Sat Mar 14 2026

Logo

ક્રૂડતેલના ભાવ તૂટતાં ડૉલર સામે રૂપિયામાં  પાંચ પૈસાનો સુધારો

2 weeks ago
Author: Ramesh Gohil
Article Image

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)

મુંબઈઃ
આંતરરાષ્ટ્રીય બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં નરમાઈ અને બે્રન્ટ ક્રૂડતેલના વાયદાના ભાવમાં તીવ્ર ઘટાડો આવ્યાના નિર્દેશ સાથે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં સુધારાતરફી વલણ રહેતાં આજે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો આગલા બંધ સામે પાંચ પૈસાના સુધારા સાથે 90.89ની સપાટીએ બંધ રહ્યો હતો. જોકે, અમેરિકી સુપ્રીમ કોર્ટે ગત શુક્રવારે ટ્રમ્પ ટૅરિફને ગેરકાયદેસરની લેખાવ્યા બાદ પ્રમુખ ટ્રમ્પે 150 દિવસ સુધી વિશ્વભરના દેશોથી થતી આયાત સામે 10 ટકા ટૅરિફની જાહેરાત કર્યા બાદ ગત શનિવારે ટૅરિફ વધારીને 15 ટકા કરતાં વેપાર અંગેની અનિશ્ચિતતાઓ સપાટી પર આવતાં રૂપિયામાં સુધારો મર્યાદિત રહ્યો હોવાનું ફોરેક્સ ટ્રેડરોએ જણાવ્યું હતું. 

એકંદરે આજે સ્થાનિકમાં ડૉલર સામે રૂપિયો ગત શુક્રવારના 90.88ના બંધ સામે સુધારાના અન્ડરટોને 90.76ના મથાળે ખૂલ્યા બાદ નીચામાં 90.90 અને ઉપરમાં 90.67 સુધી મજબૂત થયા બાદ અંતે ગઈકાલના બંધ સામે પાંચ પૈસાના સુધારા સાથે 90.89ના મથાળે બંધ રહ્યો હતો. નોંધનીય બાબત એ છે કે ગત શુક્રવારે ડૉલર સામે રૂપિયો 26 પૈસા ગબડ્યો હતો. 

એકંદરે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં સત્રના આરંભમાં ઉછાળો આવ્યો હોવાથી રૂપિયો 90.67 સુધી મજબૂત થયો હતો, પરંતુ ત્યાર બાદ અમેરિકાની ડેબ્ટની યિલ્ડમાં વધારો થવાથી ઈક્વિટી માર્કેટમાં પીછેહઠ નોંધાતા ડૉલર સામે રૂપિયામાં પણ આરંભિક સુધારો ધોવાઈ ગયો હતો. તેમ જ આજે દરેક ઘટાડે ડૉલરમાં આયાતકારોની અન્ય ખરીદદારોની લેવાલી રહી હોવાનું ફિનરેક્સ ટ્રેઝરી એડ્વાઈઝર્સના ટ્રેઝરી હેડ અને એક્ઝિક્યુટીવ ડિરેક્ટર અનિલકુમાર ભણસાળીએ જણાવતા ઉમેર્યું હતું કે અમારા મતે આગામી ટૂંકા સમયગાળા દરમિયાન ડૉલર સામે રૂપિયો 90.60થી 91ની રેન્જમાં રહે તેવી શક્યતા જણાય છે.
 
દરમિયાન આજે વિશ્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સ આગલા બંધ સામે 0.32 ટકા ઘટીને 97.47 આસપાસ અને બે્રન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવ 0.39 ટકા ઘટીને બેરલદીઠ 71.49 આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સ અને એનએસઈ બૅન્ચમાર્ક નિફ્ટીમાં અનુક્રમે 479.95 પૉઈન્ટનો અને 141.75 પૉઈન્ટનો સુધારો આવ્યો હતો. જોકે, ગત શુક્રવારે વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં રૂ. 934.61 કરોડની ચોખ્ખી વેચવાલી રહી હોવાના અહેવાલ હતા.