નવી દિલ્હીઃ ભારત અને ન્યૂઝીલેન્ડ ૨૭ એપ્રિલના રોજ મુક્ત વેપાર કરાર પર હસ્તાક્ષર કરશે. આ જાણકારી એક અધિકારીએ ગુરૂવારે આપી હતી. આ મુક્ત વેપાર કરારનો ઉદ્દેશ્ય સ્થાનિક નિકાસકારો પાસેથી માલ-સામાન માટે ટાપુ રાષ્ટ્રના બજારમાં ટેરીફ-ફ્રી પ્રવેશ પૂરો પાડવાનો છે. આ કરારથી આગામી ૧૫ વર્ષમાં ૨૦ અબજ અમેરિકન ડોલરનું રોકાણ આવશે.
બંને દેશોએ ગત વર્ષે ૨૨ ડિસેમ્બરના રોજ આ વેપાર કરાર માટે વાટાઘાટો પૂર્ણ કરવાની જાહેરાત કરી હતી. જેનો ઉદ્દેશ્ય આગામી પાંચ વર્ષમાં દ્વિપક્ષીય વેપારને બમણો કરીને પાંચ અબજ ડોલર સુધી પહોંચાડવાનો છે.
અધિકારીએ જણાવ્યું કે આ કરાર પર ૨૭ એપ્રિલના રોજ ભારત મંડપમ ખાતે ભારત-ન્યૂઝીલેન્ડ બિઝનેસ ફોરમની બેઠક પછી કરાર પર હસ્તાક્ષર કરવામાં આવશે. આ કરારથી ભારતને તેની ૧૦૦ ટકા નિકાસ પર ઝીરો-ડ્યુટી બજાર પ્રવેશ મળશે.
આ કરાર ન્યુઝીલેન્ડની ભારતમાં થતી ૯૫ ટકા નિકાસ પરના ટેરિફને દૂર કરશે અથવા ઘટાડશે. જેમાં ઉન, કોલસો, લાકડું, વાઇનથી લઇને એવોકાડો અને બ્લુબેરી સુધીની વસ્તુઓનો સમાવેશ થાય છે.
જો કે નવી દિલ્હીએ ખેડૂતો અને સ્થાનિક ઉદ્યોગની સુરક્ષા માટે દૂધ, ક્રીમ, છાશ, દહીં અને ચીઝ જેવા ડેરી ઉત્પાદનો તેમજ ડુંગળી, ખાંડ, મસાલા, ખાદ્ય તેલ અને રબર જેવા ડેરી ઉત્પાદનોની આયાત પર કોઇ છૂટ આપી નથી.
આ કરાર અંતર્ગત ન્યૂઝીલેન્ડને પણ ઘેટાનું માંસ, ઉન, કોલસો અને ૯૫ ટકાથી વધુ વનસંવર્ધન અને લાકડાના સામાન જેવી વસ્તુઓ પર કરમુક્ત પ્રવેશ મળશે. સેવા ક્ષેત્રની વાત કરીએ તો ન્યુઝીલેન્ડ કુશળ વ્યવસાયોમાં રોકાયેલા ભારતીય વ્યાવસાયિકો માટે એક કામચલાઉ રોજગાર પ્રવેશ વિઝા માર્ગ પ્રદાન કરશે.
જેમાં વાર્ષિક પ,૦૦૦ વિઝાનો ક્વોટા હશે અને ત્રણ વર્ષ સુધી રોકાણની મંજૂરી મળશે. અત્રે ઉલ્લેખનીય છે કે ૨૦૨૪-૨૫માં દ્વિપક્ષીય માલ-સામાન વેપાર ૧.૩ અબજ ડોલર રહ્યો હતો.