Tue Oct 06 2026

Logo

ભારતના પ્રવાસ પહેલા ન્યૂઝીલેન્ડના કેપ્ટને વિરાટ કોહલી અને રોહિત શર્મા માટે કરી મોટી વાત

2026-09-07 21:01:00
Author: Mumbai Samachar Team
ભારતના પ્રવાસ પહેલા ન્યૂઝીલેન્ડના કેપ્ટને વિરાટ કોહલી અને રોહિત શર્મા માટે કરી મોટી વાત

મુંબઈઃ ન્યૂઝીલેન્ડના કેપ્ટન મિશેલ સેન્ટનરે ભારતના અનુભવી બેટ્સમેન વિરાટ કોહલી અને રોહિત શર્માને આગામી વન-ડે સીરિઝ માટે એક મોટો પડકાર ગણાવતા કહ્યું કે ભૂતકાળમાં આ બે મહાન ખેલાડીઓને ન્યૂઝીલેન્ડની પિચો પસંદ આવી છે, પરંતુ તેમને આશા છે કે આ વખતે પરિસ્થિતિઓ અલગ હશે. 

કોહલી અને રોહિત હવે આંતરરાષ્ટ્રીય સ્તરે ફક્ત 50 ઓવરના ફોર્મેટમાં જ રમે છે. ભારત અને ન્યૂઝીલેન્ડ આ વર્ષે ઓક્ટોબર-નવેમ્બરમાં પાંચ વન-ડે, પાંચ ટી-20 આંતરરાષ્ટ્રીય અને બે ટેસ્ટ મેચ રમવાના છે.

સેન્ટનરે સાથેની એક મુલાકાતમાં કહ્યું હતું કે, "તે એક પડકાર હશે. અમે લાંબા સમયથી જોયું છે કે તે બંને હજુ પણ ખૂબ સારા ખેલાડીઓ અને વન-ડે ક્રિકેટમાં નિષ્ણાત છે. ભૂતકાળમાં ન્યૂઝીલેન્ડની કેટલીક પિચો ખરેખર તેમના માટે યોગ્ય રહી છે. આશા છે કે આ વખતે એવું નહીં થાય."

સેન્ટનરે ભારત-ન્યૂઝીલેન્ડ શ્રેણીને વર્લ્ડ કપની તૈયારીનો એક મહત્વપૂર્ણ ભાગ ગણાવ્યો હતો. યુરોપિયન ટી-20 પ્રીમિયર લીગમાં એડિનબર્ગ કેસલ રોકર્સનું નેતૃત્વ કરી રહેલા સેન્ટનરે કહ્યું હતું કે, "એમાં કોઈ શંકા નથી કે આ એક શાનદાર શ્રેણી હશે. આ આવતા વર્ષના વન-ડે વર્લ્ડ કપની તૈયારીઓનો એક ભાગ છે. 

દરેક ટીમ મર્યાદિત ઓવરની મેચોમાં વર્લ્ડ કપ માટે પોતાનું શ્રેષ્ઠ સંયોજન શોધવાનો પ્રયાસ કરી રહી છે." તેણે કહ્યું કે ન્યૂઝીલેન્ડ પાસે ભારત સામે પાંચ વન-ડે  છે, ત્યાર બાદ ઘરે શ્રીલંકા સામે ત્રણ મેચ છે અને પછી સપ્ટેમ્બર 2027માં ઇંગ્લેન્ડમાં વર્લ્ડ કપની તૈયારીઓ છે. 

સૌપ્રથમ અને સૌથી અગત્યનું અમારું લક્ષ્ય ઘરઆંગણે ભારત સામે શ્રેણી જીતવાનું છે. આ અમારા માટે એક મોટી સિદ્ધિ હશે. તે પછી અમે આવતા વર્ષે ઓક્ટોબર સુધીમાં વર્લ્ડ કપ માટે યોગ્ય ટીમ સંયોજન વિકસાવવા પર ધ્યાન કેન્દ્રિત કરીશું."

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની છેલ્લી ટેસ્ટ શ્રેણીમાં ન્યૂઝીલેન્ડે ઐતિહાસિક 3-0થી ક્લીન સ્વીપ હાંસલ કર્યો હતો. સેન્ટનરે કહ્યું કે નવેમ્બરમાં ન્યૂઝીલેન્ડમાં યોજાનારી બે ટેસ્ટ મેચ ભારતીય ટીમના કેટલાક નવા ખેલાડીઓ માટે પડકારજનક હોઈ શકે છે. 

નવા ખેલાડીઓ માટે અહીંની પરિસ્થિતિઓમાં ઝડપથી અનુકૂલન સાધવું મહત્વપૂર્ણ રહેશે. અહીંની પિચો તેમના માટે નવી હશે અને ભારત કરતાં બોલરોને વધુ સહાય પૂરી પાડે તેવી શક્યતા છે.