નવી દિલ્હી : યુક્રેનના ઓડેસા પોર્ટ રવાના થયેલા એક કોમર્શિયલ જહાજ પર થયેલા હુમલા બાદ આજે વિદેશ મંત્રાલયે રશિયાના પ્રભારી રાજદૂતને બોલાવ્યા છે. આ હુમલામાં ચાર ભારતીય નાગરિકોના મોત થયા હતા જ્યારે એકની હાલત ગંભીર છે.
19 જુલાઈની સાંજે હુમલો કરવામાં આવ્યો
આ અંગે વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, એમવી ગોલ્ડન લીઓ નામના જહાજ પર 19 જુલાઈની સાંજે હુમલો કરવામાં આવ્યો હતો. ત્યારે આ જહાજ ઓડેસા બંદરથી રવાના થઈ રહ્યું હતું. તેમાં પાંચ ભારતીય નાગરિકો સહિત કુલ 17 ક્રૂ સભ્યો હતા.
મંત્રાલયે આ હુમલાની નિંદા કરી
વિદેશ મંત્રાલયે આ હુમલાની નિંદા કરી હતી. આ હુમલામાં ચાર ભારતીય નાગરિકોના મોત થયા છે અને એકની હાલત ગંભીર છે. જેની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.
યુક્રેનની પરિસ્થિતિ પર નજીકથી નજર
તેમજ હાલમાં વિદેશ મંત્રાલય યુક્રેનની પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યું છે અને અસરગ્રસ્તોને શક્ય તેટલી બધી સહાય પૂરી પાડવાના પ્રયાસો કરી રહ્યું છે. અમે મૃતક ભારતીય નાગરિકોના પરિવારો પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરીએ છીએ અને ઘાયલ ભારતીય નાગરિક ઝડપથી અને સંપૂર્ણ સ્વસ્થ થાય તેવી આશા રાખીએ છીએ.
વેપારની સ્વતંત્રતામાં અવરોધ ઉભો કરવો નિંદનીય
વિદેશ મંત્રાલયે વધુમાં જણાવ્યું હતું કે ભારત આવા હુમલાઓની નિંદા કરે છે અને પુનરોચ્ચાર કરે છે કે કોમર્શિયલ જહાજોને નિશાન બનાવવા, નિર્દોષ નાગરિક, ક્રૂ સભ્યોના જીવનને જોખમમાં મૂકવા અથવા કોઈપણ રીતે દરિયાઈ પ્રવુતિઓ અને વેપારની સ્વતંત્રતામાં અવરોધ ઉભો કરવો નિંદનીય છે અને તે ટાળવો જોઈએ.