Thu Sep 03 2026

Logo

મુંબઈના દરિયામાં ઓઈલ સ્મગલિંગ રેકેટનો પર્દાફાશ! ઈરાન સાથે જોડાયેલા 3 ઓઈલ ટેન્કર જપ્ત

2026-02-17 12:38:00
Author: Savan Zalariya
મુંબઈના દરિયામાં ઓઈલ સ્મગલિંગ રેકેટનો પર્દાફાશ! ઈરાન સાથે જોડાયેલા 3 ઓઈલ ટેન્કર જપ્ત

મુંબઈ: યુએસ અને ઈરાન વચ્ચે રાજકીય તણાવ સતત વધી રહ્યો છે, યુએસ ઈરાનનાં ગેરકાયદે પેટ્રોલીયમ વેપાર પર રોક લગાવવા પ્રયાસ કરી રહ્યું છે. એમાં અહેવાલ છે કે ભારતે મુંબઈ પાસે દરિયામાં ઈરાન સાથે જોડાયેલા ત્રણ ઓઈલ ટેન્કર જહાજોને જપ્ત કર્યા છે.

ભારતે ગેરકાયદે પેટ્રોલિયમ વેપાર અને શીપ-ટૂ-શીપ કાર્ગો ટ્રાન્સફર પર કાર્યવાહીના ભાગ રૂપે દરિયાઈ ક્ષેત્રમાં દેખરેખ વધારી રહ્યું છે. અહેવાલ મુજબ ભારતના એક્સક્લુઝિવ ઇકોનોમિક ઝોન (EEZ) માં શંકાસ્પદ ગતિવિધિઓ મળી આવ્યા બાદ ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ (ICG) દ્વારા તપાસ શરુ કરવામાં આવી હતી, આ દરમિયાન યુએસએ દ્વારા પ્રતિબંધિત ત્રણ ઓઈલ ટેન્કર જાહાજોને જપ્ત કરવા આવ્યા છે. 

જહાજોને મુંબઈ લાવવામાં આવ્યા:
અહેવાલ મુજબ સ્ટેલર રૂબી, એસ્ફાલ્ટ સ્ટાર અને અલ જાફઝિયા નામના ત્રણ જહાજ જપ્ત કરવામાં આવ્યા છે. મુંબઈથી લગભગ 100 નોટિકલ માઇલ પશ્ચિમમાં આ જહાજોને અટકાવવામાં આવ્યા હતાં. આ જહાજોએ મેરીટાઈમ લો ઇન્ફોર્સમેન્ટથી છુપાવા માટે વારંવાર ઓળખ બદલવાનો પ્રયાસ કર્યો હતો. વધુ તપાસ માટે જહાજોને મુંબઈ લઈ જવામાં આવ્યા હતા.

સરકારે પુષ્ટિ કરી:
ભારત સરકારે પણ મુંબઈમાં ટેન્કરો જપ્ત કરવાની પુષ્ટિ કરી છે, પરંતુ આ જહાજો ઈરાન સાથે જોડયેલા હોવાનો ઉલ્લેખ કર્યો નથી.

આજે 17 ફેબ્રુઆરીના રોજ પ્રેસ ઇન્ફર્મેશન બ્યુરોએ નિવેદન જાહેર કર્યું છે. જેમાં જણાવવામાં આવ્યું કે ICGએ  5 થી 6 ફેબ્રુઆરી દરમિયાન હાથ ધરેલા દરિયાઈ-હવાઈ ઓપરેશન દ્વારા આંતરરાષ્ટ્રીય પેટ્રોલિયમ સ્મગલિંગ રેકેટનો પર્દાફાશ કર્યો હતો. ત્રણ જહાજો ગેર કાયદે પેટ્રોલીયમ વેપાર અને મિડ-સી ટ્રાન્સફર સાથે જોડાયેલા એક નેટવર્ક સાથે સંકળાયેલા છે.

ઈરાનના સરકારી મીડિયાએના જણાવ્યા મુજબ નેશનલ ઈરાની ઓઈલ કંપનીઓએ જપ્ત કરાયેલા ટેન્કરો સાથેના સંબંધનો ઇનકાર કર્યો છે.  
નોંધનીય છે કે ભારત અને યુએસના અધિકારો એક ઐતિહાસિક ટ્રેડ ડીલ માટે અંતિમ વાટાઘાટો કરી રહ્યા છે, એવામાં આ કાર્યવાહી મહત્વની માનવામાં આવે છે.