Wed Aug 19 2026

Logo

કચ્છમાં ખાડી દેશોના યુદ્ધની અસર, કોમર્શિયલ ગેસનો પુરવઠો ખોરવાતા  રેસ્ટોરન્ટ ઉદ્યોગ પર સંકટ

2026-03-11 17:26:03
Author: Mumbai Samachar Team
Article Image

ભૂજ : ઈઝરાયેલ-અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા ભયાનક યુદ્ધની સ્થિતિએ વૈશ્વિક અર્થતંત્રને હચમચાવી દીધું છે, જેની સીધી અસર હવે છેવાડાના કચ્છ જિલ્લાના ઉદ્યોગો પર જોવા મળી રહી છે. આંતરરાષ્ટ્રીય સ્તરે પેટ્રોલિયમ પેદાશો અને ગેસના સપ્લાયમાં આવેલા મોટા અવરોધના કારણે કચ્છમાં કોમર્શિયલ ગેસનો પુરવઠો ઠપ થઈ ગયો છે. પરિણામે સ્થાનિક હોટેલ અને રેસ્ટોરન્ટ માલિકો મુશ્કેલીમાં મુકાયા છે.

ગેસના જથ્થામાં મોટો ઘટાડો થયો 

સમગ્ર ભારતમાં હાલમાં કોમર્શિયલ ગેસની ભારે અછત વર્તાઈ રહી છે. ખાડી દેશોમાં ચાલતા સંઘર્ષને કારણે આયાત થતા ગેસના જથ્થામાં મોટો ઘટાડો થયો છે. ભારત સરકાર દ્વારા પરિસ્થિતિની ગંભીરતાને સમજીને તમામ રિફાઈનરીઓને કડક સૂચના આપવામાં આવી છે કે તેઓ બ્યુટોન અને પ્રોપેન જેવા ગેસ ઘટકોનો મહત્તમ ઉપયોગ માત્ર 'ડોમેસ્ટિક' એટલે કે ઘરેલું ગેસ બનાવવા માટે જ કરે. સરકારની પ્રાથમિકતા સામાન્ય નાગરિકોના રસોડાને સુરક્ષિત રાખવાની હોવાથી, કોમર્શિયલ સેક્ટરને મળતો પુરવઠો હાલ ડાયવર્ટ કરવામાં આવ્યો છે.

કચ્છમાં દરરોજના સરેરાશ 2100  કોમર્શિયલ સિલિન્ડરની માંગ

આ અંગે પુરવઠા તંત્રના અધિકારી અર્શ હાશ્મીએ જણાવ્યું હતું કે, રાજકોટથી કચ્છ તરફ આવતો કોમર્શિયલ ગેસનો સપ્લાય હાલ પૂરતો અટકાવી દેવાયો છે. કચ્છમાં દરરોજના સરેરાશ 2100  કોમર્શિયલ સિલિન્ડરની માંગ છે, જેની સામે હાલ જથ્થો નહિવત છે. જરૂરિયાત કરતા કોમર્શિયલ ગેસનો અડધો જ જથ્થો ઉપલબ્ધ છે. જો સ્થિતિ વહેલી તકે નહીં સુધરે, તો રેસ્ટોરન્ટ્સ અડધો દિવસ ચાલુ રાખવા પડશે અથવા બંધ કરવાની ફરજ પડશે, જેનાથી હજારો કર્મચારીઓની રોજીરોટી છીનવાઈ શકે છે તેમ ભુજ રેસ્ટોરન્ટ એસોસિએશનના પ્રમુખ તપન રાઠીએ જણાવ્યું હતું. 

 રસોડું ચલાવવું ખૂબ જ કઠિન બની જશે

બીજી તરફ, ભુજનાએક  ડાઇનિંગ હોલના તીરલ ઠક્કરે રાંધણ ગેસની વર્તમાન અછત અંગે વાત કરતા જણાવ્યું હતું કે, "ગેસના પુરવઠામાં જે રીતે અચાનક કાપ આવ્યો છે તેનાથી રોજિંદા કામકાજમાં મોટી મુશ્કેલી ઊભી થઈ છે. જો પરિસ્થિતિ જલ્દી થાળે નહીં પડે તો ગ્રાહકોને સેવા પૂરી પાડવી અને રસોડું ચલાવવું ખૂબ જ કઠિન બની જશે.

ગેસનો પુરવઠો સંપૂર્ણપણે સુરક્ષિત અને નિયમિત

આ દરમિયાન જિલ્લા કલેક્ટર દ્વારા પરિસ્થિતિનો લાભ લઈ કાળાબજાર કે સંગ્રહખોરી કરતા તત્વો સામે 'આવશ્યક ચીજવસ્તુ ધારા' હેઠળ કડક કાર્યવાહીના આદેશ અપાયા છે. ઘરેલું ગેસનો પુરવઠો સંપૂર્ણપણે સુરક્ષિત અને નિયમિત છે. નાગરિકોએ અફવાઓથી દૂર રહેવું અને બિનજરૂરી રીતે સિલિન્ડરનો સંગ્રહ ન કરવો તેવી અપીલ પુરવઠા વિભાગ દ્વારા કરવામાં આવી છે.

( ઉત્સવ વૈધ)