Fri May 01 2026

Logo

રશિયા પાસેથી ઓઈલ ખરીદવા અમેરિકાની ભારતને લીલી ઝંડી: મહિનામાં કેટલો થશે ફાયદો?

2026-03-06 18:35:00
Author: Mumbai Samachar Team
Article Image

નવી દિલ્હીઃ ઈરાન અને મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા તણાવગ્રસ્ત માહોવ વચ્ચે ભારતે શાંતિ અને સુરક્ષાનો રસ્તો અપનાવ્યો છે. હકીકત એ પણ છે કે, યુદ્ધના કારણે ફ્યુઅલ અને એનર્જી ક્ષેત્રે સંકટ ઊભું થાય એવા એંધાણ છે. અમેરિકાએ યુદ્ધના માહોલમાં ભારતને રશિયા પાસેથી ક્રૂડ ઓઈલ ખરીદવા માટેની મંજૂરી આપી દીધી છે. આ માટે અમેરિકાએ એક મહિનાનો એટલે કે 30 દિવસનો સમય આપ્યો છે અને અમેરિકાના વિદેશ સચિવે સ્પષ્ટતા કરી છે કે, ભારત આ તણાવગ્રસ્ત માહોલ વચ્ચે 30 દિવસમાં રશિયા પાસેથી ક્રૂડ ઓઈલ ખરીદી શકે છે. આ બધી જો અને તોની શરતો વચ્ચે સવાલ એ પણ ચર્ચામાં છે કે, આખરે આ એક મહિનામાં કેટલું ઓઈલ ખરીદી શકાય?

આયાત ક્ષમતા પર છે મોટો આધાર

રશિયા પાસેથી ક્રૂડ ઓઈલ ખરીદવાનો સંપૂર્ણ આધાર ભારતીય રિફાઈનરીની આયાત ક્ષમતા પર અને સ્ટોરેજ કેપેસિટી પર રહેલો છે. અગાઉના રેકોર્ડ પર નજર કરીએ તો એક વાત એ સ્પષ્ટ થાય છે કે, દૈનિક ધોરણે 21 લાખ બેરલની ખરીદી ભારતે કરી છે, જેને અત્યાર સુધીની ખરીદીનો રેકોર્ડ માનવામાં આવે છે. ઊર્જા સેક્ટર પર નજર રાખતી અને વિશ્લેષણ કરતી ફર્મ કેપ્લરના રિપોર્ટ અનુસાર રશિયા પાસેથી ક્રૂડની ખરીદી વખતે જહાંજની ક્ષમતા એ પ્રાધાન્ય છે. સપ્લાય અને સ્ટોરેજ બીજા ક્રમે આવતો મુદ્દો રહ્યો છે. આ વાત આજે પણ એટલી જ લાગુ પડે છે. 

એક મહિનામાં કેટલું ઓઈલ મળે?

21 લાખ બેરલની ક્ષમતાના આધારે અત્યારે ખરીદી કેટલી કરી શકાય એ અંગે પણ ચર્ચા છે. આ જ ક્ષમતાના આધારે જો ભારત રશિયા પાસેથી ક્રુડ ઓઈલની ખરીદી કરે તો એક મહિનામાં 6.3 કરોડ બેરલની ખરીદી કરી શકે છે. ગત વર્ષે મે મહિનામાં ભારતે રશિયા પાસેથી દૈનિક ધોરણે 18 લાખ બેરલ ક્રુડની ખરીદી કરી હતી. મોટા ભાગના કેસમાં ક્રૂડ પ્રવાહી રૂપમાં હોવાથી મોટા બેરલના સોદા પર ખરીદીને ગણવામાં આવે છે. બેરલ પરિવહનની ક્ષમતા જે તે જહાંજ પર નિર્ભર હોય છે. ગત વર્ષે નવેમ્બર મહિનામાં ભારતે રશિયા પાસેથી 19 લાખ બેરલ ઓઈલ ખરીદી દેશમાં એનું વિતરણ કર્યું. એક મહિનામાં આ સ્ટોક આશરે 5.7 કરોડ બેરલ સુધી પહોંચ્યો હતો. 

