આપણામાંથી મોટાભાગના લોકો સ્પોર્ટ્સ શૂઝ કે નોર્મલ શૂઝ તો ડે ટુ ડે લાઈફમાં પહેરતાં જ હશે, હવે જો તમે પણ શૂઝ પહેરતા હોવ તો તમને પણ ખ્યાલ હશે કે આ શૂઝમાં આગળની બાજુએ લેસ અને પાછળની બાજુએ એક ખાસ પ્રકારની પટ્ટી જોવા મળે છે. પરંતુ શું તમને ખબર છે કે શૂઝના પાછળના ભાગમાં જોવા મળતી આ પટ્ટીનું કામ શું હોય છે કે પછી એ બસ શૂઝના ડિઝાઈનનો એક હિસ્સો છે? ચાલો આજે તમને બૂટની પાછળ જોવા મળતી આ પટ્ટીનું શું કામ છે એ વિશે જણાવીએ...
આપણામાંથી અનેક લોકો બૂટની પાછળ લાગેલી નાની પટ્ટી કે લૂપને માત્ર શૂઝની ડિઝાઈનનો એક હિસ્સો સમજતા હતા, પરંતુ હકીકત કંઈક અલગ જ છે. દેખાવમાં નાની લાગતી આ પટ્ટી એ શૂઝનું સૌથી વધુ મહત્ત્વનું અને યુઝફૂલ ફિચર છે. આ લૂપને ટેકનિકલ ભાષામાં 'પુલ લૂપ' (Pull Loop) કહેવામાં આવે છે. 19મી સદીમાં અમેરિકામાં તેની શરૂઆત થઈ હતી અને આજે તે દરેક સ્પોર્ટ્સ શૂઝ કે બૂટ્સનો મહત્વનો હિસ્સો બની ગયો છે.
એડજસ્ટમેન્ટ માટે છે ખૂબ જ કામનું
જ્યારે તમે બૂટમાં પગ નાખો છો, ત્યારે ઘણીવાર પાછળનો ભાગ અંદર વળી જતો હોય છે. આ લૂપને આંગળીથી પકડીને ઉપર ખેંચવાથી બૂટ આરામથી પગમાં ફિટ થઈ જાય છે. ખાસ કરીને લાંબા બૂટ્સ પહેરતી વખતે આ લૂપ એડજસ્ટમેન્ટ માટે ખૂબ કામ લાગે છે.
લેસ ટાઈટલી બંધાય
જો તમારા બૂટની દોરીઓ વધુ લાંબી હોય અથવા તમે ટ્રેકિંગ કે દોડવા જઈ રહ્યા હોવ, તો લેસને પાછળના લૂપમાંથી પસાર કરીને આગળ બાંધી શકાય છે. આનાથી બૂટ પગમાં વધુ મજબૂતીથી પકડ જમાવે છે અને દોરીઓ પગમાં અટકાતી નથી.
ધોયેલા બૂટને સૂકવવા કે લટકવવા
જ્યારે બૂટ ધોયા હોય અથવા ભીના થયા હોય, ત્યારે તેને દોરીથી લટકાવવાને બદલે આ લૂપની મદદથી ખીંટી કે હેંગર પર લટકાવી શકાય છે. આનાથી બૂટનો આકાર બગડતો નથી અને તે ઝડપથી સુકાઈ જાય છે.
ટ્રાવેલિંગ દરમિયાન બેગમાં લટકાવવા
જી હા, શૂઝની પાછળના ભાગમાં જોવા મળતી આ પટ્ટી ટ્રાવેલિંગ દરમિયાન બેગની બહાર શૂધ લટાકાવવા માટે ખૂબ જ કામની સાબિત થાય છે. આ લૂપમાં દોરી પરોવીને બૂટને બેગની બહારની બાજુએ લટકાવી શકાય છે. પર્વતારોહકો અને ટ્રેકર્સ ઘણીવાર આ ટ્રીકનો ઉપયોગ કરે છે જેથી ગંદા બૂટ બેગની અંદરના કપડાં બગાડે નહીં.