Wed Sep 09 2026

Logo

સૌરાષ્ટ્રના ઘેડ વિસ્તારના વિકાસ માટે મહત્વનો નિર્ણય, રૂપિયા 1423 કરોડની યોજનાને મંજૂરી...

2026-03-13 17:58:30
Author: Chandrakant Kanoja
સૌરાષ્ટ્રના ઘેડ વિસ્તારના વિકાસ માટે મહત્વનો નિર્ણય, રૂપિયા 1423 કરોડની યોજનાને મંજૂરી...

ગાંધીનગર: ગુજરાતના ખેડૂતો અને ગામજનોના હિતમાં સૌરાષ્ટ્રમાં સોરઠી ઘેડ અને બરડા ઘેડ વિસ્તારમાં ભરાતા વરસાદી પાણીના કાયમી ઉકેલ માટે કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવી છે. ચોમાસા દરમિયાન ઘેડ વિસ્તારમાં ભરાતા વરસાદી પાણીના કાયમી નિકાલ માટે મુખ્યમંત્રી દ્વારા કુલ રૂ. 1423 કરોડની મંજૂરી આપવામાં આવી છે. આ પ્રોજેક્ટ અંતર્ગત ઘેડ વિસ્તારના 6 તાલુકાના ગામ તેમજ  ખેડૂતોને આ યોજનાનો લાભ મળશે. જેમાં ફેઝ -1 ના 17 અને ફેઝ –2 ના 12 કામો આગામી બે વર્ષમાં પૂર્ણ કરવાનું આયોજન છે. 

કન્સલટન્ટ એજન્સી દ્વારા સર્વેનું કામ પૂર્ણ કરવામાં આવ્યું
 
જળ સંપત્તિ મંત્રી ઈશ્વરસિંહ પટેલે આ પ્રોજેકટ અંગે વધુ વિગતો આપતાં કહ્યું હતું કે, ઘેડ વિસ્તારમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યાનો  કાયમી ઉકેલ લાવવા માટે રાજ્યમાં માટે ઘેડ વિસ્તારના પાણી નિકાલના અભ્યાસ માટે કન્સલટન્ટ એજન્સી દ્વારા સર્વેનું કામ પૂર્ણ કરવામાં આવ્યું છે. એજન્સી દ્વારા રજૂ કરાયેલ પ્રાથમિક અહેવાલ મુજબ ઘેડ વિસ્તારના પાણી નિકાલના કામો માટે રાજ્ય સરકાર દ્વારા સોરઠી ઘેડ માટે ગત જાન્યુઆરી- 2025 માં રૂ. 1184.18 કરોડ અને બરડા ઘેડ માટે રૂ. 350.01 કરોડ એમ કુલ અંદાજીત રૂ. 1534.19 કરોડની સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી હતી.

ચાર-પાંચ મહિના સુધી આખો વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ રહે છે

જૂનાગઢ, પોરબંદર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાંથી વહેતી ભાદર, ઓઝત, મધુવંતી, મીણસાર, વર્તુ, સની અને સોરઠી વગેરે નદીના મુખ ત્રિકોણ પ્રદેશથી સોરઠી ઘેડ અને બરડા ઘેડ વિસ્તાર બનેલો છે. આ નદીઓના મુખ પાસે બઘી નદીઓ સપાટ, છીછરી અને કાંઠા વગરની હોવાથી પૂરના પાણી કાંઠા બહાર ફેલાઇ સમગ્ર ઘેડ વિસ્તારમાં ફરી વળે છે. ખાસ કરીને ચોમાસાની શરૂઆતથી લગભગ ચાર-પાંચ મહિના સુધી આખો વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ રહે છે તેથી આ વિસ્તારના ખેડૂતોને ચોમાસા દરમિયાન ખેતી કરવામાં મુશ્કેલી અનુભવાય છે. 

ફેઝ ૧, ૨ અને ૩ માં કામોનું આયોજન કરવામાં આવ્યું

મંત્રીએ કામોની સ્થિતિ અંગે કહ્યું હતું કે, ઘેડ વિસ્તારની સમસ્યાના નિવારણ માટે ત્રણ તબક્કામાં એટલે કે ફેઝ ૧, ૨ અને ૩ માં કામોનું આયોજન કરવામાં આવ્યું  છે. જેમાં સોરઠી અને બરડા ઘેડ વિસ્તારમાં વરસાદી પાણીનાં નિકાલ માટેના આયોજન પૈકી ફેઝ- ૧ના કામો માટે રાજ્ય સરકાર દ્વારા એપ્રિલ-૨૦૨૫ના રોજ  કુલ અંદાજીત રકમ રૂ. ૧૩૯.૪૨ કરોડની વહીવટી મંજૂરી આપવામાં આવી હતી. જેમાં હયાત નદી/કેનાલનું ડીસીલ્ટીંગ કરવું, પાણીના પ્રવાહને અવરોધરૂપ ઝાડી ઝાંખરા/વૃક્ષોનું જંગલ કટીંગ કરવું, પાણીના વહેણમાં અવરોધ રૂપ ચેકડેમ તેમજ અન્ય બાંધકામોને દૂર કરવા જેવા કામો હાથ ધરવામાં આવશે.
 
