Sun Oct 04 2026

Logo

બુધવારે ટીમ-સિલેક્શનઃ હાર્દિક કમબૅક કરશે? રોહિત નક્કી છેને? પંતની રાહુલ-જુરેલ સાથે હરીફાઈ

2026-09-15 17:55:07
Author: Ajay Motiwala
બુધવારે ટીમ-સિલેક્શનઃ હાર્દિક કમબૅક કરશે? રોહિત નક્કી છેને? પંતની રાહુલ-જુરેલ સાથે હરીફાઈ

ChatGPT Image


નવી દિલ્હીઃ ચીફ સિલેક્ટર અજિત આગરકરના અધ્યક્ષસ્થાનમાં બુધવારે વેસ્ટ ઇન્ડિઝ સામેની આગામી વન-ડે અને ટી-20 સિરીઝ માટેની ભારતીય ટીમની પસંદગી કરવામાં આવશે અને એમાં ઑલરાઉન્ડર હાર્દિક પંડ્યા (Hardik Pandya)નો સમાવેશ થવાની પાક્કી સંભાવના છે. બીજી તરફ, વિકેટકીપર-બૅટ્સમૅન રિષભ પંતને બન્નેમાં અથવા બેમાંથી એક ટીમમાં સ્થાન મેળવવા કે. એલ. રાહુલ અને ધ્રુવ જુરેલ સાથે હરીફાઈ કરવી પડશે.

જોકે રાહુલ વન-ડે ટીમમાં વિકેટકીપર તરીકે પ્રથમ પસંદગી હશે અને તે કૅપ્ટન શુભમન ગિલના ડેપ્યૂટી તરીકેની ડ્યૂટી પર પણ હશે.  દરમ્યાન, વન-ડે ટીમમાં રોહિત શર્માના સિલેક્શન બાબતમાં પણ સિલેક્ટરોની મીટિંગમાં ચર્ચા થશે. વિરાટ કોહલીનું સ્થાન વન-ડે ટીમમાં નક્કી છે. નવયુવાન સ્પિનર વિપ્રજ નિગમનું નામ પણ મીટિંગમાં લેવાશે એવી શક્યતા છે.

કૅરિબિયન સાથેના જંગ વખતે એશિયન ગેમ્સ

વેસ્ટ ઇન્ડિઝ (West Indies) સામે ભારતમાં વન-ડે સિરીઝ 27મી સપ્ટેમ્બરે શરૂ થશે અને એ જ અરસામાં જાપાનમાં એશિયન ગેમ્સ રમાઈ રહી હોવાથી કૅરિબિયનો સામેની સિરીઝો માટેની ભારતીય ટીમમાં ઘણા ફેરફારો જોવા મળશે તેમ જ કેટલાક નવા ચહેરા પણ જોવા મળશે. જોકે કૅરિબિયનો સામે છઠ્ઠી ઑક્ટોબરે શરૂ થનારી ટી-20 શ્રેણી માટેની ટીમમાં એશિયન ગેમ્સની ટીમના મોટા ભાગના ખેલાડીઓ જોવા મળી શકે.

હાર્દિક 10 ઓવર બોલિંગ કરી શકે તો જ...

હાર્દિક પંડ્યા સ્પર્ધાત્મક ક્રિકેટમાં કમબૅક કરી રહ્યો છે. જોકે તેની ફિટનેસ પર અને ખાસ કરીને તે વન-ડે મૅચમાં પૂરી 10 ઓવર બોલિંગ કરી શકશે કે નહીં અને 50 ઓવર સુધી ફીલ્ડિંગ કરી શકશે કે નહીં એના પર તેના પુનરાગમનનો આધાર રહેશે.

જો હાર્દિક ફરી ઉપલબ્ધ નહીં રહે તો ટીમમાં સીમ બોલિંગ ઑલરાઉન્ડરની પસંદગીનો પ્રશ્ન ચર્ચાસ્પદ બની રહેશે. હાર્દિક પછીનો બીજો વિકલ્પ નીતીશ કુમાર રેડ્ડી છે, પણ તે એ અરસામાં જાપાનમાં ટી-20 ટૂર્નામેન્ટમાં રમતો હશે. સૂર્યાંશ શેડગે અને વેન્કટેશ ઐયર અનુક્રમે ત્રીજા અને ચોથા વિકલ્પ તરીકે છે, પણ તેઓ હાલમાં ઈજાગ્રસ્ત છે.

ચહલનો પુનઃ પ્રવેશ? કુલદીપ, જાડેજા પણ ચર્ચામાં

યુઝવેન્દ્ર ચહલને સાડાત્રણ વર્ષથી વન-ડે ટીમની બહાર રાખવામાં આવ્યો છે. જોકે ઇંગ્લૅન્ડની કાઉન્ટી ક્રિકેટમાં હાલમાં તે ઝળકી રહ્યો હોવાથી તેને વેસ્ટ ઇન્ડિઝ સામેની ભારતીય વન-ડે ટીમમાં સ્થાન મળશે તો નવાઈ નહીં લાગે. તેણે તાજેતરમાં નૉર્ધમ્પ્ટનશર વતી સાત મૅચમાં 15 વિકેટ લીધી હતી. વરુણ ચક્રવર્તી ઈજાગ્રસ્ત છે એટલે તેના સિલેક્શન પર પ્રશ્નાર્થ રહેશે. જોકે રવીન્દ્ર જાડેજા અને કુલદીપ યાદવ પર વન-ડે ટીમમાં ફરી કળશ ઢોળવામાં આવશે એવી સંભાવના છે. 20 વર્ષના સ્પિન-ઑલરાઉન્ડર વિપ્રજ નિગમના નામ પર પણ ચર્ચા થઈ શકે.