નવી દિલ્હીઃ મિડલ ઈસ્ટમાં ચાલી રહેલી લડાઈ વચ્ચે ભારત માટે ગૂડ ન્યૂઝ આવ્યા છે. હોર્મુઝમાંથી ભારતીય ધ્વજ ધરાવતા બે જહાજ પસાર થઈ ચૂક્યા છે, જે આવનારા દિવસોમાં ભારતની જળસીમા પહોંચશે. સંપૂર્ણ સુરક્ષા સાથે આ બે જહાજ પસાર થયા છે. આ જહાજમાં મહત્ત્વનો રાંધણ ગેસનો ભંડાર છે. મોટી માત્રામાં ગેસ ભારત આવી રહ્યો છે. એક રિપોર્ટ અનુસાર બે જહાજ ભારત આવી રહ્યા છે. જેમાં LPG ગેસ હોવાનું જાણવા મળી રહ્યું છે. આશરે 94000 ટન LPG ગેસનો સ્ટોક ભારત આવી પહોંચશે.
મુંબઈ પોર્ટ પર આવી શકે
BWTYR નામનું જહાજ મુંબઈ તરફ આગળ વધી રહ્યું છે, આવનારા દિવસોમાં મુંબઈ પોર્ટ પર આવી શકે છે. 31 માર્ચે મુંબઈ આવ્યા બાદ ગેસ વિતરણ અંગે પ્લાન નક્કી થશે. જ્યારે BWELM મેંગ્લુરૂ તરફ આવી રહ્યું છે. 1 એપ્રિલના રોજ મેંગ્લૂરૂ પોર્ટ પર સ્ટોપ થઈ શકે છે. ઈરાન-ઈઝરાયલ અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા યુદ્ધના કારણે હોર્મુઝ સ્ટ્રેટ જળમાર્ગ બંધ કરી દેવામાં આવ્યો છે, હવે ભારતીય જહાજને મંજૂરી મળી રહેતા આ બન્ને જહાજ ભારત આવી પહોંચશે.
આ જળમાર્ગ અખાતી દેશમાંથી ભારત સહિત દુનિયા ભરમાં જહાજ માટેનો મુખ્યરૂટ છે. મોટા ભાગના કેસમાં અહીંથી પસાર થતા જહાજમાં ક્રૂડ, ગેસ અને બીજા ફ્યુલ હોય છે. ગત અઠવાડિયે ઈરાને કહ્યું હતું કે, જે દુશ્મન દેશ નથી એમના જહાજ ઈરાની અધિકારી સાથે વાતચીત કર્યા બાદ પસાર થઈ શકે છે.
ગુજરાતમાં આવી પહોંચ્યા હતા જહાજ
આ પહેલા પણ ભારતીય રાષ્ટ્રધ્વજ જે જહાજ પર હોય એવા જહાજ સરળતાથી અને સુરક્ષિત રીતે હોર્મુઝમાંથી પસાર થઈ ચૂક્યા છે. પાઈન ગેન, જગ વસંત જે 92612 ટન LPG ગેસ લઈને જઈ રહ્યા હતા. એ 26 માર્ચ અને 28 માર્ચ વચ્ચે ભારતીય બંદર સુધી પહોંચ્યા હતા. એ પછી એમટી શિવાલિક, નંદાદેવી જે 92712 ટન LPG લઈને ભારત પહોંચ્યા હતા. શિવાલિક 16 માર્ચે ગુજરાતના મુંદ્રા બંદરે આવ્યું હતું, જ્યારે નંદાદેવી 17 માર્ચે કંડલા બંદર પહોંચ્યું હતું.
ભારતમાં ઉપયોગમાં લેવાતો LPG ગેસ 60 ટકા અખાતી દેશમાંથી આવે છે. આ જહાજ ભારત આવી જતા હવે ગેસની સપ્લાયને વધારે વેગ મળી રહેશે. સરકારે પણ સ્પષ્ટતા કરી હતી કે, દેશમાં ગેસની કોઈ રીતે કટોકટી નથી. આપણી પાસે પૂરતો સ્ટોક છે.
હોર્મુઝ સિવાય પણ મળે છે LPG
ભારત માત્ર હોર્મુઝ સ્ટ્રેટ પર નિર્ભર નથી. અમેરિકા અને આર્જેટિના પાસેથી પણ LPG ગેસની ખરીદી કરે છે. પર્શિયન ગલ્ફમાં કુલ 18 ભારતીય ધ્વજ ધરાવતા છે. જેના પર 485 ભારતીય નાવિક છે.મિડલ ઈસ્ટમાં યુદ્ધના કારણે 28 ભારતીય ધ્વજ ધરાવતા જહાજ હતા જેમાંથ 24 પશ્ચિમ તરફ અને ચાર પૂર્વી દિશામાં હતા.છેલ્લા કેટલાક દિવસોમાં પશ્ચિમ દિશામાંથી છ અને પૂર્વમાંથી બે જહાજ સુરક્ષિત રીતે નીકળવામાં સફળ થયા છે. જગ પ્રકાશ નામનું જહાજ ઓમાનથી આફ્રિકા સુધી પેટ્રોલ લઈ જઈ રહ્યું હતું. જે ટાન્ઝાનિયા તરફ સુરક્ષિત રીતે આગળ વધ્યું હતું.