Fri May 01 2026

Logo

મિડલ ઈસ્ટ સંકટ: ભારતમાં ઊર્જા કટોકટી નથી, વિદેશ મંત્રી જયશંકરે પાકિસ્તાન પર સાધ્યું નિશાન, કહ્યું દલાલ નહીં...

2026-03-25 21:30:24
Author: Mumbai Samachar Team
Article Image

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે દરેક રાજકીય પક્ષની બેઠક બોલાવી હતી જેમાં ખાતરી આપવામાં આવી છે કે, દેશમાં ઊર્જાની કોઈ કટોકટી નથી. ઊર્જા સુરક્ષા સંપૂર્ણ રીતે સુરક્ષિત છે. મિડલ ઈસ્ટમાં ચાલી રહેલી લડાઈને ધ્યાને લેતા આ સર્વપક્ષીય બેઠક બોલાવવામાં આવી હતી, જે આશરે દોઢ કલાક સુધી ચાલી હતી. આ બેઠકમાં રક્ષમંત્રી રાજનાથસિંહ, અમિત શાહ અને એસ. જયશંકર જેવા મોટા નેતાઓ પણ હાજર રહ્યા હતા. અહીંની બેઠકમાં વિદેશ પ્રધાનએ યુદ્ધ અને વિદેશ નીતિ અંગે મહત્ત્વનું નિવેદન આપ્યું હતું.

પેનિક થવાની જરૂર નથી

આ મિટિંગ દરમિયાન દરેક પાર્ટીને એવી ખાતરી આપવામાં આવી છે કે, મિડલ ઈસ્ટની સ્થિતિને લઈને હેરાન-પરેશાન થવાની કોઈ જરૂર નથી. ઊર્જાની કોઈ કમી દેશમાં નહીં ઊભી થાય. LPG ગેસ ઉત્પાદન પણ 60 ટકા સુધી વધી ગયું છે. આ બેઠકમાં એસ. જયશંકરને મિડલ ઈસ્ટની સ્થિતિને લઈને સવાલ કરવામાં આવ્યા હતા. 

મિડલ ઈસ્ટની જંગ ખતમ કરવા માટે અમેરિકા-ઈરાનની વાર્તામાં પાકિસ્તાને મધ્યસ્થી કરી હતી. જેને લઈને જયશંકરે કહ્યું હતું કે, ભારત એ પાકિસ્તાન જેવો કોઈ દલાલ દેશ નથી. આપણે કોઈ પ્રકારની આવી દલાલી ન કરી શકીએ. વિદેશમંત્રી જયશંકરને પૂછવામાં આવ્યું કે, વડા પ્રધાન મોદી અને ટ્રમ્પ વચ્ચે શું વાતચીત થઈ એનો જવાબ આપતા પીએમ મોદીએ કહ્યું કે, આ યુદ્ધ ખતમ તો થવું જોઈએ કારણ કે, આનાથી હવે નુકસાન થઈ રહ્યું છે. 

ટ્રમ્પે શેર કર્યો સ્ક્રિન શોટ

જયશંકરે કહ્યું હતું કે, ચાર જહાજ ભારત આવી ચૂક્યા છે હજું કેટલાક આવવાના બાકી છે. ખાડીના દેશમાં ફસાયેલા ભારતીયોને લઈ અમે ભારતીય દૂતાવાસના સતત સંપર્કમાં છીએ અને કામ પણ કરી રહ્યા છીએ. અત્યાર સુધીમાં કુલ 4.25 લાખ ભારતીયોને સુરક્ષિત વતન લાવવામાં આવ્યા છે. 
પાકિસ્તાનની ભૂમિકાને લઈને જ્યારે ધર્મેન્દ્ર યાદવ અને મુકુલ વાસનિકે સવાલ કર્યો ત્યારે સરકારે કહ્યું કે, પાકિસ્તાન આવી મધ્યસ્થી વર્ષ 1981થી કરતું આવ્યું છે. આ મુદ્દે જયશંકરે કહ્યું હતું કે ભારત પાકિસ્તાનની જેવો કોઈ દલાલ દેશ નથી. આપણે દલાલ બની શકીએ નહીં. મિડલ ઈસ્ટમાં ચાલી રહેલી લડાઈને રોકવામાં પાકિસ્તાન હવે મધ્યસ્થીની ભૂમિકામાં છે. શાહબાઝ શરીફે પોસ્ટ કરી હતી કે સંઘર્ષને ખતમ કરવા માટે પૂરતા અને નિર્ણાયક પ્રયાસ થઈ રહ્યા છે. સમજૂતીના આયોજન માટે પાકિસ્તાન તૈયાર છે. આ પોસ્ટનો સ્ક્રિનશોટ અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પે શેર કર્યો હતો. 

