સુરતઃ શહેરમાં વાત સાંભળતા પણ ફફડી જવાય તેવી ઘટના સામે આવી હતી. પરિવાર સાથેના કંકાસમાં ઘર છોડીને નીકળી ગયેલી યુવતીને દેહના સોદાગરોએ હવસખોરીના ધંધામાં ધકેલી દીધી હતી. યુવતીને બ્યુટી પાર્લર મેનેજર - ફાયનાન્સરે વારંવાર સેક્સની ફરજ પાડી હતી. તેમજ ફાર્મહાઉસમાં તેના માલિકો પાસે મોકલવામાં આવતી હતી.
શું છે સમગ્ર મામલો
સુરતમાં એક યુવતીને દેહવ્યાપારના ધંધામાં ધકેલી દેવા, વિવિધ સ્થળોએ લઈ જઈ તેની મરજી વિરુદ્ધ શારીરિક શોષણ કરાવવા તથા કમિશનના ધંધા માટે તેનો ઉપયોગ કર્યાના ગંભીર આક્ષેપો સાથે નોંધાયેલી ફરિયાદથી ચકચાર મચી ગઈ હતી. પોલીસ ફરિયાદ મુજબ, મૂળ બોટાદ જિલ્લાની યુવતીને પરિવાર સાથે મતભેદ થયા બાદ તેની ફોઈની દીકરીને ત્યાં રહેવા આવી હતી. શરૂઆતમાં કામરજે વિસ્તારમાં રહેતી યુવતીને બાદમાં ફોઈની દીકરી તથા તેના પરિચિત ગોવિંદ સતવારા દ્વારા કઠોર-વેલંજા રોડ પર આવેલા એક મકાનમાં લઈ જવાઈ હતી. ત્યાં રાજુ ભંડેરી અને એક મહિલા દ્વારા કુટણખાનું ચલાવવામાં આવતું હતું.
યુવતીએ પોલીસ ફરિયાદમાં જણાવ્યા અનુસાર, તેને ત્યાં રહેવા માટે મજબૂર કરવામાં આવતી હતી અને અલગ-અલગ ગ્રાહકો સાથે શારીરિક સંબંધ બાંધવા દબાણ કરવામાં આવતું હતું. તેના બદલામાં આરોપીઓ ગ્રાહકો પાસેથી રૂપિયા વસૂલતા હતા, જ્યારે તેને કોઈ આર્થિક લાભ આપવામાં આવતો નહોતો. વિરોધ કરતાં જાનથી મારી નાખવાની અને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકીઓ પણ આપવામાં આવતી હતી.
આ ઉપરાંત યુવતીને પુણાગામ, ભેસ્તાન, ઉધના, સચિન, પાડેસરા, સાયણ સહિતના વિસ્તારો તેમજ ઓલપાડ અને કારેલી વિસ્તારના ફાર્મહાઉસોમાં લઈ જવાતી હતી. ત્યાં તેની મરજી વિરુદ્ધ રાજુ ભંડેરી સહિત વિવિધ વ્યક્તિઓ અને ફાર્મહાઉસના માલિકોએ તેની સાથે દુષ્કર્મ આચર્યુ હતું. ફરિયાદમાં જણાવ્યા મુજબ, એપ્રિલ-2026 દરમિયાન તે આરોપીઓના કબજામાંથી બહાર નીકળી ગઈ હતી. જોકે ત્યારબાદ આશુ નામની મહિલાએ પણ તેને દેહવ્યાપાર માટે દબાણ કર્યું હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.
આ પછી યુવતીએ પોલીસમાં અરજી કરતાં આરોપીઓએ ફરિયાદ પાછી ખેંચવા માટે દબાણ કર્યું હતું અને રાજકીય તથા પોલીસ તંત્રમાં ઓળખાણ હોવાની ધમકીઓ આપી હતી. આ ઘટના બાદ યુવતી ઉધના રેલવે સ્ટેશન નજીક એક મહિલાના સંપર્કમાં આવી હતી. જેમણે તેને આશરો આપ્યો હતો. ત્યારબાદ યુવતીએ વકીલ અને ઓળખીતાની હાજરીમાં પોલીસ સમક્ષ વિગતવાર ફરિયાદ નોંધાવી હતી. જે બાદ પોલીસે આરોપીઓને પકડવાના ચક્રો ગતિમાન કર્યા હતા.