Tue Aug 25 2026

Logo

દેશમાં એલપીજી ગ્રાહકોને 30 જૂન પૂર્વે  ઇ-કેવાયસી પ્રક્રિયા પૂર્ણ કરવા નિર્દેશ

2026-06-12 20:14:07
Author: Chandrakant Kanoja
દેશમાં એલપીજી ગ્રાહકોને 30 જૂન પૂર્વે  ઇ-કેવાયસી પ્રક્રિયા પૂર્ણ કરવા નિર્દેશ

નવી દિલ્હી : કેન્દ્ર સરકાર અને ઓઇલ કંપનીઓએ એલપીજી ગ્રાહકો માટે એક મહત્વની સૂચના આપી છે. જેમાં જે ગ્રાહકોએ એલપીજી કનેક્શન  હોવા છતાં ઇ-કેવાયસી પૂર્ણ નથી કર્યું તેમને આ પ્રક્રિયા ટૂંક સમયમાં પૂર્ણ કરવાની સલાહ આપવામાં આવે છે. આ ગ્રાહકોને 30 જૂન પૂર્વે આ કાર્યવાહી પૂર્ણ કરવા જણાવ્યું છે. 

30 જૂન સુધીમાં e-KYC પ્રક્રિયા પૂર્ણ કરવી જરૂરી

પેટ્રોલિયમ મંત્રાલયના જણાવ્યા  અનુસાર, પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના અને ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (DBT) યોજના સાથે જોડાયેલા લાભાર્થીઓએ 30 જૂન સુધીમાં તેમની e-KYC પ્રક્રિયા પૂર્ણ કરવી જરૂરી છે. આનો ઉદ્દેશ્ય લાભાર્થીઓની ઓળખ ચકાસવાનો અને ખોટા જોડાણોના વ્યાપને રોકવાનો છે. તેમજ જો સમયસર ચકાસણી પૂર્ણ કરવામાં નિષ્ફળ રહેલા ગ્રાહકો માટે સબસિડી અસ્થાયી રૂપે સ્થગિત થઈ શકે છે. જ્યારે ભવિષ્યના બુકિંગ પરના લાભો પછીથી e-KYC પૂર્ણ કરીને મેળવી શકાશે. 

આધાર કાર્ડથી  ચકાસણી ફરજિયાત બનાવવામાં આવી

આ અંગે મળતી માહિતી મુજબ, કેન્દ્ર સરકાર ઉજ્જવલા યોજના હેઠળ સબસીડીના લાભો અને અન્ય લાયક ગ્રાહકોને યોગ્ય રીતે સિલિન્ડર સપ્લાય થાય તે વ્યવસ્થા ઉભી કરવા માંગે છે. જેના લીધે આધાર કાર્ડથી  ચકાસણી ફરજિયાત બનાવવામાં આવી રહી છે. જો ગ્રાહકો નિર્ધારિત સમયમર્યાદામાં  ચકાસણી પૂર્ણ કરવામાં નિષ્ફળ જશે તો તેમને ભવિષ્યમાં સબસિડી મળવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. તેમજ ગેસ કનેક્શન સંબંધિત અન્ય સેવાઓ પર પણ અસર થઇ શકે છે.