Tue Jul 28 2026

Logo

ટૅક વ્યૂહ: સ્માર્ટફોન ભલે ગમે તે હોય, પણ એસેસરી ઇન્ડિયા જેવી ક્યાંય નહીં જડે...

2026-05-24 09:06:00
Author: Viral Rathod
Article Image

 

 

 

- વિરલ રાઠોડ

 

 નોકિયા મોબાઇલ કંપનીનો એક યુગ હતો, આ એ સમય હતો જ્યારે 1 જીબી ઇન્ટરનેટ આખા મહિના સુધી ચાલતું. વીડિયો ઍપ્લિકેશન તો ભાગ્યે જ ખૂલતી, પણ વોટૅસઍપ અને ટેલિગ્રામ જેવી ઍપ્લિકેશન પર ફટોફટ વાતચીત થતી. સ્માર્ટફોનની શરૂઆત થઈ અને નોકિયા કંપનીનો સૂર્યાસ્ત થયો એમ કહેવામાં કંઈ ખોટું નથી.  નોકિયાની મોનોપોલીની વિરુદ્ધ જઈ સૅમસંગે એની માર્કેટ તોડી. એક સામાન્ય સૅમસંગ ફોનમાં તમામ ફીચર્સ જે મોંઘા ફોનમાં પણ હોય એ બધું જ આપીને સામાન્ય બજેટ ધરાવતા વ્યક્તિને પણ પ્રીમિયમ ફીચર્સ આપીને મજા કરાવી દીધી. ખાસ વાત એ છે કે, એ સમયે મોબાઇલની ખરીદી કરવા જઈએ ત્યારે આઉટલેટમાંથી કવર, સ્ક્રીનગાર્ડ, ચાર્જર, ચાર્જરના એક્સ્ટ્રા કેબલ કે ફૅન્સી કીચેઇન જેવી વસ્તુઓ ફ્રીમાં આવતી. ડીલર્સ સારા હોય અને દિવાળી જેવો માહોલ તો બીજી ગિફ્ટ ફ્રી મળે એ પણ મફત. દિવાળી પર મોબાઇલ ખરીદનારા રાહ જોઈને બેઠા હોય, કારણ કે મોબાઇલની ખરીદી સાથે પ્રીમિયમ હૅન્ડ્સ ફ્રી પણ મફત મળતા.

 

 દરેક એસેસરીનો અલગથી ચાર્જ

 

 અત્યારનો સમય અલગ છે. હવે મોબાઇલની ખરીદી કરીએ તો માત્ર ડિવાઇસ જ મળે છે. કંપનીએ પણ મોબાઇલ ચાર્જર આપવાનું બંધ કરી દીધું. માત્ર વૉલ્ટેજ સપોર્ટ કરતો વાયર આપીને કંપનીએ હાથ ઊંચા કરી દીધા. આ પાછળનું કારણ સમજવા જેવું અને રેવન્યૂ મોડલની દૃષ્ટિએ ઘણાયે સ્વીકારવા જેવું છે. અગાઉ થતું એવું કે જે તે મોબાઇલ ફોન કંપની સાથે એસેસરી બનાવતી કંપનીની કેટલીક ટકાવારી રહેતી. ઘણીવાર માત્ર મોબાઇલ લઈને લોકો બિલ પે કરીને બીજી વસ્તુ ખરીદતા ન હતા. આ કારણે મોબાઇલ ફોન સાથે આવતી સમગ્ર કિટને માર પડતો. નફાની દૃષ્ટિએ એસેસરી બનાવતી કંપનીને નફો રળવા માટે બીજી યુક્તિ સૂઝી. એટલે અલગથી કંપની બ્રાંડ સાથે એ જ નામથી બિઝનેસ શરૂ કરીને ડબલ પ્રૉફિટનું સાહસ શરૂ કર્યું, જે માર્કેટમાં ચાલી ગયું. બ્રાંડેડ કંપનીના ચાર્જર, કેબલ્સ, પિનની ડિમાન્ડ વધી. આ સાથે ફૅન્સી કવરની એન્ટ્રી થઈ અને એ માર્કેટ પણ શૅરમાર્કેટમાં આવેલી અચાનક તેજીની જેમ ધમધમવા લાગ્યું. હવે મોબાઇલ ખરીદતી વખતે આવી દરેક એસેસરીના અલગથી ચાર્જ ચૂકવા પડે છે.

