રહ્યા છે ત્યારે ભારતની ઈકોનોમિક ગ્રોથ સ્ટોરી તમામ પડકારોનો સામનો કરતા આગળ વધી રહી છે.

 

ફોરેક્ષનો પ્રવાહ

 

દરમિયાન રિઝર્વ બૅન્કે ડૉલરનો પ્રવાહ આકર્ષવા માટે ફોરેન કરન્સી એનઆરઆઈ બૅન્ક ડિપોઝિટ માટે વધુ વ્યાજદર ઓફર કર્યા હતા, તેને અચ્છો પ્રતિભાવ પ્રાપ્ત થયો છે. આ પ્રવાહ સૌથી વધુ યુએઈ, સિંગાપોર અને હોંગકોંગથી આવ્યો છે. આ કલેકશન ભારતની ઈકોનોમીમાં અને બૅન્કિંગ સિસ્ટમમાં વિશ્વાસની સાક્ષી પૂરે છે. રિઝર્વ બૅન્ક પાસે એફસીએનઆર (બી) બૅન્ક ડિપોઝિટ 127 અબજ ડૉલર પહોંચી છે, જે એક વિક્રમ ગણાય. આ પોઝિટિવ સંજોગોને ધ્યાનમાં રાખી જપાન ક્રેડિટ રેટિગ એજન્સીએ ભારતનું સોવરિન રેટિગ અપગ્રે઼ડ કર્યું છે.

 

માર્કેટ વોલેટિલિટી ઘટી

 

શૅરબજારની વાત છે ત્યાં રોજેરોજની વધઘટ અગાઉ કરતાં સ્થિર થઈ છે. તેમ છતાં ગ્લોબલ અનિશ્ચિંતતા વિશે વિચારીને જેઓ રોકાણ કરવાનું ટાળતા હોય તો તેમણે કમસે કમ ભારતીય ઈકોનોમીની ગતિવિધિ પર વિશ્વાસ રાખવો જોઈએ, જેની હકીકત છેલ્લા એકાદ વરસના કપરાં સમયમાં પણ વૃદ્ધિના પોઝિટિવ આંકડાઓ દર્શાવે છે. લોંગટર્મ રોકાણ માટે સમય-સંજોગ ઉત્તમ કહેવાય. અલબત્ત, સિલકેટિવ બનવું પણ જરૂરી.

 

એફપીઆઈનો આશાસ્પદ પ્રવાહ

 

વધુ એક પોઝિટિવ હકીકતમાં ફોરેન ઈન્વેસ્ટર્સ ભારતીય માર્કેટમાં રોકાણ માટે પાછાં સક્રિય થઈ રહ્યા છે. છેલ્લા બે જ મહિનામાં 50 જેટલા નવા એફપીઆઈ (ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટર્સ) સેબીમાં રજિસ્ટર્ડ થયા છે. જયારે કે 2026ના પ્રથમ છમાસિક ગાળામાં કુલ બાવન ફંડસ (એફપીઆઈ) નોંધાયા હતા. આમ કુલ ફોરેન ફંડસની સંખ્યાં સેબીના રેકોર્ડમાં 12 હજાર ઉપર પહોંચી ગઈ છે. એફપીઆઈ અને એફઆઈઆઇ સતત લાંબો સમય નેટ સેલર્સ રહ્યા બાદ હવે નેટ બાયર્સ બનતા જાય છે અથવા સેલ્સ ઘટવા લાગ્યું છે. એફપીઆઈની બાબતે એક વધુ વાત પણ નોંધવી રહી, તેઓ સેક્નડરી માર્કેટમાં નેટ સેલ્સ કરી રહ્યા હતા અને હજી પણ કરી રહ્યા છે ત્યારે તેમણે ભારતીય કંપનીઓના આઈપીઓમાં રોકાણ કરવાનું રાખ્યું હતું. આશરે 4.9 અબજ ડૉલર (45800 કરોડ રૂપિયા)નું રોકાણ તેમણે આઈપીઓમાં કર્યું. જોકે તેમનું આ વધુ રોકાણ જુલાઈ-ઓગસ્ટમાં આવ્યું છે.

