Fri May 01 2026

Logo

શો-શરાબાઃ ઇન્ડિયન મ્યુઝિકમાં ડબલ મીનિંગની ડબલ ટ્રબલ શું ગ્લેમર અને ગંદકી વચ્ચેની રેખા ભુંસાઈ રહી છે?

2026-03-20 10:01:00
Author: Divyakant Pandya
Article Image

 


દિવ્યકાંત પંડ્યા


ભારતીય સંગીતની દુનિયા આજે એક એવા મોડ પર આવીને ઊભી છે,  જ્યાં ગીતોના શબ્દો અને મધુરતા કરતાં  શોક વેલ્યૂ એટલે કે લોકોને આંચકો આપીને ધ્યાન ખેંચવાનું ચલણ વધી ગયું છે. એક જમાનામાં આપણાં ગીતો એના અર્થ અને સુંદર સંગીત માટે જાણીતાં હતાં, પણ આજે બધું જ વાઈરલ થવાની હોડમાં અટવાઈ ગયું છે. ભારતીય સિનેમામાં સ્ત્રીઓને માત્ર એક વસ્તુ તરીકે બતાવવી (Objectification) અને ડબલ મીનિંગ એટલે કે દ્વિઅર્થી ગીતોનો વપરાશ હવે સામાન્ય વાત બની ગઈ છે.


માર્ચ 2026 માં આવેલું બાદશાહનું ગીત ‘તતીરી’ જુઓ. એમાં ડાન્સર્સને સ્કૂલ યુનિફોર્મ જેવાં કપડાં પહેરાવીને જે રીતે જે શબ્દો (અહીં લખવા એ મૂર્ખામી છે) સાથે રજૂ કરવામાં આવ્યા, એનાથી‘ હરિયાણા સ્ટેટ કમિશન ફોર વિમેન’ લાલચોળ થઈ ગયું. આ માત્ર એક ખરાબ ગીત નથી, પણ વ્યૂઝ મેળવવા માટે ગમે તે હદે જવાની માનસિકતા છે. સ્કૂલના વાતાવરણને અશ્લીલ ડાન્સ અને લિરિક્સ સાથે જોડવું એ સામાજિક રીતે પણ ઘણું જોખમી છે. પણ પ્રોડ્યુસર્સને શું? કરોડો વ્યૂઝ મળી જાય એટલે એમનું કામ પૂરું, ભલે પછી મહિલા આયોગ સમન્સ મોકલે.


આવી જ કંઈક હાલત તાજેતરમાં નોરા ફતેહી અને સંજય દત્ત અભિનીત ગીત  ‘સરકે ચુનર  તેરી સરકે ...’ની થઈ. "KD: The Devil'  નામની કન્નડ ફિલ્મનું આ ગીત રિલીઝ થતાની સાથે જ એ લોકોના નિશાના પર આવી ગયું. આ ગીતના શબ્દો (અગેઇન, અહીં લખી શકાય તેમ નથી) એટલા ગંદા હતા કે ખુદ માહિતી અને પ્રસારણ મંત્રાલયે સેન્સર બોર્ડ (CBFC) ને આ બાબતે કડક પગલાં લેવા આદેશ આપવો પડ્યો. અશ્ર્લીલ શબ્દો વાપરીને ગીતકારોએ ગીત લેખનનું સ્તર સાવ નીચું લાવી દીધું છે.


નવાઈની વાત તો એ છે કે આ ગીતના હિન્દી ગીતકાર રકીબ આલમે પોતે હાથ ઊંચા કરી દીધા અને કહ્યું કે એમણે તો ડિરેક્ટરને ના પાડી હતી કે આવા શબ્દો હિન્દીમાં બહુ અભદ્ર લાગશે.


અહીં સૌથી મોટો સવાલ સેન્સર બોર્ડ (CBFC) પર ઊભો થાય છે. આપણું સેન્સર બોર્ડ ફિલ્મ્સમાં તો બહુ મોરલ પોલિસિંગ કરે છે.જો કોઈ હોલિવૂડ ફિલ્મમાં કે દેશની ગંભીર ફિલ્મમાં કોઈ કિસિંગ સીન હોય કે કોઈ નાનો-મોટો પોલિટિકલ ડાયલોગ હોય તો તરત જ કાતર ફેરવી દે છે પણ આ જ બોર્ડ આવાં ગીતોને કેવી રીતે પાસ કરી દે છે?


 ફિલ્મનાં ગીત સેન્સરમાંથી પાસ થયા પહેલાં ડિજિટલ પ્લેટફોર્મ્સ પર રિલીઝ ન થવા જોઈએ. એક બાજુ ગંભીર સિનેમા પર સેન્સરની તલવાર લટકે છે અને બીજી બાજુ આવા અશ્ર્લીલ મ્યુઝિક વીડિયો છૂટથી ફરે છે. આ ભેદભાવ જ બતાવે છે કે જ્યાં સુધી મનોરંજનના નામે ગંદકી પિરસાય છે, ત્યાં સુધી કોઈને વાંધો નથી આવતો.


