સિડનીઃ હરમનપ્રીત કૌરના સુકાનમાં ભારતની મહિલા (india women) ટીમે અહીં રવિવારે મહિલા ટી-20ની વર્લ્ડ નંબર-વન ઑસ્ટ્રેલિયાની ટીમને સિરીઝની પ્રથમ મૅચમાં હરાવીને 1-0થી સરસાઈ મેળવી હતી. વરસાદના મોટા વિઘ્નને લીધે મૅચ છેવટે રોકી દેવામાં આવી અને ભારતીય ટીમને વિજેતા જાહેર કરાઈ ત્યારે ભારતીય ટીમે ફક્ત એક વિકેટ ગુમાવી હતી, પરંતુ ડકવર્થ/લુઇસ સિસ્ટમ (DLS)ના આધારે આ ટીમને 21 રનથી વિજેતા જાહેર કરવામાં આવી હતી. પેસ બોલર અરુંધતી રેડ્ડી (4-0-22-4) પ્લેયર ઑફ ધ મૅચ ઘોષિત કરાઈ હતી. ખરેખર તો ભારતીય ટીમ માત્ર 50 રન બનાવ્યા બાદ વિજેતા જાહેર કરાઈ હતી.
ભારતીય મહિલા ટીમને માત્ર 134 રનનો લક્ષ્યાંક મળ્યો હતો અને ભારતીય ટીમે સારી શરૂઆત કરી હતી. જોકે કુલ 33 રનના સ્કોર પર ઓપનર શેફાલી વર્મા (21 રન, 11 બૉલ, બે સિક્સર, એક ફોર)એ વિકેટ ગુમાવી હતી. ત્યારે વાઇસ-કૅપ્ટન અને વિમેન્સ પ્રીમિયર લીગ (ડબ્લ્યૂપીએલ)ની બેંગ્લૂરુ ટીમની ચૅમ્પિયન કૅપ્ટન સ્મૃતિ મંધાના સાથે જેમિમા રૉડ્રિગ્સ જોડાઈ હતી.
ભારતીય ટીમનો સ્કોર 5.1 ઓવરમાં 1/50 હતો ત્યારે ફરી વરસાદ (RAIN) શરૂ થયો હતો અને ત્યાર બાદ રમત ફરી શરૂ કરવાની કોઈ સંભાવના નહોતી. ડીએલએસ મુજબ ભારત માટે ત્યારે નવેસરથી લક્ષ્યાંક (5.1 ઓવરમાં 30 રન) નક્કી કરાયો હતો, પરંતુ ભારતે 50 રન બનાવી લીધા હોવાથી ભારતને વિજેતા જાહેર કરવામાં આવ્યું હતું. સ્મૃતિ 16 રને અને જેમિમા નવ રને અણનમ રહી હતી.
એ પહેલાં, ઑસ્ટ્રેલિયાનો દાવ 18 ઓવરમાં બનાવવામાં આવેલા 133 રનના સ્કોર પર સમાપ્ત થયો હતો. ઑસ્ટ્રેલિયાની એક પણ બૅટર 30 રનનો આંકડો પાર નહોતી કરી શકી. જ્યોર્જિયા વેરમના 30 રન ટીમમાં હાઇએસ્ટ હતા. રાઇટ-આર્મ પેસ બોલર અરુંધતી રેડ્ડીએ બાવીસ રનમાં ચાર વિકેટ, રેણુકા ઠાકુરે 14 રનમાં બે વિકેટ અને શ્રી ચરનીએ પણ 14 રનમાં બે વિકેટ લીધી હતી.