ભારતની ખરીદી ક્ષમતા

ભારતની ખરીદી ક્ષમતાની વાત કરવામાં આવે તો દૈનિક ધોરણે 55 લાખ બેરલની હોય છે. આ આંકડામાં ફેરફાર એટલા માટે થઈ શકે છે કે, સ્ટોરેજ સ્ટોક હોય ત્યારે મોટાભાગે આયાત ન પણ થાય. બીજી તરફ ખરીદી વખતે કેટલા બેરલ લેવાના છે એની પણ સ્પષ્ટતા હોય છે. વર્ષ 2024માં આ જ ક્ષમતા 35થી 40 ટકા રહી હતી. 

આ જ ક્ષમતાના આધારે રશિયા પાસેથી હવે જો ક્રૂડ ઓઈલની ખરીદી કરવામાં આવે તો એક મહિનામાં 6 કરોડ જેટલા બેરલ ઓઈલના ભારતમાં આવી શકે. એનાથી વધારે બેરલ આવે તો ફરી એ મુદ્દો સ્ટોરેજ ક્ષમતા પર આવીને ઊભો રહે. ભારત ઈચ્છે તો ગણતરી કરીને મોટાભાગનું ક્રુડ ઓઈલ જેટલી ક્ષમતા છે એનો 95 ટકા ભાગ રશિયા પાસેથી મંગાવી શકે છે. આવું ત્યારે જ શક્ય બને જ્યારે ભારતીય રીફાઈનરી પાસે સ્ટોરેજ અને રીફાઈન માટેની પૂરી ક્ષમતા હોય. 

90 લાખ બેરલ તૈયાર છે

રશિયાના એક માર્કેટ રીપોર્ટ અનુસાર રશિયા પાસે અત્યારે 90 લાખ બેરલ તૈયાર છે, જેને ખરીદી હેતુ મૂકવામાં આવે તો રશિયા યુદ્ધના ધોરણે તે રવાના કરી શકે. હવે ભારત ઈશારો કરે અને ઓર્ડર પ્લેસ કરે તો આ શક્ય બની શકે છે. જ્યારે પણ ભારતની જરૂરિયાત ઊભી થશે એ સમયે ભારત રશિયાને તેલ માટેનો ઑર્ડર કરી શકે છે. આ સિવાય 60 લાખ વધારાના બેરલ મોકલવા માટે પણ રજૂઆત કરાઈ છે. છેલ્લા પ્રકાશિત એક રિપોર્ટ અનુસાર 1.5 કરોડ બેરલ તેલ મંગાવવા માટે તમામ પ્રક્રિયાઓ પૂરી થઈ ચૂકી છે. હવે માત્ર ગ્રીન સિગ્નલ મળે એની રાહ જોવાઈ રહી છે. 

ક્રૂડ ઓઈલનો દેશમાં ઉપયોગ

દેશમાં દિન પ્રતિદિન ઓઈલનો ઉપયોગ વધે છે. માત્ર વાહનોની વાત નથી એવા ઘણા કામ છે, જેમાં ઓઈલનો ડાયરેક્ટ ઉપયોગ થાય છે. ખાસ કરીને ઓટો ઉદ્યોગ માટે આ ઓઈલ એક ઊર્જા કરતા માધ્યમ વધારે છે. વર્ષ 2024માં ભારતની ઓઈલનો ઓઈલ ખર્ચ 56 લાખ બેરલ હતો, જે વર્ષ 2025માં વધીને 57 લાખ બેરલ થયો હતો. 

અનુમાન એવું પણ છે કે, આ વર્ષે ભારતમાં દૈનિક ધોરણે તેલનો ઉપયોગ વધારીને 60 લાખ બેરલ સુધી પહોંચી શકે છે. તણાવગ્રસ્ત માહોલમાં ભારત રશિયા પાસેથી તેલ ખરીદી કરે છે અને તે ક્ષમતા 6 કરોડ બેરલની હોય તો 10 દિવસ સુધી ભારતને વધારાના કોઈ ક્રૂડ ઓઈલની જરૂરિયાત નહીં રહે.