સંગીતમાં અશ્ર્લીલતાનો આ રોગ નવો નથી, પણ હવે એ વધારે ઝેરી બની રહ્યો છે. 90ના દાયકામાં ‘ચોલી કે પીછે ક્યા હૈ’ કે ‘સરકાઈ લિયો ખટિયા’ જેવાં ગીતોએ ભારે વિવાદ જગાવ્યો હતો. હની સિંગનાં ગીતોમાં સ્ત્રીઓને સેક્સ ઓબ્જેક્ટ તરીકે બતાવવાની પરંપરા જૂની છે. તાજેતરમાં 2025 માં એના ગીત Maniac સામે પણ આવી જ ફરિયાદો થઈ હતી.
 

જ્યારે મોટા કલાકારો આવી સામગ્રીને પ્રોત્સાહન આપે છે, ત્યારે એની અસર છેક નાનાં ગામડાઓ સુધી પહોંચે છે. ફેબ્રુઆરી 2026માં બિહાર પોલીસે જાહેર વાહનોમાં અશ્ર્લીલ ભોજપુરી ગીતો વગાડવા પર પ્રતિબંધ મૂકવો પડ્યો, કારણ કે આવાં ગીતોથી રસ્તા પર ચાલતી મહિલાઓની સુરક્ષા જોખમાય છે અને છેડતીના કિસ્સાઓ વધે છે.


ભારતીય સિનેમામાં અશ્ર્લીલતાનો આ પ્રવાહ ખરેખર ચિંતાનો વિષય છે. ઉર્વશી રૌતેલાનું તેલુગુ ગીત ‘દબિડી દબિડી’ (Dabidi Dabidi) આનું તાજું અને ચર્ચિત ઉદાહરણ છે. આ ગીતમાં જે પ્રકારની કોરિયોગ્રાફી અને ઉર્વશીના જે એક્સપ્રેશન્સ છે, તે ક્લાસિક મનોરંજન કરતાં વધુ વલ્ગારિટી તરફ ઝૂકે છે. કેમેરા એંગલ્સથી લઈને ડાન્સ સ્ટેપ્સ સુધી બધું જ એવી રીતે ગોઠવવામાં આવે છે કે પ્રેક્ષકોનું ધ્યાન માત્ર શારીરિક દેખાવ પર જ રહે.
 

જ્યારે કોઈ મોટા બજેટની ફિલ્મમાં આવી રીતે સ્ત્રીને માત્ર એક ગ્લેમર ક્વોશન્ટ તરીકે રજૂ કરવામાં આવે છે ત્યારે તે સાબિત કરે છે કે મેકર્સ પાસે વાર્તામાં દમ નથી એટલે તે આવાં  ગીતો અને એવી જ કોરિયોગ્રાફીનો સહારો લે છે. હવે સાઉથની ફિલ્મ્સ પણ માત્ર માસ ઓડિયન્સને રીઝવવા માટે ગમે તે  હદે નીચે ઊતરી રહી છે.


આજના સમયમાં સંગીતની મધુરતા સાવ ગાયબ થઈ ગઈ છે. હવે ગીત કેટલાં  વર્ષ યાદ રહેશે એનાથી કોઈને ફરક નથી પડતો, બસ...  એ ગીત પર રીલ્સ કેટલી બનશે અને પોલીસ કેસ થશે કે નહીં, એના પર જ બધું નિર્ભર છે. થોડા સમય પહેલાં  આવેલી ‘એનિમલ’ જેવી ફિલ્મ્સએ તો સ્ત્રીઓ પ્રત્યેના ખરાબ વ્યવહારને હીરોઈઝમ તરીકે બતાવવાનું શરૂ કર્યું છે. જ્યારે ફિલ્મ્સ જ આવી બનતી હોય  ત્યારે ગીતો પાસેથી શું અપેક્ષા રાખવી?


અંતે તો વાત એ જ છે કે જ્યાં સુધી આપણે પોતે આવાં ગીતોને પ્રોત્સાહન આપીશું ત્યાં સુધી આ બંધ નહીં થાય. સંગીત એ આત્માનો ખોરાક છે, પણ અત્યારનું સંગીત તો માત્ર શરીર પ્રદર્શન અને ગંદા શબ્દો સુધી જ સીમિત રહી ગયું છે.

                                                   
લાસ્ટ શોટ

ઉર્વશી રૌતેલાએ એના તાજા ગીતેની અશ્ર્લીલ રજૂઆતનો બચાવ કરતા જણાવ્યું હતું કે ‘દબિડી દબિડી’ ગીત માત્ર મનોરંજન માટે છે અને તેને કલાત્મક દ્રષ્ટિકોણથી જોવું જોઈએ.... !  (લો, બોલો ! )