 

આઈપીઓનો કરન્ટ

 

હવે આ મહિનામાં એનએસઈ ઉપરાંત પણ સંખ્યાબંધ આઈપીઓ માર્કેટમાં આવશે, એનએસઈ એકલું 30 હજાર કરોડ રૂપિયા ઊભા કરી જશે. જયારે બાકીના આઈપીઓનું લક્ષ્ય અંદાજિત 25000 કરોડ રૂપિયા ઊભા કરવાનું છે. આ આઈપીઓની સાઈઝ 1000 કરોડથી પાંચ હજાર કરોડ રૂપિયા સુધીની છે. આ કંપનીઓમાં મિડ-સાઈઝડ અને લાર્જ-સાઈઝડ કંપનીઓ છે. આ આઈપીઓનો આ પ્રવાહ પણ સેન્ટિમેન્ટના સુધારાનું પ્રતિબિંબ છે. આ વરસે પ્રથમ છ મહિના માર્કેટ માટે યુએસ-ઈરાન અને ઓવરઓલ ગ્લોબલ માહોલમાં આઈપીઓ લાવવા માગતી કંપનીઓને રિસપોન્સ વિશે ચિંતા હતી, પણ  હવે બદલાયેલા સંજોગો અને સેન્ટિમેન્ટમાં આશા વધી રહી છે. જોકે રોકાણકારોએ આઈપીઓને લઈને સાવચેત અને સિલેકટિવ રહેવામાં વધુ સાર રહેશે. એ જ રીતે સેક્નડરી માર્કેટમાં પણ ખરીદી વખતે ફંડામેન્ટલ્સ પર જ વધુ ભાર મૂકવામાં શાણપણ રહેશે. અમુકના કેસમાં પ્રાઈસ ફેકટર કે વેલ્યૂએશન જોવું મહત્ત્વનું બને છે,  કારણ કે દર વખતે તેજી યા આશાના માહોલમાં ઘોડાં ભેગા ગધેડા ઘૂસી જતા જ હોય છે.

 

ચિંતાનાં પરિબળ પણ ખરાં

 

ઈકોનોમીનો ગ્રોથ સારી વાત છે, પરંતુ આ સાથે વધતી મોંઘવારીની કે સંભવિત વ્યાજદરના વધારાની ચિંતા પણ કરવી પડે. યુએસ-ઈરાનના યુદ્ધની અસર ક્રૂડ અને કરન્સીની ચિંતા વધારતી જાય છે. બજાર નેગેટિવ પરિબળોને અને ઘટાડાને તરત સ્વીકારી લે છે. બીજીબાજુ સરકાર અને રિઝર્વ બૅન્કના સંકેત કહે છે કે વધુ રિફોર્મ્સ પણ આવશે. મ્યુચ્યુઅલ ફંડસ પાસે આવતો રોકાણ પ્રવાહ અને ફંડસ તરફથી માર્કેટમાં આવતો રોકાણ પ્રવાહ બહુ મોટો સપોર્ટ છે.

મિડકેપ અને સ્મોલ કેપ સ્ટોકસમાં પણ સુધારો જોવાયો છે. અમેરિકાની ઈકોનોમી અને એની ગતિવિધિ પર પણ નજર રાખવી જોઈશે, જેની અસર સતત રહે છે. AIનું પરિબળ પણ  ચિંતાનું જ ગણાય.

 

માર્કેટને લાંબા ગાળા માટે જુઓ

 

જોકે ઈકોનોમી મજબૂત અને ઊંચો વિકાસદર છતાં શૅરબજાર ઘટવાનું કારણ યુએસ બોન્ડસની ઊંચા વ્યાજની ઓફર પણ છે, જયાં ગ્લોબલ ઈન્વેસ્ટર્સ ખેંચાય છે. લોકો આઈપીઓ માટે પણ નાણાં રાખી મૂકી રહ્યા છે. જોકે આ શોર્ટટર્મ કારણો ગણાય. સ્ટોક માર્કેટનો સવાલ છે ત્યાં સુધી તેને તો લાંબાગાળાની દૃષ્ટિએ જોવું-મૂલવવું જોઈએ. તેથી જ ચોકકસ સંજોગોમાં કરેકશન એ ખરીદીની તક ગણાય છે. બાય ધ વે, એનએસઈનો આઈપીઓ તક છે, એલોટમેન્ટમાં મળે નહીં તો બજારમાંથી ખરીદી પણ કરી શકાય, લોંગટર્મ માટે આ સ્ટોક સંપત્તિસર્જનનું નિમિત્ત બની શકે એવા અંદાજ અને આશા માર્કેટ એકસપર્ટસ મૂકી રહ્યા છે.