Mon May 25 2026

Logo

ગરમીના કારણે દેશમાં વીજળીની માગે તોડ્યા તમામ રેકોર્ડઃ મંત્રાલયે જાહેર કર્યો રિપોર્ટ

2026-05-20 21:56:49
Author: Mumbai Samachar Team
Article Image

નવી દિલ્હીઃ દેશમાં તાપમાનનો પારો દિવસે દિવસે આસમાને પહોંચી રહ્યો છે ત્યારે એની સાથે વીજળીની ડિમાન્ડમાં ધરખમ વધારો થઈ રહ્યો છે. વીજળીની માગ બુધવારે અચાનક વધી ગઈ હતી. ખાસ કરીને બપોરના સમયે 3.45 વાગ્યે સતત ત્રીજા દિવસે વીજ માગ રેકોર્ડબ્રેક સ્તર પર પહોંચી ગઈ હતી. 

વીજ વિભાગ મંત્રાલયે જણાવ્યું હતું કે, સૌથી વધારે વીજમાગ 20 મેના 265.44 ગીગાવૉટ સુધી પહોંચી ગઈ હતી. સરકાર આ માગ પૂર કરવામાં સફળ પુરવાર થઈ છે. આ કાર્ય માટે કોઈ પ્રકારનું વિધ્ન સામે આવ્યું નથી. વીજળીની આટલી મોટી માગ એ અત્યાર સુધીનો સૌથી મોટો માગનો રેકોર્ડ છે. આ પહેલા આ માગ 260.45 ગીગાવોટ સુધી પહોંચી હતી. એ માગ પૂરી કરવામાં પણ સરકાર સફળ થઈ છે. 

સૌથી વધુ માગ એક દિવસની
મંગળવારે વીજળીની માગ 260.45 ગીગાવોટની થઈ હતી. જે અત્યાર સુધીના ટોચના સ્તર પર રહી છે.આ પાછળનું મુખ્ય કારણ આકરો તાપ અને ગરમી છે. તાપથી બચવા માટે લોકો એસી અને કૂલરનો વધુ વપરાશ કરી રહ્યા છે. આ ઉપરાંત ઠંડક પ્રદાન કરતા ડિવાઈસનો ઉપયોગ વધતા વીજળીની માગમાં તોતિંગ વધારો થયો હતો. સોમવારે 18 મેના બપોરે 257.37 ગીગાવૉટ સુધી આ માગ પહોંચી હતી. એ પહેલા 256.1 ગીગાવૉટ સુધી પહોંચી હતી. મંત્રાલયે અનુમાન લગાવતા કહ્યું હતું કે, આ વર્ષે મહત્તમ વીજમાગ 270 ગીગાવૉટ સુધી પહોંચી શકે છે. હવામાન ખાતાના રિપોર્ટ અનુસાર ઉત્તર પશ્ચિમ અને મધ્ય ભારતના મોટા ભાગના રાજ્યમાં આ અઠવાડિયું હજુ પણ લૂ યથાવત રહેશે.

ગરમીમાંથી કોઈ રાહત નહીં મળે
હીટવેવથી દિલ્હી સહિતના મહાનગરને કોઈ પ્રકારની રાહત મળવાની નથી. પંજાબ, હરિયાણા, રાજસ્થાન અને દિલ્હી સહિતના વિસ્તારમાં સોમવારે 24 મે સુધી લૂ ફૂંકાશે. એ પછી વાતાવરણમાં પલટો આવશે. આ દરમિયાન અનેક એવા મોટા શહેરના તાપમાનમાં રેકોર્ડબ્રેક વધારો થઈ શકે છે. ખાસ કરીને મેદાની ગણાતા પ્રદેશમાં ગરમી વધારે અનુભવાશે. બીજી તરફ વીજળીની માગ પણ આ દરમિયાન વધી શકે છે. દિલ્હી, જયપુર, હિંસાર, નોઈડા, ગાઝિયાબાદ અને ગુરૂગ્રામ જેવા શહેરમાં બપોરના સમયે રીતસર કુદરતી કર્ફ્યૂ લાગ્યો હોય એવું ચિત્ર જોવા મળી રહ્યું છે. સૂર્યાસ્ત બાદ પણ ગરમાવો ઓછો ન થતા, ઘર તેમ જ ઓફિસમાં બફારો અનુભવાઈ રહ્યો છે.