 

 3000 મિલ્યન ડૉલરનું માર્કેટ

 

 આ આંકડો જોઈને આંચકો અવશ્ય લાગશે. આ માત્ર ભારત દેશનો મોબાઇલ એસેસરી માર્કેટમાં એક વર્ષમાં થયેલી વેચાવલી અને રોકાણનો કુલ આંકડો છે. 3335 મિલ્યન ડૉલરના એસેસરી માર્કેટમાં એક આખી ચૅનલ કામ કરતી હોય છે અને કમાતી પણ હોય છે. દરેકના ખિસ્સાને પોસાય એવા બજેટમાં હાઈફાઈ લૂક્સ, હાઈ રિઝોલ્યુશન ફીચર્સ, મોબાઇલની સુરક્ષા કરતા સ્ક્રીન ગાર્ડ, કવર, ચાર્જર કૅપ, કેબલ ગાર્ડ જેવી વસ્તુઓ અન્ય કંપનીઓએ તૈયાર કરી.   

 

બીજી તરફ સ્થાનિક ધોરણે સાદા રબરના કવર પર અનોખી ક્રિએટિવિટી કરતા આર્ટિસ્ટ વધ્યા, એમ્બોસિંગ વધ્યુ, એમાં લાગતા સ્ટાર્સ, આર્ટવર્ક, પૅકેજિંગ, પૅકેજિંગ માટેના પોલિથિન, પૅકર્સ, ટ્રાન્સપોર્ટ આ તમામ ચેઇન એકસાથે ઊભી થઈ. આનાથી મોબાઇલ ભલે 10 હજારનો હોય પણ ટેબલ પર પડ્યો હોય તો એસેસરીના કારણે લાખ રૂપિયાના દાગીના જેવો લાગે. ખાસ કરીને યુવાવર્ગમાં આવા લૂક્સનો ટ્રેન્ડ કાયમી ધોરણે સેટ થયો એટલે માત્ર 40 રૂપિયાથી શરૂ થતી વસ્તુનું માર્કેટ છેક 4000 સુધી પહોંચ્યું. આ 4000 રૂપિયા કંઈ એક વસ્તુનો ભાવ નથી. 40 રૂપિયાના જુદા જુદા થીમવાળા કવર કે ચાર્જિંગ કૅપ વાપરીને મૂકી દેવાના, માર્કેટમાં નવા આવે એટલે ડાયરેક્ટ પર્ચેસ. કોહેરન્ટ માર્કેટિંગ રીસર્ચ ઑફ ટેક્નૉલૉજી નામની સંસ્થાએ મોબાઇલ એસેસરી પર કરેલા સર્વેના આં આંકડા છે.

 

 સ્વદેશી માર્કેટ - દેશી ઠાઠ

 

 કંપનીના કવરમાં કંપનીનું નામ આવતું, પણ મોબાઇલ આપણો અને નામ બીજાનું હોય એવું થોડી ચાલે? આ એક વિચારે એસેસરીની દુનિયામાં ક્રિએટિવિટીના દ્વાર ખોલ્યા. માન્યમાં ન આવે એવી ડિઝાઇન, દેશી જુગાડ, લૂક્સ, ફિનિશિંગ, ડેકોરેશન, વર્ક, ડિટેલિંગ અને કલર્સની દુનિયામાં છોત્તરાં કાઢી નાખ્યાં. દિલ્હીની સદર માર્કેટમાં મોબાઇલ એસેસરી સાથે સ્ટૉકિંગ અને જથ્થાબંધ સપ્લાય સાથે જોડાયેલા વેપારી ત્યાં સુધી કહે છે કે, જે વસ્તુ કંપની બનાવતી ન હતી એ વસ્તુ આપણા જ દેશના યુથે બીજા યુથવર્ગ માટે બનાવી છે. ગુરુગ્રામ, નોઈડા, લુધિયાણામાં આવા કારખાનાના આખા યુનિટ છે, જેમાં માગો એવા કવર, કાચ, ચાર્જરની કૅપ, કેબલ્સથી લઈને મોબાઇલ કિચન સુધી બધું જ મળે છે એટલે દેશી રંગો સાથે આપણા જ ઘર આંગણે તૈયાર થતી થીમથી પરિવર્તન આવ્યું.      

 

મુંબઈમાં એસેસરીના પૅકેજિંગ સાથે જોડાયેલા સુપરવાઇઝર કહે છે કે, આવો કાચો માલ તો ચાઇના પણ બનાવે છે, પણ આપણા દેશમાં એસેસરી મામલે ઘણું વૈવિધ્ય આવ્યું છે એટલે ચીન પરની નિર્ભરતા ઘટી છે. કિંમત ઓછી હોવાને કારણે આની માર્કેટ વૅલ્યૂ નથી પણ યુવાવર્ગમાં એક મોટા વૉલ્યુમ સાથે ખરીદીથી માર્કેટ કરોડો સુધી પહોંચી રહ્યું છે.

 

આઉટ ઓફ બોક્સ

 

દિલ્હીની ગફાર માર્કેટ મોબાઇલ એસેસરીનું એપી સેન્ટર છે. જે સ્ક્રીનગાર્ડ 100થી 150માં મળે એ ત્યાં માત્ર 30 રૂપિયામાં મળી જાય!