Wed Jun 24 2026

Logo

ઈરાન પ્રવાસ કરતા પહેલાં સાવધાન! ભારતીય દૂતાવાસે જારી કરી નવી ગાઈડલાઈન

2026-06-24 19:53:05
Author: Mumbai Samachar Team
Article Image

દુબઈઃ ભારતે આજે તેના નાગરિકોને ઈરાનમાં પરિસ્થિતિમાં સુધારો થયો હોવા છતાં આગામી સૂચના સુધી બિનજરૂરી યાત્રા ન કરવાની સલાહ આપી છે. તેહરાનમાં ભારતીય દૂતાવાસે જણાવ્યું કે તે ઈરાનમાં વર્તમાન સુરક્ષા પરિસ્થિતિ પર જીણવટભરી નજર રાખી રહ્યું છે અને તાજેતરના સકારાત્મક ઘટનાક્રમો અને પરિસ્થિતિમાં એકંદર સુધારાને ધ્યાને લઇને સુધારેલી એડવાઇઝરી જારી કરી રહ્યું છે.

મિશને તેની એડવાઇઝરીમાં જણાવ્યું કે તાજેતરના સુધારા છતાં ભારતીય નાગરિકોને સલાહ આપવામાં આવે છે કે તેઓ આગામી સૂચના સુધી ઈરાનની બિનજરૂરી યાત્રા ટાળે. મિશને ઈરાનમાં રહેતા ભારતીય નાગરિકો તેમજ જેમને કોઇ જરૂરી કારણોસર દેશની યાત્રા કરવાની જરૂર પડી શકે છે તેમને અત્યંત સાવધાની રાખવા, સતર્ક રહેવા અને સતત જાગૃત રહેવાની સલાહ આપી છે.  

મિશને સ્થાનિક અધિકારીઓ દ્વારા જારી નિર્દેશોનું પાલન કરવા વિનંતી કરી છે. દૂતાવાસે ઈરાનમાં ઉપસ્થિત તમામ ભારતીય નાગરિકો અને દેશમાં આવનારા તમામ ભારતીયોને વહેલી તકે મિશનને પોતાની વિગતો નોંધાવવાની સલાહનું પુનરાવર્તન કર્યું છે.

તેણે ભારતીય નાગરિકોને અપડેટ અને કોઇપણ આગળની એડવાઇઝરી માટે દૂતાવાસની વેબસાઇટ અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર નિયમિતપણે નજર રાખવાની સલાહ પણ આપી છે. અત્રે ઉલ્લેખનીય છે કે ૨૮ ફેબ્રુઆરીથી પશ્ચિમ એશિયામાં સંઘર્ષ શરૂ થયો ત્યારથી ભારતે આવી ઘણી એડવાઇઝરી જારી કરી છે.