આગામી ચોમાસા-2026  પહેલા પૂર્ણ કરવાનું આયોજન 

મંત્રી  ઇશ્વરસિંહે જણાવ્યું હતું કે, હાલની સ્થિતિએ ફેઝ-1  ના કામો પૈકી જૂનાગઢ જિલ્લાના સોરઠી ઘેડ વિસ્તારમાં કુલ-3  કામ, પોરબંદર જિલ્લાના સોરઠી ઘેડ વિસ્તારમાં કૂલ-7  કામ અને  બરડા ઘેડ વિસ્તારમાં કૂલ-7  કામ મળીને કૂલ-17  કામો જેમાં નદી/વોંકળા/કેનાલોના ખોદાણની કામગીરી પ્રગતિ હેઠળ છે. જે આગામી ચોમાસા-2026  પહેલા પૂર્ણ કરવાનું આયોજન છે. 

મંત્રીએ ફેઝ-2 ના કામોના આયોજન અંગે જણાવ્યું હતું કે,સોરઠી અને બરડા ઘેડ વિસ્તારમાં વરસાદી પાણીના નિકાલ માટેના આયોજન પૈકી ફેઝ ૨ના કામો માટે કન્સલટન્ટ દ્વારા કરેલ રીપોર્ટને આઇઆઇટી, ગાંધીનગર પાસે રીવ્યુ કરાવી રાજ્ય સરકાર દ્વારા સોરઠી ઘેડ માટે રૂ.1118.54  કરોડ અને બરડા ઘેડ માટે રૂ. 304.86  કરોડ એમ કુલ અંદાજીત રૂ1423.4 કરોડની વહીવટી મંજૂરી આપવામાં આવી છે. 

જળ સંગ્રહ શક્તિ વધારવાના કામો કરવામાં આવશે

જેમાં નદી કાંઠાઓના બેન્ક પ્રોટેક્શનના કામો, નદી, કેનાલ, વોંકળાના ડિસિલ્ટીંગ, જંગલ કટીંગ, બંધ વોંકળાઓ પુનર્જીવિત કરવા, નદી પરના નાના/સાંકળા ગાળાવાળા સી.ડી. વર્ક્સને તોડીને તેની જગ્યાએ નવા મોટા ગાળા વાળા સી.ડી. વર્ક્સ બનાવવા તેમજ જરૂરિયાત મુજબ વોટર ડીવાઈડ સ્ટ્રક્ચર બનાવવા, હયાત ટાઈડલ રેગ્યુલેટરની જગ્યાએ વધુ પાણી નિકાલની ક્ષમતાવાળું ટાઈડલ રેગ્યુલેટરનું આયોજન જરૂરી હોય ટાઈડલ રેગ્યુલેટરની નવીનીકરણની કામગીરી કરવામાં આવશે. વધુમાં પાણીનો વ્યય અટકાવવા અને પાણીની ઉપયોગીતાઓ વધારવા  હયાત સ્ટ્રકચરો  જેવા કે તળાવ અને ટાઈડલ રેગ્યુલેટરને ઉંડા-પહોળા કરી જળ સંગ્રહ શક્તિ વધારવાના કામો કરવામાં આવશે. 

પ્રોજેક્ટ પૂર્ણ થવાથી પાણી ભરાવાની સમસ્યાનો કાયમી ઉકેલ આવશે

જૂનાગઢ જિલ્લાના કેશોદ, માણાવદર અને માંગરોળ તાલુકા તથા પોરબંદર જિલ્લાના પોરબંદર, રાણાવાવ અને કુતિયાણા તાલુકામાં સૌરાષ્ટ્રની ભાદર, ઓઝત, મઘુવંતી, મીણસાર વગેરે નદીના મુખત્રિકોણ પ્રદેશથી બનેલા વિસ્તારને ઘેડ વિસ્તાર તરીકે ઓળખાય છે. આ ઘેડ વિસ્તારમા મુખ્યત્વે સોરઠી ઘેડ જૂનાગઢ તેમજ પોરબંદર અને બરડા ઘેડ- પોરબંદર વિસ્તારનો સમાવેશ થાય છે.  આ પ્રોજેક્ટ પૂર્ણ થવાથી પાણી ભરાવાની સમસ્યાનો કાયમી ઉકેલ આવશે જેનો સૌથી વધુ ફાયદો આ વિસ્તારના ખેડૂતો અને ગામોને થશે.