Sun Mar 08 2026

Logo

રવિવારે ઈડનમાં ભારત-વેસ્ટ ઇન્ડિઝના સિક્સર-સ્પેશ્યાલિસ્ટો વચ્ચે હરીફાઈ...

1 week ago
Author: Ajay Motiwala
Article Image

PTI


બેમાંથી જે ટીમ જીતશે એનો પાંચમી માર્ચે વાનખેડેમાં ઇંગ્લૅન્ડ સામે સેમિમાં જંગઃ કૅરિબિયનો 43 વર્ષથી કોલકાતામાં નથી જીત્યા

કોલકાતાઃ ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે રવિવારે (સાંજે 7.00 વાગ્યાથી) કોલકાતાના ઈડન ગાર્ડન્સમાં ક્વૉર્ટર ફાઇનલ સમાન સુપર-એઇટ મુકાબલો થશે જેમાં ખાસ કરીને બન્ને દેશના સિક્સ-હિટર્સ વચ્ચે ચડિયાતા પુરવાર થવાની હરીફાઈ જોવા મળી શકે. એક ટી-20 વર્લ્ડ કપમાં સૌથી વધુ 66 સિક્સર ફટકારવાનો વિશ્વવિક્રમ વેસ્ટ ઇન્ડિઝ (West Indies)ના નામે છે અને ભારત 63 છગ્ગા સાથે એમનાથી માત્ર ત્રણ ડગલાં પાછળ છે. ઇડનની પિચ સૂકી છે અને વરસાદની સંભાવના નથી.

રવિવારે દિલ્હીમાં સાંજે સેમિ ફાઇનલિસ્ટ સાઉથ આફ્રિકા અને વર્લ્ડ કપની બહાર થઈ ગયેલા ઝિમ્બાબ્વે વચ્ચેની ઔપચારિક મૅચ રમાઈ જશે ત્યાર બાદ ભારત-વેસ્ટ ઇન્ડિઝનો નિર્ણાયક મુકાબલો શરૂ થશે. બેમાંથી જે ટીમ જીતશે એ પાંચમી માર્ચે વાનખેડેમાં ઇંગ્લૅન્ડ સામે સેમિ ફાઇનલ રમશે. વેસ્ટ ઇન્ડિયનો 1983 પછી (43 વર્ષથી) ઈડન ગાર્ડન્સમાં ભારત (India) સામે કોઈ જ ફૉર્મેટની મૅચ જીતી નથી શક્યા. બીજું, 2016માં વેસ્ટ ઇન્ડિયનો ચૅમ્પિયન બન્યા ત્યાર બાદ એક પણ આઇસીસી ઇવેન્ટની સેમિ ફાઇનલમાં નથી પહોંચી શક્યા.

PTI

કૅરિબિયન બોલર્સ ભારતના આક્રમક બૅટ્સમેનો સામે સાવચેત રહેશે અને તેમને બને એટલા કાબૂમાં રાખવા કોઈ કસર નહીં છોડે. ગુરુવારે ઝિમ્બાબ્વે સામે ભારતના ટોચના તમામ છ બૅટ્સમેને 24-પ્લસ રન કર્યા હતા અને છએ છ બૅટ્સમેનના સ્ટ્રાઇક-રેટ 150.00થી વધુ હતા. ટી-20 મૅચમાં ખેલાડીનો 130.00થી વધુ સ્ટ્રાઇક-રેટ સારો કહેવાતો હોય છે. કૅરિબિયનોનો આત્મવિશ્વાસ તાજેતરમાં સાઉથ આફ્રિકા સામેના પરાજયથી થોડો ઓસર્યો હશે, જ્યારે ભારતીયોએ ઝિમ્બાબ્વેને 72 રનથી હરાવીને આ ટૂર્નામેન્ટમાં જોરદાર કમબૅક કર્યું છે.

રિન્કુ સિંહના પિતા ખાનચંદ સિંહનું શુક્રવારે કૅન્સરની બીમારીને લીધે અવસાન થયું હતું. રિન્કુ પરિવાર પાસે પહોંચી ગયા બાદ શનિવારે કોલકાતામાં ટીમ ઇન્ડિયા સાથે જોડાઈ જશે એવા અહેવાલ હતા. જોકે તેને રવિવારે ઇલેવનની ટીમમાં સમાવાશે કે કેમ એ નક્કી નહોતું.

બન્ને દેશની સંભવિત ઇલેવન

ભારતઃ સૂર્યકુમાર યાદવ (કૅપ્ટન), સંજુ સૅમસન (વિકેટકીપર), અભિષેક શર્મા, ઇશાન કિશન, તિલક વર્મા, હાર્દિક પંડ્યા, શિવમ દુબે, અક્ષર પટેલ, અર્શદીપ સિંહ, જસપ્રીત બુમરાહ અને વરુણ/કુલદીપ.

વેસ્ટ ઇન્ડિઝઃ શાઇ હોપ (કૅપ્ટન, વિકેટકીપર), બે્રન્ડન કિંગ, શિમરૉન હેટમાયર, રોમારિયો શેફર્ડ, રૉવમૅન પોવેલ, રૉસ્ટન ચેઝ, શેરફેન રુધરફર્ડ, જેસન હોલ્ડર, મૅથ્યૂ ફોર્ડે, ગુડાકેશ મૉટી અને શમાર જોસેફ.