ભરૂચ: ભરૂચ જિલ્લાના અંકલેશ્વરમાં માનવતા, સંવેદના અને સેવાભાવનું અનોખું ઉદાહરણ સામે આવ્યું છે. માત્ર 22 વર્ષના યુવાન અતુલ ભાવેશભાઈ પટેલના બ્રેઈનડેડ થયા બાદ તેમના પરિવારે દુઃખની આ ઘડીમાં પણ અત્યંત ઉમદા નિર્ણય લઈને હૃદય, લિવર, બંને કિડની, સ્વાદુપિંડ અને ચક્ષુઓનું દાન કર્યું. આ અંગદાનના કારણે છ જરૂરિયાતમંદ દર્દીઓને નવજીવન મળવાનો માર્ગ મોકળો બન્યો છે. આ સમગ્ર પ્રક્રિયાનું સફળ સંકલન ડોનેટ લાઈફ સંસ્થા દ્વારા કરવામાં આવ્યું હતું. ખાસ વાત એ છે કે દાનમાં પ્રાપ્ત થયેલા હૃદયને સમયસર અમદાવાદ પહોંચાડવા માટે દેશમાં પ્રથમ વખત અંકલેશ્વર રેલવે સ્ટેશન પર વંદે ભારત ટ્રેનને વિશેષ સ્ટોપેજ આપવામાં આવ્યું હતું. આ ઐતિહાસિક નિર્ણયના કારણે હૃદય ઝડપથી અમદાવાદ પહોંચાડી શકાયું અને ટ્રાન્સપ્લાન્ટની પ્રક્રિયા માટે કિંમતી સમય બચાવવામાં સફળતા મળી.
મળતી માહિતી મુજબ, હાંસોટ તાલુકાના અલવા ગામના રહેવાસી અને શક્તિકેમ કેમિકલ કંપનીમાં હેલ્પર તરીકે ફરજ બજાવતા અતુલ પટેલ 29 જુલાઈની રાત્રે પોતાના સાથી કર્મચારી સાથે બાઈક પર ઘરે પરત ફરી રહ્યા હતા. સુર્ણવખુર્દ નજીક અન્ય વાહન સાથે અકસ્માત સર્જાતા તેમને માથા, નાક અને મોઢાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. બેભાન હાલતમાં તેમને 108 એમ્બ્યુલન્સ મારફતે અંકલેશ્વરની શ્રીમતી જયાબેન મોદી મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. સીટી સ્કેનમાં મગજમાં ગંભીર રક્તસ્ત્રાવ અને સોજો હોવાનું જાણવા મળ્યું હતું. હોસ્પિટલના ન્યુરોસર્જન ડૉ. જયપાલસિંહ ગોહિલ સહિત તબીબોની ટીમે સતત સારવાર આપી હતી. જોકે તમામ પ્રયાસો છતાં 1 ઓગસ્ટે તબીબોએ અતુલને બ્રેઈનડેડ જાહેર કર્યા.
હોસ્પિટલના આરએમઓએ ડોનેટ લાઈફ સંસ્થાનો સંપર્ક કરતાં તેમની ટીમ તાત્કાલિક હોસ્પિટલ પહોંચી હતી. સંસ્થાના પ્રતિનિધિઓએ પરિવારને અંગદાનનું મહત્વ અને તેની સમગ્ર પ્રક્રિયા સમજાવી હતી. અતુલની માતા રંજનબેન, ભાઈ દિપક તથા અન્ય પરિવારજનોએ જણાવ્યું કે શરીર તો અંતે રાખ બની જવાનું છે, પરંતુ જો તેનાથી અનેક દર્દીઓને નવું જીવન મળી શકે તો તેનાથી મોટું પુણ્ય બીજું શું હોઈ શકે. પરિવારના આ નિર્ણયને સૌએ માનવતાનું ઉત્તમ ઉદાહરણ ગણાવ્યું છે.
