Mon Oct 05 2026

Logo

ગુજરાત વિધાનસભામાં કૉંગ્રેસના કયા ધારાસભ્ય વંદે માતરમ્ ગાવા ઉભા ન થયા

2026-09-09 13:20:00
Author: Mayur Patel
ગુજરાત વિધાનસભામાં કૉંગ્રેસના કયા ધારાસભ્ય વંદે માતરમ્ ગાવા ઉભા ન થયા

ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાના ચોમાસું સત્રની આજથી શરૂઆત થઈ છે. વિધાનસભા સત્રની કાર્યવાહી વંદે માતરમ્ સાથે થઈ હતી. જોકે વંદે માતરમ્  ના ગાન સમયે કૉંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા ઉભા થયા નહોતા, જ્યારે અન્ય કૉંગ્રેસના અન્ય ધારાસભ્યો ઉભા થયા હતા. જે બાદ ભાજપે ઈમરાન ખેડાવાલા પર પ્રહાર કર્યા હતા.

 

ભાજપે ખેડાવાલા પર પ્રહાર કરતાં કહ્યું, આ કૉંગ્રેસનું સ્ટેન્ડ છે કે એમનું વ્યક્તિગત જાહેર કરવું જોઈએ. આવી ઘટના અગાઉ બની નથી, જો જાણી જોઈને કર્યું હોય તો માફી માગવી જોઈએ. સરકાર આ વાતને ગંભીરતથી લીધી છે,  વિધાનસભા અધ્યક્ષને રજૂઆત કરવામાં આવશે. સંસદીય પ્રણાલીઓ રહેલી છે, એ બધું કોંગ્રેસ જાણે છે છતાં આવું કર્યું છે.

9 વિધેયક ગૃહમાં રજૂ કરાશે

ચોમાસુ સત્ર દરમિયાન સરકાર દ્વારા કુલ 9 વિધેયક ગૃહમાં રજૂ કરવામાં આવશે. વિવિધ મુદ્દાઓને લગતા આ વિધેયકો રજૂ થયા બાદ તેના પર ગૃહમાં ચર્ચા કરવામાં આવશે અને સરકારી કામકાજ આગળ વધારવામાં આવશે.

સરકાર જનતાના તમામ પ્રશ્નોના ઉત્તર આપવા માટે સંપૂર્ણપણે તૈયારઃ સીએમ ભૂપેન્દ્ર પટેલ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિધાનસભા ગૃહ ખાતે પહોંચીને મીડિયા સમક્ષ મહત્વનું નિવેદન આપ્યું હતું.મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે આજથી શરૂ થઈ રહેલા આ સત્ર દરમિયાન ત્રણેય દિવસ સરકારી બિલોની સાથે-સાથે પ્રજાના મહત્વના પ્રશ્નો ઉપર સઘન ચર્ચા કરવામાં આવશે. સરકાર જનતાના તમામ પ્રશ્નોના ઉત્તર આપવા માટે સંપૂર્ણપણે તૈયાર છે અને આ સત્ર દરેક ધારાસભ્ય માટે જનતાના પ્રશ્નો અને રજૂઆતો ગૃહમાં મૂકવા માટેનો એક ઉત્તમ અવસર પૂરો પાડે છે, જેથી ગૃહમાં ખૂબ સારી રીતે સકારાત્મક ચર્ચાઓ થાય તેવી અપેક્ષા છે.

આમ આદમી પાર્ટીના ધારાસભ્યોએ નારા લગાવ્યા

ગુજરાત વિધાનસભાના સત્રના પ્રારંભે આમ આદમી પાર્ટી દ્વારા વિધાનસભા પ્રવેશદ્વાર પર અનોખો વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો, જેમાં પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવી સહિત ધારાસભ્યો ચૈતર વસાવા અને ગોપાલ ઇટાલિયા હાજર રહ્યા હતા. આપના નેતાઓ અને ધારાસભ્યો ખેડૂતોને પૂરતું પાણી આપો અને ખેડૂતોને સહાય આપો ના નારા લગાવીને તથા વિરોધના પ્રતીકરૂપે હાથમાં ઘાસચારો લઈને વિધાનસભા પહોંચ્યા હતા અને સરકાર સમક્ષ ખેડૂતોના પ્રશ્નોનું નિરાકરણ લાવવાની ઉગ્ર માંગ કરી હતી.