દોઢ કલાક સુધી ચાલી બેઠક 

આ બેઠક દોઢ કલાક સુધી ચાલી હતી. મંત્રી કિરણ રીજીજૂએ કહ્યું હતું કે, જેટલા સવાલ અને ભ્રમ હતા એ સરકારે સ્પષ્ટ કર્યા છે. સભ્યો હોર્મુઝ સ્ટ્રેટની સ્થિતિ, પેટ્રોલ ડ઼ીઝલ અને ગેસની સ્થિતિ અંગે જાણવા માગતા હતા. બધા સભ્યો એ વાતથી સંતુષ્ટ છે કે, ભારતમાં પહેલાથી જ ચાર જહાજ આવી ચૂક્યા છે. વિપક્ષ પણ સરકારના કામથી સંતુષ્ટ છે. ઈરાન, ઇઝરાયલ અને યુનાઇટેડ સ્ટેટ્સ વચ્ચેના સંઘર્ષને કારણે પશ્ચિમ એશિયામાં ઊભી થયેલી પરિસ્થિતિની ભારત પર શું અસર પડશે અને સરકારે ભારતના લોકો માટે કયા પગલાં લીધાં છે? સરકારે આ પ્રશ્નોના વિગતવાર અને વ્યાપક જવાબો આપ્યા છે. મને એ જણાવતા આનંદ થાય છે કે સરકારે સમગ્ર વિપક્ષ દ્વારા ઉઠાવવામાં આવેલા તમામ પ્રશ્નોના જવાબ આપ્યા છે.

પૂરતો સ્ટોક છે ભારતમાં
સૂત્રોના જણાવ્યા અનુસાર, સરકારે જણાવ્યું છે કે દેશમાં તેલ અને ગેસનો પૂરતો ભંડાર ઉપલબ્ધ છે. દેશની ઉર્જા જરૂરિયાતો સંપૂર્ણપણે પૂર્ણ થઈ રહી છે. સરકારે વધુમાં નોંધ્યું હતું કે એડવાન્સ બુકિંગ પહેલાથી જ સુરક્ષિત કરવામાં આવ્યું છે, અને હાલમાં ઘણા દેશો સાથે ચર્ચા ચાલી રહી છે. તેલ અને ગેસના પુરવઠામાં કોઈપણ સંભવિત વિક્ષેપોને રોકવા માટે, વિવિધ સ્ત્રોતો સાથે વાટાઘાટો હાથ ધરવામાં આવી રહી છે. હોર્મુઝ સ્ટ્રેટ દ્વારા એલપીજી અને પુરવઠાની ઉપલબ્ધતા અંગે વિપક્ષ દ્વારા ઉઠાવવામાં આવેલી ચિંતાઓને સંબોધતા, સરકારે જણાવ્યું હતું કે પરિસ્થિતિ સંપૂર્ણપણે નિયંત્રણમાં છે અને આગામી ચારથી પાંચ દિવસમાં ચાર જહાજો બંદરો પર પહોંચવાનો અંદાજ છે.

દરેક સ્થિતિ પર નજર છે

સરકારે એ પણ ખાતરી આપી હતી કે તે ભૂ-રાજકીય પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી રહી છે અને કોઈપણ દબાણ હેઠળ કામ કરી રહી નથી. તેણે સ્પષ્ટ કર્યું હતું કે ચિંતાનું કોઈ કારણ નથી અને ગભરાવાની કોઈ જરૂર નથી. વધુમાં, સરકારે જણાવ્યું હતું કે તે તમામ હિસ્સેદારોને સાથે લેવાનો પ્રયાસ કરી રહી છે અને કોઈ પણ સમયે સરકાર સાથે વાતચીતમાં જોડાવા માટે વિપક્ષનું સ્વાગત છે. સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે ભાર મૂક્યો હતો કે ભારતીય લોકોના હિતોનું રક્ષણ કરવું સર્વોચ્ચ મહત્વ છે. વિદેશ સચિવે ભૂ-રાજકીય પરિસ્થિતિ પર વિગતવાર બ્રીફિંગ આપ્યું હતું, જેમાં વર્તમાન મિડલ ઇસ્ટનો સંઘર્ષ અને ઊર્જા સુરક્ષા સંબંધિત મુદ્દાઓનો સમાવેશ થાય છે.

પરમાણુ મુદ્દે મહત્ત્વની સ્પષ્ટતા

વિપક્ષી નેતાઓએ એવો પણ પ્રશ્ન ઉઠાવ્યો કે અમેરિકા અને ઇઝરાયલે ઈરાન પર હુમલા કેમ કર્યા. જવાબમાં વિદેશ સચિવના અહેવાલ મુજબ જણાવ્યું હતું કે ઈરાને ખાતરી આપી હતી કે તે પરમાણુ પરીક્ષણો નહીં કરે. જોકે, તે તે દિશામાં આગળ વધી રહ્યું હોય તેવું લાગે છે, જેના કારણે આ હુમલાઓ થયા. 
આ બેઠક સંસદ ભવનમાં સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહની અધ્યક્ષતામાં યોજાઈ હતી સર્વપક્ષીય બેઠકમાં વિવિધ પક્ષોના પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો, જેમાં બીજેડી તરફથી સસ્મિત પાત્રા, જેડી(યુ) તરફથી લલન સિંહ, કોંગ્રેસના નેતાઓ મુકુલ વાસનિક અને તારિક અનવર, સમાજવાદી પાર્ટી તરફથી ધર્મેન્દ્ર યાદવ અને સીપીઆઈ(એમ) સાંસદ જોન બ્રિટાસનો ઉપસ્થિત રહ્યા હતા.