પરિવારની સંમતિ મળ્યા બાદ SOTTO દ્વારા હૃદય અમદાવાદની યુ.એન. મહેતા હોસ્પિટલને જ્યારે લિવર, બંને કિડની અને સ્વાદુપિંડ અમદાવાદની IKDRC હોસ્પિટલને ફાળવવામાં આવ્યા હતા. ચક્ષુઓનું દાન જી.સી. નહાર રોટરી આઈ બેન્ક દ્વારા સ્વીકારવામાં આવ્યું. દાનમાં મળેલા હૃદયનું ટ્રાન્સપ્લાન્ટ અમદાવાદના 25 વર્ષીય યુવાનમાં કરવામાં આવનાર છે, જ્યારે લિવર, કિડની અને સ્વાદુપિંડના ટ્રાન્સપ્લાન્ટ દ્વારા અન્ય ત્રણ દર્દીઓને નવું જીવન મળશે.
આ સમગ્ર ઘટનાની સૌથી વિશેષ બાબત એ રહી કે હૃદયને સમયસર અમદાવાદ પહોંચાડવા માટે અંકલેશ્વરથી રેલવે સ્ટેશન સુધી ગ્રીન કોરિડોર બનાવવામાં આવ્યો હતો. ત્યારબાદ વંદે ભારત ટ્રેનને ખાસ સ્ટોપેજ આપી હૃદય અમદાવાદ મોકલવામાં આવ્યું. દેશમાં આ પ્રકારની ઘટના પ્રથમ વખત બની હોવાનું ડોનેટ લાઈફે જણાવ્યું છે. સ્ટેશન સુપરિન્ટેન્ડન્ટ સહિત રેલવે તંત્રના સહયોગથી આ કામગીરી સફળતાપૂર્વક પૂર્ણ થઈ હતી. ભરૂચ જિલ્લા પોલીસના સંકલનથી બે અલગ-અલગ ગ્રીન કોરિડોર તૈયાર કરવામાં આવ્યા હતા. પ્રથમ ગ્રીન કોરિડોર હોસ્પિટલથી અંકલેશ્વર રેલવે સ્ટેશન સુધી બનાવાયો હતો જેથી હૃદય ઝડપથી ટ્રેન સુધી પહોંચાડી શકાય. જ્યારે બીજા ગ્રીન કોરિડોર મારફતે લિવર, કિડની અને સ્વાદુપિંડને રોડ માર્ગે અમદાવાદ સ્થિત IKDRC હોસ્પિટલ સુધી સુરક્ષિત અને સમયસર પહોંચાડવામાં આવ્યા હતા. આ કામગીરીમાં ભરૂચ જિલ્લા પોલીસ ઉપરાંત રાજ્યના વિવિધ શહેરો અને ગ્રામ્ય પોલીસનો પણ મહત્વપૂર્ણ સહયોગ રહ્યો હતો.
અકસ્માતના કેસમાં પોસ્ટમોર્ટમ ફરજિયાત હોવા છતાં અંગદાનમાં વિલંબ ન થાય તે માટે ગડખોલ સામુહિક આરોગ્ય કેન્દ્ર, હાંસોટ પોલીસ તથા સંબંધિત અધિકારીઓના સંકલનથી પોસ્ટમોર્ટમ શ્રીમતી જયાબેન મોદી મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલમાં જ કરવામાં આવ્યું. જેના કારણે અંગો સમયસર કાઢી ટ્રાન્સપ્લાન્ટ માટે મોકલી શકાયા.
આ ઘટના ડોનેટ લાઈફ દ્વારા કરાવવામાં આવેલું 59મું હૃદયદાન છે. સંસ્થા અત્યાર સુધીમાં 1,395 અંગો અને ટીસ્યુઓનું દાન કરાવવામાં સફળ રહી છે. જેમાં 558 કિડની, 244 લિવર, 59 હૃદય, 56 ફેફસાં, 10 સ્વાદુપિંડ, 11 હાથ, એક નાનું આંતરડું અને 456 ચક્ષુઓના દાનનો સમાવેશ થાય છે. આ તમામ અંગદાન દ્વારા દેશ અને વિદેશના કુલ 1,286થી વધુ દર્દીઓને નવજીવન અને નવી દ્રષ્ટિ મળી છે.